‘૬ કલાકનો કાર્યક્રમ?’
‘બે ઈન્ટરવલ અને ડીનર-સ્નેક્સ સાથે?’
‘જો જો જરા, ઓડિયન્સ નહીં બેસે..’
આ અને આવા અનેક અનુભવી વિધાનો કાર્યક્રમો સાથે સંકળાયેલા લોકોના જેમ જેમ ચિરાગ પટેલ, સ્નેહલ પટેલ અને સંજય કંથારિયા તથા શંકર-જયકિશન ફાઉન્ડેશનના કાર્યવાહકો સાંભળતા ગયા તેમ તેમ એમનો કાર્યક્રમની સફળતા માટેનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થતો ગયો.
અમદાવાદમાં તાજેતરમાં આ સંસ્થાનો શંકર-જયકિશન ટાઈમલેસ ક્લાસિક સિરિઝનો સિલ્વર જ્યુબિલી શો યોજાયો. જેમાં ૬૦થી વધુ વાદ્યકારો, ૧૪ ગાયકો, ૨૨ કોરસ ગાનારા કલાકારો, ૫ કાર્યક્રમ સંચાલકો અને ૨૩૦૦નું ઓડિયન્સ હતું, જેમણે ૪૦ ગીતો સાંભળ્યા. સાંજે પાંચ વાગ્યે ઘરેથી નીકળેલો શ્રોતા ૬ કલાકનો અદભૂત કાર્યક્રમ માણીને રાત્રે બે વાગ્યે પહોંચ્યો. આયોજકો ઓડિયન્સને અને શંકર-જયકિશનના સર્જનને સલામ કરે છે.
હૈદ્રાબાદથી આવેલો શંકર અને વાંસદા-ગુજરાતથી આવેલો ગુજરાતી જયકિશન મુંબઈમાં મળે છે અને ત્યાંથી આરંભયા છે હિન્દી સિનેમા સંગીતના સુવર્ણપૃષ્ઠનું એક પાનું. ફિલ્મ ‘બરસાત’ના નિર્માણ પહેલા ૧૯૪૭-૪૮માં પૃથ્વીરાજ કપૂર તેમના નાટકો લઈને અમદાવાદ આવ્યા હતા. પુરુષોત્તમ મિલના કમ્પાઉન્ડમાં નાટકો ભજવાતા. શંકર અને જયકિશન સાજીંદા તરીકે કામ કરતા તેમાં. રાજકપૂર અને પ્રેમનાથ પણ તેમાં હતા. સાયકલ લઈને અમદાવાદમાં નીકળી પડતાં. એક રાત્રે ખૂબ વરસાદ પડ્યો. શંકર-જયકિશન અને રાજકપૂર વરસાદથી બચવા પલંગ નીચે ભરાયા હતા. મસ્તી કરતા હતા. અચાનક શંકર-જયકિશને તપેલી અને ખાલી ડબ્બો લીધા, ફિલ્મ ‘બરસાત’ માટે નક્કી કરેલું અને રાજકપૂરે તેમને સંભળાવેલું ગીત ગાતા ગાતા તાક ધીનાધીન કરવા માંડ્યું. રાજકપૂરને વિચાર આવ્યો કે આ બન્નેને જ ‘બરસાત’નું સંગીત આપું તો કામ થઈ જાય અને હિન્દી સીનેમાના પૃષ્ઠો પર સ્વર્ણિમ નામ કોતરાયું. ફિલ્મ ‘બરસાત’થી સંગીતકાર શંકર-જયકિશનનું.
હિન્દી ફિલ્મસંગીતમાં પહેલી જ ફિલ્મથી છવાઈ ગયા હોય અને પછી અઢી દાયકા સુધી સાતત્યપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હોય એવા એ પ્રથમ સંગીતકાર રહ્યા છે. એમના આગમન પહેલાનું સંગીત અને એમનું સંગીત આ બંનેમાં આભ-જમીનનું અંતર રહ્યું, એવો પાયાનો ફેરફાર તેઓ પોતાની સૂઝ-સાદગી અને મધુરતાથી લાવ્યા સિને સંગીતમાં. કરોડો સંગીત પ્રેમીઓના હૃદય પર સંગીત સર્જન દ્વારા શંકર-જયકિશન રાજ કરતા હતા-કરે છે અને ભવિષ્યમાં પણ કરશે.
રાજકપૂર-શૈલેન્દ્ર અને હસરત જયપુરી જેવા સંવેદનશીલ ગીતકારો સાથેની ટીમમાં આ બંને રહ્યા અને યાદગાર ગીતો આપ્યા.
આવારા (૧૯૫૧), નગીના (૧૯૫૧), આહ (૧૯૫૩), પતિતા (૧૯૫૩), શ્રી ૪૨૦ (૧૯૫૫), ચોરીચોરી (૧૯૫૬), નઈ દિલ્હી (૧૯૫૬), બસંત બહાર (૧૯૫૬), રાજહઠ (૧૯૫૬), યહુદી (૧૯૫૮), અનાડી-ઊજાલા અને કન્હૈયા (૧૯૫૯), જીસ દેશ મેં ગંગા બહતી હૈ, દિલ અપના ઔર પ્રીત પરાઈ (૧૯૬૦), જંગલી અને સસુરાલ (૧૯૬૧), આશિક, અસલી-નકલી, પ્રોફેસર (૧૯૬૨), સંગમ (૧૯૬૪), આરઝુ-જાનવર (૧૯૬૫), આમ્રપાલી (૧૯૬૬), સૂરજ (૧૯૬૬), તીસરી કસમ (૧૯૬૬), એન ઈવનીંગ ઈન પેરીસ, અરાઉન્ડ ધ વર્લ્ડ અને દિવાના (૧૯૬૭) બ્રહ્મચારી (૧૯૬૮), મેરા નામ જોકર (૧૯૭૦) સુધીની ફિલ્મોના અને એ પછી આવેલી ફિલ્મોના ગીતો સંગીત સંયોજનની એમની વિશેષતાઓને કારણે લોકહૈયે વસી ગયા છે.
મેરા નામ જોકર ફિલ્મનું પાર્શ્વસંગીત એમણે સ્ટોપવોચના ઉપોયગ વિના માત્ર પાંચ દિવસમાં તૈયાર કર્યું હતું અને તે પ્રથમ ફિલ્મ હતી જેના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની LP રેકર્ડ બહાર પડી હોય.
વાદ્યકારોમાં શ્રેષ્ઠ રિધમિસ્ટ દત્તારામ અને મેલડીમાં એમને સેબેસ્ટીયન ડીસોઝા જેવા સહાયકો મળ્યા જેના પરિણામે એક સંગીતકાર તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ તેઓ આપી શકાય. વાયોલિન ગ્રૂપ વાયોલિન-એકોર્ડીયન-મેન્ડોલીન-સિતાર-સરોદ-પિયાનો જેવા અનેક વાદ્યોનો ગીતોની તર્જમાં જરૂરિયાત મુજબ અદભૂત ઉપયોગ કર્યો.
લોકસંગીત-શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીત તથા વાદ્યોનો અદભૂત ઉપયોગ, કાઉન્ટર મેલડી - પ્રિ-લ્યુડ અને ઈન્ટરલ્યુડ મ્યુઝીક તથા અનબીલીવેબલ ઓરકેસ્ટ્રાના કારણે શંકર-જયકિશનનું સંગીત અમર થઈ ગયું છે.
શંકર જયકિશન ફાઉન્ડેશન અમદાવાદ જેવી સંસ્થાઓ દ્વારા થતા અને એ સિવાય થતા એમના ગીતોના પ્રસારણ સાંભળીને એમના સંગીત પ્રેમીઓના હૃદયમાં અજવાળા રેલાય છે
લાઈટહાઉસ
શંકર જયકિશનનું સર્વશ્રેષ્ઠ સંગીત ‘મેરા નામ જોકર’માં છે - રાજકપૂર