શબ્દ અને સ્વભાવ સાથે સમજદારી ભળે તો ભયો ભયો

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 23rd July 2024 12:58 EDT
 
 

આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ બને છે, આપણા જ જીવનમાં પણ બને છે જેમાં આપણે વિસંવાદિતા, વિષાદ, વ્યગ્રતા કે અસમર્થતા અને અસફળતા અનુભવીએ છીએ. સામાન્ય સંજોગોમાં કોઈપણ માણસને આવી લાગણી અનુભવવી ગમે જ નહીં, છતાં આવી પરિસ્થિતિ સર્જાય, કોઈ ઘટના બને ત્યારે આપણને થાય કે આવું કેમ? આપણે સામાન્ય માણસરૂપે એન્ગ્ઝાઈટી અનુભવીએ, ડિસ્ટર્બ થઈ જઈએ, ઘણી વાર ઉતાવળિયા થઈ જઈએ, પછી ન બોલવાના શબ્દો બોલાઈ જાય, ન થવાની વર્તણૂંક થઈ જાય અને સરવાળે અસર એ થાય કે આપણા માનવીય સંબંધોમાં બ્રેકઅપ આવે, મળતી સફળતામાં પણ બ્રેક લાગે, આપણે જ આપણી જાત પ્રત્યે ગિલ્ટી ફીલ કરીએ, સ્વઅપરાધ ભાવના આપણને પીડે. મન અને શરીર આ બંને પર એની અસર પડે. એના કારણો કયા હોઈ શકે? થોડો અભ્યાસ કરીએ તો ઘણા બધા સામાન્ય તારણો મળી શકે છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાતી હોય છે. એક મહત્ત્વનું કારણ તે માણસનો પોતાનો સ્વભાવ હોય છે.

એક પરિચિત સ્વજન છે, એ સ્વભાવે અતિ લાગણીશીલ. એમની સિનિયર સિટીઝનની ઊંમરે પણ સતત પ્રવૃત્તિશીલ રહે છે, ધાર્મિક અને આધ્યાત્મિક માણસ છે. એ જ્યારે પરિવાર કે દોસ્તો સાથે હોય ત્યારે વાતાવરણ જીવંત થઈ જાય એવું એમનું વ્યક્તિત્વ, પરંતુ અતિ લાગણીશીલ હોવાને કારણે એ પોતાની ભૂલો વધુ અનુભવે છે, પોતાના દોષ પહેલા જુએ છે, એમને અન્યાય થાય તો મૌન રહે છે. પોતે અસુવિધા ભોગવીને બીજાને સુવિધા આપે છે. કંઈ પણ થાય તો મારી આટલી ભૂલ થઈ, કેમ થઈ? મારો ઈરાદો ન હતો, મેં તો કશું કહ્યું જ નથી ને છતાં સામેની વ્યક્તિને મારા માટે કેમ નેગેટિવિટી પ્રગટ થઈ? કેમ મારા પ્રત્યે અભાવ થયો? એવા એવા પ્રશ્નો એમને જંપવા ના દે. વાસ્તવમાં એમની કોઈ ભૂલ જ ન હોય છતાં આવી કોઈ વાતે એમને બે-ચાર દિવસ જમવાનું ના ભાવે. હવે આ કિસ્સામાં એમનો અતિ લાગણીશીલ સ્વભાવ જ એમના માટે નુકસાનકારક સાબિત થાય છે. એ બીજાનું વધારે વિચારે છે, બીજાને રાજી રાખવા પ્રયત્ન કરે છે એટલે પોતે વધુ દુઃખી થાય છે.
એવા જ એક પરિચિત છે એ એમની ઊંમરના કારણે પોતાના પરિવારને અને સગાં-વ્હાલાં કે દોસ્તોને પ્રસંગે પ્રસંગે સલાહ આપ્યા કરે, આદર્શોની વાતો કરે. જીવન માટે જરૂરી એવા મૂલ્યોની વાત કરે, એ સાચા જ હોય પણ એમની વાતમાં બધાંને રસ ના પડે કારણ કે સલાહરૂપે એમની વાતો આવે છે.
એક પરિચિત વળી અતિ લાગણીશીલ એટલે એના અંગત લોકોના લગ્નજીવન વિશે, પરિવારની આર્થિક સદ્ધરતા વિશે, સંતાનોના વિકાસ વિશે સતત પૂછપૂછ કરે પછી એ દિશામાં પરિવારના હિતમાં શું કરવું જોઈએ એ માટે ચર્ચા કરે, સલાહ આપે. એ કહે પણ ખરા કે હું ગામને સલાહ ન આપું પરંતુ હું જેને પ્રેમ કરું છું એ મારા પરિવારનો કોઈ સભ્ય જો ખાડામાં પડતો હોય – પડે એમ હોય તો મારે ધ્યાને દોરવું જ જોઈએ. એમની લાગણી સો ટકા સાચી હોવા છતાં કેટલીક વાર એમની સાથે પરિવારજનોને એવું લાગે છે કે એ અંકલ અમારી લાઈફમાં વધારે પડતી દખલગીરી કરે છે, અમારા પ્રશ્નો છે તો અમે ફોડી લઈશું - હવે પેલા અંકલ કહે કે હું સાવ અજાણ્યાને થોડો કહેવા જવાનો છું, તમારા પર હક્ક છે, લાગણી છે, એટલે કહું છું. આમ વાતમાં સચ્ચાઈ હોવા છતાં એ અંકલ માટે લોકોને અણગમો ઉપજે છે.
કેટલાક કિસ્સામાં એવું બને છે કે માણસ સાવ અધૂરિયાપણા સાથે જીવે છે, કોઈ વાતે ચોકસાઇ કરવી નથી એટલે બસ બોલવા ખાતર બોલે છે ને પછી હેરાન થાય છે. કેટલીક વાર એવું થાય છે કે ગુસ્સામાં - આવેશમાં - ઉતાવળમાં વગર વિચાર્યા શબ્દો બોલાઈ જાય છે અને પછી કાં સંબંધ તૂટે છે કાં સફળતા આડે અવરોધો આવે છે.
હમણાં એક ભાઈને કોઈ વાતે અન્યાય થયો તો ત્યાંને ત્યાં જોરશોરથી રજૂઆત કરવા માંડ્યા, એમના વિરોધીને એ જ જોઈતું હતું - એમણે એ વિરોધી વિચારધારા ધરાવે છે એવું વાતાવરણ ઊભું કરી દીધું. આમ આવા આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે જેના કારણે નિષ્ફળ જવાય છે - સંબંધો તૂટે છે આવું ન થાય માટે સમજણના - જાગૃતિના અજવાળાં ઝીલવા જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter