શબ્દોની મોહતાજ નથી મિત્રોની મૈત્રી

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 16th December 2019 07:12 EST
 

‘તારે કૃતાર્થના ઘરે જવું હોય તો તને એ ખબર છે? કેટલું બધું દૂર છે બેટા?’
કવિને એના મિત્રની દીકરી ઋચાને કહ્યું. ઋચાએ જવાબ આપ્યો કે, ‘મને એટલી ખબર છે કે મારે કૃતાર્થ અંકરના ઘરે જવું છે બસ...’
‘તો તારે જવું હોય ત્યારે કહેજે, હું તને મુકી જઈશ, હું એના ઘરે નહીં આવું. સાંજે હું લઈ જઈશ અથવા તું ટેક્સી કરીને આવી જજે.’ કવિને કહ્યું તો ઋચાએ આંખોમાં આંખો મેળવીને પુછ્યું, ‘કેમ તમે નહીં આવો? પપ્પા તો કહેતા હોય છે કે તમે અને કૃતાર્થ અંકલ બેસ્ટ ફ્રેન્ડ છો.’ જવાબમાં કવિને કહ્યું, ‘એક સમયે હતા, હવે નહીં... પણ તું એ બધામાં ના પડ, જવું હોય ત્યારે કહેજે...’ અને ઋચાએ કહ્યું, ‘ના હવે હું તમને નહીં કહું, મારી રીતે જ ટેક્સ કરીને જઇ આવીશ.’
સંવાદ તો અહીં પુરો થયો, પણ ઋચાએ વ્યથા અનુભવી કે આવું કેમ? આખરે જ્યારે એ એના પપ્પાને મળી ત્યારે પુરી વાત જાણવા મળી.
કૃતાર્થ અને કવિન હાઈસ્કૂલથી સાથે ભણ્યા. ધોરણ બારની પરીક્ષામાં સાથે જ અભ્યાસ કર્યો. બંનેને ખુબ સારા માર્કસ આવ્યા. પરિણામ બાદ અમદાવાદની જાણીતી આર્કિટેક્ટ ઈન્સ્ટિટ્યુટમાં બંનેએ સાથે જ પ્રવેશ લીધો. એ દાયકો હતો ૧૯૯૦નો અને અંતિમ વર્ષો હતા એ દાયકાના.
કૃતાર્થ ખુબ સારો ચિત્રકાર પણ હતો. સ્વયંભુ રીતે, કોઈ જાતની તાલીમ વિના એની હથરોટી હતી ઉત્તમ ચિત્રો બનાવવાની. આર્કિટેક્ટના અભ્યાસમાં એને આ ચિત્રકલાનો શોખ ઉપયોગી પણ થતો હતો. એ જ્યારે જ્યારે ચિત્ર દોરે ત્યારે ત્યારે મિત્રોને બતાવે અને અભિપ્રાય પૂછે. આ મિત્રોમાં અમદાવાદનો એનો જીગરી કવિન તો ખરો જ. ઉપરાંત સુરતનો રીતેશ અને શીવાની, રાજકોટના પિયુષ અને ઈન્દોરનો રચિત પણ ખરા. બધ્ધા જ એના ચિત્રોની સરાહના કરે, પીઠ થાબડે પણ કવિન ક્યારેય વાહ ના કહે. ઉલટો કહે કે ‘તું ચિત્રકાર બનવા કરતા તારા આર્કિટેક્ટના અભ્યાસમાં ધ્યાન આપને ભાઈ...’ બંને વચ્ચે આમ મીઠો ઝઘડો ચાલે, પણ એક વાર આવી જ ઘટના બની. કૃતાર્થે ચિત્ર બતાવ્યું અને કવિન કહે ‘સાવ બોગસ છે યાર...’ બસ એ પળે શું થયું ખબર નહીં. બીજી કોઈ દલીલ-ચર્ચા-ઝઘડા વિના બંને વચ્ચે અબોલા શરૂ થયા.
ભણવાનું પૂરું થયું. પાર્ટી થઈ. ગેટ ટુગેધર થયા. ઘણાએ પ્રયત્ન કર્યો પણ વાત આગળ ના વધી. બંને એક જ શહેરમાં રહે. બંને વચ્ચે પારિવારિક સંબંધો હતા તે પૂરેપૂરા ૨૩ વર્ષ મૌનમાં પડઘાતા રહ્યા. આખરે ઋચાએ નક્કી કર્યું કે આ બંનેના અબોલા તોડવા છે.
એક દિવસ એના પપ્પાના ફોનમાંથી કૃતાર્થને ફોન જોડ્યો વાતો કરી. ને ‘એક મિનિટ તમારા મિત્રને આપું છું...’ કહીને કવિનને આપ્યો. બંનેએ વાતો કરી. સાંજે મળીએ? તો કહે મળીએ. સહુ મળ્યા. પરિવારોમાં આનંદ છવાયો. મન ભરીને ગુસ્સો ઠાલવ્યો. કોલેજલાઈફની જેમ જ તોફાન-મસ્તી કર્યા. સૌથી વધુ રાજી હતી ઋચા. જે ૨૩-૨૩ વર્ષના અબોલા તોડવામાં મિત્રો વચ્ચે અકારણ ઊભી થયેલી દિવાલ તોડવામાં નિમિત્ત બની હતી.

•••

મિત્રોની મૈત્રી શબ્દોની મોહતાજ નથી હોતી પણ ક્યારેક બોલાયેલા શબ્દો અથવા હેતુ વિના થયેલું વર્તન એકબીજા વચ્ચે એવી ગેરસમજ ઊભી કરે છે કે બંનેની મૈત્રી થંભી જાય છે.
એટલે જ કહેવાયું છે કે ‘બોલી તો અનમોલ હૈ....’ પણ મિત્રો-મિત્રો વચ્ચે સાહજિક એવી મસ્તીમાં સંબધો સ્થિર થાય છે. પછી ક્યારેક કોઈ ત્રીજી વ્યક્તિ આવે છે વચ્ચે જે બંને વચ્ચેની દિવાલ પ્રેમના બાણથી તોડે છે અને લાગણીના ઘોડાપૂર વહે છે. ફરી મૈત્રી જીવંત થાય છે. ફરી મૈત્રીના ફૂલો ખીલે છે, ફરી મૈત્રીના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter