‘પુત્રવધૂને દીકરી જેટલો જ પ્રેમ આપનાર પરિવાર સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.’ જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કહ્યું. ‘અભિવાદન સમારોહ અને લોકડાયરાના કાર્યક્રમના નિમંત્રણમાં પણ પરિવારની લાડકી એવો જ શબ્દ પ્રયોજાયો છે એ જ બતાવે છે કે આ પરિવાર પુત્રવધૂને દીકરી જ ગણે છે.’ ઉપસ્થિત મહેમાનો પૈકીના કોઈએ કહ્યું. હમણાં કલાકાર - વક્તારૂપે એક સામાજિક સમારોહમાં ભાગ લેવાનું થયું, આનંદનો અવસર હતો એમાં આપણા શાસ્ત્રો - સત્સંગ અને સંસ્કારોનો સમન્વય હતો.
વાત છે એવા પરિવારની જેમણે એમના દીકરાની વહુ એટલે પુત્રવધૂના ઘરમાં આગમન બાદ એના ભણતરના ક્ષેત્રને હોંશેહોંશે આગળ વધાર્યું. આગળ વધુ અભ્યાસ માટે વાતાવરણ પૂરું પાડ્યું અને જ્યારે એ પુત્રવધૂએ એક સિદ્ધિ મેળવી, ડિગ્રી મેળવી તો એનું જાહેર અભિવાદન કર્યું અને એના નિમંત્રણમાં ક્યાંય પુત્રવધૂ શબ્દનો ઉલ્લેખ ન કર્યો. અમારી દીકરી, અમારું ગૌરવ એ જ ભાવ અભિવ્યક્ત થયો.
એ દીકરીનું નામ ભાવિકા. મૂળ અમરેલી જિલ્લાના અને સુરતમાં રહેતા વસંતભાઈ અને હંસાબહેનના પરિવારમાં એનો જન્મ. લગ્ન નક્કી થયા અમદાવાદસ્થિત શ્રી હિતેષભાઈ ગૌદાની અને ભારતીબહેનના પુત્ર વત્સલ સાથે. લગ્નના ત્રણ-ચાર દિવસ પહેલાં જ ભાવિકાએ સીએની ડીગ્રી હાંસલ કરી. લગ્ન થયા પછી સાસરામાં પણ બધી વાતે સુખ હતું.
એક વાર એના સસરાએ પૂછ્યું, ‘બેટા, તમારે અમેરિકા સેટલ થવું છે?’ ભાવિકા અને એના પતિએ ધ્યાનથી પૂરેપૂરી વાત સાંભળી અને આખરે સમજી વિચારીને હા પાડી. કાયદાકીય રીતે જે કાંઈ પત્રો ફાઈલ કરવાના હતા તે જે તે કેટેગરીમાં તૈયાર કર્યાં. ભાવિકાએ સીએની ઓફીસમાં જે કામ કરતી હતી તે કામને વિરામ આપ્યો અને પૂરો સમય અમેરિકાની સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટની પરીક્ષાની તૈયારી કરી. કોરોનાની વૈશ્વિક પરિસ્થિતિના કારણે ભારતમાં સેન્ટર અપાયું અને પરીક્ષા આપી જેમાં એ પાસ થઈ ગઈ. આમ અમેરિકા સ્થાયી થવાના જાણે એના માટે દ્વાર ખૂલ્યા. વત્સલે પણ એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વ્યવસાય શરૂ કર્યો. અનુકૂળતા મુજબ થોડા સમય પછી હવે બંને અમેરિકા જશે.
ભાવિકાના અભિવાદન સમારોહમાં એના સાસુ-સસરાએ જે આશીર્વાદ પત્ર આપ્યો એમાં લખ્યું છેઃ ‘તારો જીવનબાગ પારિવારિક સંસ્કારોથી મહેંકતો છે, તારા જીવનમાં સત્સંગની દિવ્યતા છે, સાથોસાથ શિક્ષણ અને વ્યવહારિક જીવનમાં કોઠાસૂઝનો સમન્વય છે, તારા જેવી દીકરી બે કૂળને અજવાળે છે એ અમારા માટે ગૌરવનો પ્રસંગ છે.’
આમ એક પુત્રવધૂની સિદ્ધિના પોંખણા થાય, વધામણાં થાય અને એ સમયે ઓડિયો રેકોર્ડિંગના માધ્યમથી જાહેર અભિવાદન સમારોહમાં પરમપૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી-એસજીવીપી અને પ.પૂ. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી-એસજીવીપીના આશીર્વાદ મળે, વિવિધ ધર્મસ્થાનોથી પ્રસાદીના હાર, માતાજીની ચૂંદડી એને આશીર્વાદરૂપે અપાય ત્યારે સમાજજીવનમાં એક નોખું-અનોખું ભાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે.
ભારતીય સંસ્કૃતિમાં દીકરી પિયરમાં હોય ત્યાં સુધી તો માતા-પિતાની પરી જ હોય છે, દરેક મા-બાપ પોતાની ક્ષમતાથી પણ વધુ રીતે દીકરીના તમામ મનોરથો પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ પરણ્યા પછી શ્વસુર પક્ષમાં પણ એને ઉચ્ચ અભ્યાસ માટે મોકળું વાતાવરણ મળે, એને પ્રોત્સાહન અપાય અને એની સિદ્ધિઓનું ગૌરવ ગાન થાય ત્યારે સ્વાભાવિકપણે આવી ઘટનાઓના સાક્ષી થનારને આનંદ થાય. દીકરી સાસરે જાય પછી એ તો એના સંસ્કારોના કારણે બધી વાતે સુખ જ છે એમ જ કહે પરંતુ એના માતા-પિતાને જ્યારે આ શબ્દોમાં રહેલી સચ્ચાઈની અનુભૂતિ થાય ત્યારે ‘હાશ’ થતી હોય છે.
એક દીકરી પરણે છે ત્યારે પિયરના ઉછેરનું એ વાતાવરણ છોડીને નવા વાતાવરણમાં ગોઠવાય છે. એના સપનાંઓનું સંવર્ધન કરનાર શ્વસુર પક્ષના તમામ સભ્યો સાથે એ દૂધમાં સાકરની જેમ ઓગળી જાય છે અને પોતાના સહજ સ્વભાવથી પ્રેમ અને આનંદનો વિસ્તાર કરે છે ત્યારે એના પિયર અને સાસરા, એમ બંને પરિવારોમાં ગૌરવની લાગણી અનુભવાય છે, એથી જ તો દીકરી દુહિતા કહેવાય છે.
સમાજજીવનમાં માનવીય સંબંધોમાં જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે એનું ગૌરવ અનુભવાય છે અને વાત્સલ્યપૂર્ણ સંસ્કારોના દીવડાના અજવાળાં રેલાય છે.