• ‘માનવ જીવનના ચાર ખંડો છે, માનભાઈ ભટ્ટ (માનદાદા)નો ગર્ભખંડ ગાંધીજી અને વિનોબાના વિચારોનો હતો. વર્ગખંડ શિશુવિહારનો, કર્મખંડ નિષ્કામ જનસેવાનો અને ધર્મખંડ ઉત્તમ હતો.’ - પૂ. મોરારિબાપુ
• ‘બહેનો આત્મનિર્ભર બને તો તેમનું સામાજિક સન્માન વિસ્તરે છે, શિશુવિહાર દ્વારા આ દિશાનો પ્રયત્ન અભિનંદનને પાત્ર છે.’ - પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
માણસના જીવનનો આધાર બાળઉછેર છે અને તેથી જ પોતાની આગવી પદ્ધતિથી સામાજિક સેવાના ભાગરૂપે શ્રી માનભાઈ ભટ્ટે ભાવનગરમાં 1939માં શિશુવિહાર સંસ્થાની સ્થાપના કરી. અહીં ઉપર લખેલા ઉદ્ગારો આ વ્યક્તિ અને સંસ્થા માટેના છે. શિશુવિહાર સંસ્થા કે માનભાઈ વિશે અહીં વાત કરવી એટલે એક ગાગર જેવડા લેખમાં સાગર સમાવવા જેવું છે. સંસ્થામાં 1939માં ક્રિડાંગણ સ્થપાયું, જ્યાં દર વર્ષે 75 હજારથી વધુ બાળકો રમવા આવે છે. રોજ સાંજ ઢળે શિશુવિહારના ક્રિડાંગણમાં ગુંજે છે બાળકોનો મધુર કલરવ.
માનભાઈ ભટ્ટે બાળકોમાં વાંચવાની ટેવ જાગૃત થાય માટે 1939થી જ જીવનઉપયોગી પ્રકાશનો પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું હતું જેમાં જીવન ઘડતર, સાહિત્ય વગેરેની પુસ્તિકાઓ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે. છેલ્લા 20 વર્ષમાં અંદાજે 550થી વધુ આવા પ્રકાશનો તૈયાર થયા હશે. 1940ના વર્ષમાં શિશુવિહાર સંસ્થાએ રોજગારી માટે સીવણ તાલીમ શરૂ કરી હતી. તાલીમ ઉપરાંત સીવણ સંચો ખરીદવા સહાય પણ અપાય છે. સંસ્થામાં 1942થી શરૂ થયેલ ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલયમાં મોટી સંખ્યામાં પુસ્તકો છે અને દૈનિક સમાચારપત્ર તથા મેગેઝીન પણ વાંચવા લોકો આવે છે. 1954થી અહીં સ્કાઉટ ગાઇડ તાલીમ અપાય છે. 1952માં મોંઘીબહેન બધેકા બાલમંદિર શરૂ કરાયું છે. સમય સાથે પરિવર્તન સાધીને હવે તો બાલમંદિરમાં કોમ્પ્યુટર તાલીમ પણ અપાય છે. 1960માં માંદગી સાધન સહાય અને આરોગ્ય ઉકાળા પરબનો આરંભ કરાયો હતો. બાળકો અને યુવાનોમાં કલાના અને શોખના વિવિધ સ્વરૂપો વિશે જાણકારી વધે તે હેતુથી 1939માં રંગભૂમિ - કલાક્ષેત્રની અને 1962માં સંગીત વર્ગની શરૂઆત કરાઇ હતી. 1980થી શિશુવિહારમાં દર બુધવારે સાંજે કવિ-લેખકોની એક સભા યોજાય છે તે બુધસભા તરીકે જાણીતી છે જેના થકી અનેક કવિઓના સર્જનો ઘડનામાં એક પ્લેટફોર્મરૂપે બન્યું છે શિશુવિહાર.
બાળઆરોગ્યના કેમ્પ તથા પ્રભુકૃપા નેત્રયજ્ઞનો આરંભ કરીને માનવતાના માર્ગે ઉત્તમ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. 1990માં મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓનો આરંભ, 1992માં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારા નાગરિકોનું સન્માન, 1992માં બાલદેવ વનનો, 2012થી કોમ્પ્યુટર તાલીમ, 2017થી ફિઝિયોથેરપી અને ફિટનેસ સેન્ટર જેવા શુભારંભ કરીને શહેરની પ્રજાની સેવામાં કાર્યરત કરાયા છે.
સંસ્થાના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટે સમાજની જે તે સમયની જે જે જરૂરિયાતો અનુસાર સુવિધાઓનું નિર્માણ કરાવ્યું જેને એમના અવસાન પછી અત્યારે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ આગળ વધારી રહ્યા છે. સંસ્થા દ્વારા ભાવનગર શહેર ઉપરાંત આસપાસના અન્ય શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમયે સમયે સેવાકાર્યો થાય છે, શિબિરો થાય છે. શિશુવિહાર દિવ્ય જીવનની પ્રાર્થના દરેક શુક્રવારે સાંજે યોજાય છે. આરોગ્યવર્ધક ઔષધિ પરબ પણ નિયમિત કાર્યાન્વિત છે. સંસ્થાની વિગતો ફેસબુક – ઈન્સ્ટાગ્રામ જેવા સ્પેશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. 1944થી સાલથી શિશુવિહાર સામાયિક પ્રકાશિત થાય છે.
સેવા અને સંસ્કાર સંવર્ધનનો યજ્ઞ શિશુવિહારમાં અહર્નિશ કાર્યરત રહે છે. સમાજના વિધવિધ ક્ષેત્રના મહાનુભાવોમાં એમની સેવાનું સમિધ આપતા રહે છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીના ઊંમરના તમામ તબક્કે માણસના ઘડતરમાં શિશુવિહાર સંસ્થા ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે. ગાંધીજીના અંતેવાસી ઠક્કરબાપાની પ્રેરણાથી શિશુવિહારના પ્રાંગણમાં શરૂ થયેલી સેવા પ્રવૃત્તિઓ 84 વર્ષોથી અવિરત કોઈ પણ જાતની સરકારી મદદ વિના માત્ર જનસહયોગથી ચાલે છે. અનેક સેવાભાવી કાર્યકરો, દાનવીરો અને ટ્રસ્ટીઓની ત્રિવેણી થકી શિશુવિહારમાં માનવતાના કાર્યોના દીવડાં ઝળહળે છે અને અજવાળાં સમાજમાં રેલાય છે.