‘અરે, અમે પ્રાઈમરી સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવાતી અને જે આનંદ આવતો, તે આનંદ પછીના અભ્યાસ દરમિયાન તો ક્યારેય માણ્યો જ નહીં.’ ઝલક એની એક મિત્ર સાથે વાત કરતી હતી. પેલી મિત્રે પણ કહ્યું કે ‘સાચી વાત છે, સ્કૂલમાં અને કોલેજમાં ઉજવાતા ઉત્સવોમાં બહુ મોટો ફેર પડી ગયો છે.’
વાતમાં બેશક દમ છે. હજી કેટલીય શિક્ષણ સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમાનો તહેવાર ઉલ્લાસમય રીતે ઊજવાય છે. ચાર વેદ અને મહાભારતની રચના કરનારા મહર્ષિ વેદવ્યાસનો જન્મ દિવસ છે અષાઢી પૂર્ણિમા, એથી એ વ્યાસ પૂર્ણિમા નામે પણ ઉજવાય છે. શાળા, મંદિર, આશ્રમ, ગુરુસમાધિસ્થાને ભાવ અને શ્રદ્ધાપૂર્વક ગુરુપૂર્ણિમા ઉજવાય છે.
સંસ્કૃત સાહિત્ય વાંચીએ ત્યારે જણાય છે કે ગુરુ કોણ? જવાબ મળે છે કે ‘શિષ્યને જે સંસાર સાગરથી પાર ઉતારે તે ગુરુ’. શ્રી ગૌતમ પટેલ એક લેખમાં લખે છે કે, શ્રીમદ્ ભગવદ્ગીતામાં શિષ્યસ્તેડહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ કહેનાર અર્જુનના કાનમાં ગીતામૃતનું સિંચન કૃષ્ણે કર્યું છે અને તે દ્વારા તમારા, મારા અને આપણા સહુ કોઈના એ ગુરુ બની ગયા છે. જે સ્વયં બ્રહ્મને જાણે અને બીજાને તેનું જ્ઞાન કરાવે તે ગુરુ. આ અર્થમાં પણ કૃષ્ણ ગુરુ છે.
સ્વાભાવિક રીતે સામાન્ય માણસની સમજ એવી છે કે ગુ-કાર એટલે અંધકાર અને ર-કાર એટલે દૂર કરનાર. આમ અંધકારને, અજ્ઞાનને, સંસારની ભ્રાંતિને દૂર કરે તે ગુરુ. આપણે માણસ તરીકે આચાર-વિચારથી ક્યાંક-ક્યારેક ડાબેજમણે જતાં હોઈએ અને આપણા ચિત્તમાં આવીને યોગ્ય દિશા નિર્દેશ આપે તે ગુરુ.
શ્રી રામચરિતમાનસમાં ગોસ્વામી શ્રી તુલસીદાસજી ગુરુ મહિમાનું ગાન કરતા લખે છે,
બંદઉઁ ગુરુ પદ પદુમ પરાગા
સુરુચિ સુબાસ સરસ અનુરાગા
અમિય મૂરિમય ચુરન ચારુ
સમન સકલ ભવ રજ પરિવારુ
અર્થાત્ હું ગુરુના ચરણકમળોની રજની વંદના કરું છું, જે સુરુચિ, સુગંધ તથા અનુરાગરૂપી રસથી પૂર્ણ છે. તે અમર મૂળ એટલે કે સંજીવની જડીનું સુંદર ચૂર્ણ છે, જે પૂર્ણ ભવરોગોના પરિવારનો નાશ કરનાર છે.
ગુરુના સ્મરણ માત્રથી આપણું રોમરોમ હર્ષિત થાય છે. એ અનાયાસ-અપ્રયાસ-અનહદ કૃપા કરે છે શિષ્ય પર... શિષ્ય જ્યારે ઘેરાયેલો હોય ત્યારે કોઈને કોઈ સ્વરૂપે એ આવીને શિષ્યના તમામ દુઃખોનું નિવારણ કરે છે.
સંત કબીરે પણ એમની સાખીઓમાં અનેક વાર ગુરુના મહત્ત્વને સ્વીકાર્યું છે. ગુરુથી દીક્ષિત થઈને જ વ્યક્તિ પોતાનું ને બીજાનું કલ્યાણ કરી શકે છે. કબીર સાહેબ લખે છે,
ગુરુ સમાન દાતા નહિ, જાચક શિષ્ય સમાન,
તીન લોક કી સંપદા, સો ગુરુ દીન્હીં દાન...
અર્થાત્ ગુરુ સમાન કોઈ દાતા નથી, શિષ્ય જેવો કોઈ માંગનાર નથી, શિષ્યના માંગવાથી ગુરુ ત્રણે લોકની સંપદા દાન કરે છે.
પ્રાચીન ભજનવાણીમાં તો અપરંપાર પદો મળે છે ગુરુ મહિમાના. સંત કવિ ભાણો લખે છે,
સતગુરુ મળિયા સહેજમાં,
જેણે સતનો શબદ સુનાયો,
ચોરાસીનો રાહ ચુકાવી,
અખંડ ધામ ઓળખાયો.
રવિરામ સાહેબ લખે છે,
પ્રેમનો પિયાલો મારા ગુરુજીએ પાયો,
નુરતે ને સુરતે મેં તો નિરખ્યા હરિ.
ગુરુપૂર્ણિમા અષાઢ મહિનામાં જ કેમ? તો ઉત્તર એવો મળે છે આ સમયે આકાશમાં કાળાં વાદળો ઘેરાયેલા હોય છે અને એવા સમયે પૂર્ણિમાના ચંદ્રસમાન ગુરુ છે, જે વાદળો વચ્ચેથી પણ પ્રકાશ આપે છે અને અંધકારને ખતમ કરે છે. આમ ગુરુપૂર્ણિમાના દિવ્ય ઉત્સવના અજવાળાં રેલાય છે.