પાંચ વર્ષની ઉંમરના બાળકને એના પિતાજીએ એક મૌલવી પાસે ભણવા માટે મોકલ્યો. મૌલવી એનો ચહેરો જોતા જ રહ્યા. ચહેરા પરની આભા જોઈને દંગ થઈ ગયા. અજબ નૂર ઝલકતું હતું એ ચહેરા ઉપર. મૌલવીએ એ બાળકની પાટી પર ૐ શબ્દ લખ્યો તો એ જ ક્ષણે બાળકે ૐ શબ્દની આગળ ૧ લખી દીધો અને લખ્યું ૧ૐ. મૌલવી પેલા બાળકને લઈને એના પિતાજી પાસે પહોંચ્યા ને કહ્યું ‘આ બાળકમાં તો દેવતાઈ નૂર છે એને હું શું ભણાવવાનો? એક દિવસ આ બાળક સમગ્ર સંસારને જ્ઞાન આપશે.’
ભવિષ્યવાણી સાચી પડી. એ બાળક મોટો થતા વિશ્વભરમાં ગુરુ નાનક સાહેબ નામે જાણીતો થયો. એમનો જન્મ થયો ૧૫ એપ્રિલ ૧૪૬૯ કાર્તિકી પૂર્ણિમાના દિવસે તલવંડી ગામમાં પિતા કલ્યાણચંદ (મહેતાકાલુ) અને માતા તૃપ્તા દેવી. રાવી નદીના કિનારે બાળપણ વિત્યું. બહેનનું નામ હતું નાનકી. નાનકને બચપણથી જ સાંસારિક વિષયોમાં રસ-રૂચિ ન હતા. ૭-૮ વર્ષની વયે સ્કૂલ છૂટી ગઈ. કારણ કે ઈશ્વર પ્રાપ્તિ વિશે નાનકે પૂછેલા પ્રશ્નોના જવાબો આપવામાં એના શિક્ષક હારી ગયા અને સામાન સાથે ઘરે મૂકી ગયા. પરિણામે નાનક હવે પૂરો સમય આધ્યાત્મિક ચિંતન અને સત્સંગમાં વ્યતીત કરવા લાગ્યા. બાલ્યાવસ્થામાં જ નાનકે ફારસી અને અરબી ભાષા શીખી. ૧૪૮૭માં એમના લગ્ન થયા - બે બાળકો પણ થયા.
ગુરુ નાનકે પોતાના કાર્યનો આરંભ મરદાના સાથે મળીને કર્યો. જાતિભેદ, મૂર્તિપૂજા અને અંધવિશ્વાસ સામે પ્રચાર કર્યો. ઘર છોડીને સંન્યાસીરૂપે રહ્યા. હિન્દુ-મુસ્લિમ બંને ધર્મના વિચારોને સમ્મિલિત કરીને નાનક સાહેબે એક નવા ધર્મની સ્થાપના કરી, જે પછીથી શીખ ધર્મના નામે ઓળખાયો.
તેઓ હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક હતા. તમામ ધર્મના લોકો એમના શિષ્યો બન્યા. ભારતમાં પોતાના વિચારોની જ્યોતના અજવાળા પાથરીને તેઓ મક્કા ગયા એ પછી ૨૫ વર્ષ ભ્રમણ કર્યા બાદ તેઓ કરતારપૂરમાં સ્થાયી થયા. પહેલી વાર નાનક સાહેબ યાત્રાએ નીકળ્યા ત્યારે એમના ચાર સાક્ષી મરદાના, બાલા, લહના, રામદાસ એમની સાથે હતા. ભારત-અફઘાનિસ્તાન, સહિતના મુખ્ય સ્થાનોમાં તેમણે કરેલી યાત્રાને પંજાબીમાં ઉદાસીયાં કહે છે.
ગુરુ નાનકે સ્થાપેલા શીખ ધર્મના પાયામાં સેવા-અર્પણ-કિર્તન-સત્સંગ અને સર્વ શક્તિમાન એક ઈશ્વર છે. લંગરની પરંપરા એમણે શરૂ કરી, જ્યાં ભેદભાવ વિના બધાને ભોજન પીરસાય છે. એમનું જન્મ સ્થાન જે આજે પાકિસ્તાનમાં છે તે પછીથી નનકાના સાહેબ નામથી જાણીતું થયું. તત્કાલીન રાજનીતિ, ધાર્મિક અને સામાજિક સ્થિતિને લક્ષમાં લઈ સમાજમાં ફેલાયેલી કુરીતિઓનો વિરોધ કર્યો. અંતિમ દિવસોમાં તેઓ કરતારપુરમાં પોતાના પરિવાર સાથે રહ્યા. અને ૨૨ સપ્ટેમ્બર ૧૫૩૯ના રોજ એમનો દેહ શાંત થયો. મૃત્યુ પહેલા તેઓએ શિષ્ય લહનાને ઉત્તરાધિકારી તરીકે નીમ્યા, જે પછીથી ગુરુ અંગદ દેવ નામે જાણીતા થયા.
સૂફી કવિની શ્રેણીમાં આવે એવી રચનાઓ લખનાર નાનક સાહેબની કવિતામાં ફારસી-મુલતાની-પંજાબી-સિંધી, અરબી શબ્દો સરળતાથી સમાઈ જતા, ગુરુ ગ્રંથ સાહેબમાં ૯૭૪ શબદ છે જે ગુરુવાણીમાં સામેલ છે. ગુરુ નાનકે લખેલા અનેક પદ-દોહા પ્રચલિત છે જે જીવન જીવવા માટે ઉત્તમ સંદેશ બની રહે છે.
હરિ બિનુ તેરો કો ન સહાઈ
કાકી માત પિતા સુત બનિતા,
કો કાહુકો ભાઈ
તન છૂટૈ કુછ સંગ ન ચલૈ,
કહા તાહિ લપટાઈ...
અને
નાનક ભવજલ પાર પરૈ જો ગાવે પ્રભુ કે ગીત... જેવા અનેક પદોમાં એમની વિચારધારા વહી છે. ઈશ્વર કણ કણમાં વ્યાપ્ત છે, જ્યાં નજર પડે ત્યાં ઈશ્વર છે એ વિચારધારાને આજે યાદ કરીએ ત્યારે ગુરુ નાનક દેવના વિચારો આપણી આસપાસ સર્વધર્મ સમભાવના-માનવતાના અજવાળાં રેલાવે છે.
તેજપુંજ
એક ઓંકાર, સતિનામ, કરતા પુરખુ નિરભઉ
નિરબૈર, અકાલ મૂરતિ, અજૂની, સૈમં ગુરપ્રસાદી
ભગવાન એક છે, જે નિર્માણ કરે છે જે નીડર છે, જેના મનમાં વેર નથી, જેનો કોઈ આકાર નથી, જે જન્મ મૃત્યુથી પર છે, જે સ્વયમ્ પ્રકાશમાન છે, તેના નામના જાપથી આર્શીવાદ મળે છે - ગુરુ નાનક દેવ