યતઃ કૃષ્ણ સ્તતઃ
સર્વે યતઃ કૃષ્ણ સ્તતો જય
જ્યાં કૃષ્ણ છે ત્યાં જ બધું છે. ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, અંતર્યામી. એના સ્મરણમાં જીવવું ગમે ને મૃત્યુ સમયે પણ એનું જ સ્મરણ હોય એવી પ્રાર્થના સતત મનમાં રમ્યા કરે.
હે ગોવિંદ, હે ગોપાલ... હૃદયથી પોકાર થાય અને એ મનમોહન આવે જ, ભક્તની મુશ્કેલીઓ દૂર કરે જ. શ્રીકૃષ્ણે માનવમાત્રના હૃદયમાં પ્રેમ અને આનંદની સ્થાપના કરી છે. એમ કહો કે આ બંને અનુભૂતિના રૂપે આપણા હૃદયમાં એ જ બિરાજે છે. શ્રીકૃષ્ણ પ્રાચીન પણ છે ને અર્વાચીન પણ છે. સહજ પણ છે ને રહસ્યમયી પણ છે. નટખટ છે તો દુષ્ટોના સંહારક પણ છે. ગીતાના ઉદ્ગાતા છે ને યોગક્ષેમનું વચન આપનાર પણ છે.
વસુદેવ સુતં દેવં
કંસ ચાણુરમર્દનમ્
દેવકી પરમાનંદં
કૃષ્ણ વંદે જગદગુરુમ્
શ્રીકૃષ્ણ જગતગુરુ છે. હવે પ્રશ્ન થાય કે ગુરુ કોણ? તો શ્લોકમાં ઉત્તર છે.
ગૂર્વતિ ઉદયચ્છતિ સગુરુ અર્થાત્ જે શિષ્યને સંસાર સાગરથી પાર ઉતારે તે ગુરુ. શ્રીકૃષ્ણે અર્જુનને ભગવદ્ ગીતા કહી છે. મારી ને તમારી અંદર પણ અર્જુન અને એના પ્રશ્નો જીવે છે અને એ અર્થમાં અર્જુનના જ નહીં, પરંતુ શ્રીકૃષ્ણ મારા ને તમારા પણ ગુરુ છે. અર્જુન - શ્રીકૃષ્ણનો મિત્ર છે, એ શરણ નથી જતો ત્યાં સુધી કૃષ્ણ એને એક શબ્દ પણ નથી કહેતા. આખી ગીતા સંભળાવે છે ને પછી કહે છે યથેચ્છસિ તથા કુરુ... હવે તને યોગ્ય લાગે તે કર... ત્યાં સુધીમાં અર્જુનની અવસ્થા એવી આવી જાય છે કે એ સ્વતંત્ર નિર્ણય - યોગ્ય નિર્ણય લેવાની સ્થિતિમાં હોય. અજ્ઞાન, ભ્રાંતિ, સંસારની માયા બધ્ધું જ દૂર કરે છે શ્રીકૃષ્ણ.
શ્રીકૃષ્ણ યુવાનો માટે કર્મયોગ ને પાંચજન્ય ઘોષ બનીને સર્વકાલમ્ ઊભા છે તો શિશુઓ માટે બાલકૃષ્ણ થઈને ઊભા છે. શ્રીકૃષ્ણની સમીપ પાંડવો રહ્યા ત્યારે એમનું હિત થયું છે - રક્ષણ થયું છે ને દૂર ગયા છે ત્યારે ત્યારે કોઈને કોઈ મુશ્કેલી આવી છે. શ્રીકૃષ્ણે પાંડવોને નિમિત્ત બનાવીને એક અર્થમાં ધર્મની સંસ્થાપના કરી છે.
કૃષ્ણનો - એના પ્રેમનો જાદુ ગણો કે એના પ્રેમનું સામ્રાજ્ય ગણો, વૃંદાવનમાં એવું છવાયું કે આજે પાંચ હજાર વર્ષ પછી પણ એના સંવેદનો એ ભૂમિ પર ભક્તને અનુભવાય છે. એક અજ્ઞાત કવયિત્રીનો સવૈયો છે, એમાં ગોપીભાવ અત્યંત મનોહારીરૂપે પ્રગટ થયો છે.
ઘર તજૌ, બન તજૌ
નાગરનગર તજૌ
બંસી બટ તટ તજૌ
કાહુ પૈ ન લજિ હોં
કહૈયા - સુનૈયા તજૌ
બાપ ઔર ભૈયા તજૌ
દૈયા તજૌ મૈયા
યે કન્હૈયા નહિ તજિ હો.
જ્ઞાનીને - યોગીને - રસિકને - ભક્તને - કવિને - કલાકારને - બાળકને - વૃદ્ધને - બહુ લાંબી યાદી થાય... બધાંને કૃષ્ણ પોતાના જ લાગ્યા છે.
શ્રીકૃષ્ણ એટલે સ્વયં બ્રહ્મ, સ્વયં આત્મા, સ્વયં અનાત્મ પૂર્ણાવતાર. પ્રેમ અને આનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણને હૃદયમાં બિરાજીત કરીએ, પળ પળ પ્રેમથી પ્રસન્ન રહીએ. આવું જ્યારે જ્યારે અનુભવાય, ત્યારે ત્યારે કૃષ્ણ તત્વના અજવાળાં રેલાય છે.