‘તમે બોર્ડના પ્રથમ દસમાં આવ્યા, બહુ એક્સાઈટેડ હશો નહીં? ટીવી ચેનલના પ્રતિનિધિએ ઋતાને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘ના રે ના, બોર્ડે નક્કી કરેલા સિલેબસ મુજબ મેં તૈયારી કરીને નંબર મેળવ્યો એમાં શું? સિદ્ધિ તો ત્યારે હશે જ્યારે મારા જ્ઞાન ઉપર આધારિત કોઈ સર્જન હું કરીશ.’
મૂળ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનો યશવંતભાઈ અને હંસાબહેનનો પરિવાર અમદાવાદમાં રહે છે. બંને શિક્ષક તરીકે કામ કરે છે. ત્રણ દીકરા પૈકી પરિમલ દેસાઈ અને પુત્રવધૂ ગીતા દેસાઈની દીકરી ઋતાની આ વાત છે. એનો જન્મ ધનતેરસના દિવસે થયો હતો. પિતા રાજ્ય સરકારમાં માહિતી વિભાગમાં એડિટોરીયલ વિભાગમાં નોકરી કરે. પ્રાથમિક શિક્ષણ કચ્છના અંજારમાં લીધું અને પછી અમદાવાદ આવ્યો પરિવાર.
નાનપણથી જ ટેન્શન કે સ્ટ્રેસ વિના સહજપણે ભણતી ને નાનાભાઈ નીશુ જોડે ધમાલ કરતી ઋતા ધોરણ દસમાં ખૂબ સારા માર્ક્સ લાવી અને પછી ધોરણ બારમાની પરીક્ષામાં રાજ્યકક્ષાએ પ્રથમ દસમાં ક્રમ મેળવ્યો. એનું સન્માન સંસ્કારકેન્દ્ર ખાતે થયું ત્યારે એણે સાવ નિખાલસતાથી લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું હતું. અને આજે થોડા વર્ષો બાદ એ વાક્ય ધીમે ધીમે સાકાર થવા તરફ જઈ રહ્યાનો એને આનંદ છે.
ધોરણ બાર પછી ઋતાએ NIT સુરતમાં પ્રવેશ મેળવ્યો, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનના અભ્યાસક્રમમાં. બન્યું એવું કે કોલેજમાં ટેકનિકલ ફેસ્ટિવલ હતો. ઋતાએ આપેલા પ્રોજેક્ટ-પ્રેઝન્ટેશનમાં IISC-બેંગ્લોરના પ્રોફેસરને રસ પડ્યો. એ ફ્લાઈટ ટુ ફ્લાઈટ અભ્યાસ માટે બેંગલોર જતી આવતી થઈ. એક નવી દિશા ખુલી. રોબોટીક્સ ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચની. ત્રીજા વર્ષમાં હતી ત્યારે સ્કોલરશીપ સાથે ત્રણ મહિના જર્મની ગઈ. તેણે સ્વપ્ન જોયું કે બીજે બધે જ રોબોટિક્સ માટે ડિપાર્ટમેન્ટ હોય, પરંતુ અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં અલગ RI (રોબોટિક ઈન્સ્ટિટ્યુટ) છે એટલે ભણવું તો હવે ત્યાં જ.
મહેનત ફળી તો એડમિશન મળ્યું, પરંતુ બે વર્ષ ભણવાનો ખર્ચ રૂ. ૨૭ લાખ હતો. માથે દેવાંનો ડુંગર કરે તો ય પિતા પરિમલ દેસાઈ ટૂંકા પડે એમ હતા. દીકરીએ પિતાની વિદેના અને લાગણી જોઈને કહી દીધું, ‘મારે દેવું કરીને અમેરિકા ભણવા જવું નથી. નોકરી કરીશ. પૈસા ભેગા કરીશ ને પછી જઈશ.’ ઘરમાં સહુ નિરાશ થઈ ગયા હતા.
એકાએક ચોમાસાના ગોરંભાયેલા કાળાં વાદળાં ચીરીને સૂરજના કિરણો પ્રકાશ પાથરે એમ રાજ્ય સરકારના જે તે સમયના આઈએએસ અધિકારી રવિ સક્સેનાને માર્ગદર્શન માટે મળવાનું થયું. એક કલાકની મુલાકાત પછી એમણે કહ્યું પરિમલ દેસાઈને ‘આ દીકરી કાર્નેગી મેલનમાં જ ભણશે, હિંમતથી લોન-ઊછીના જે મળે એ પૈસા ભેગા કરો... હું પણ તમને મદદ કરીશ. ઈશ્વર મદદ કરશે, દરવાજા ખોલશે.’
આ શબ્દોએ બાપ-દીકરીના મનોરથોને ફરી જીવંત કર્યાં. થોડા પૈસા ભેગા કર્યાં, ત્યાં ત્રીજે દિવસે અમેરિકાથી પારિવારિક મિત્ર દિનેશ કાકડીયાનો સહજ ફોન આવ્યો. લાંબી વાત પછી એમણે એકસાથે જરૂરી તમામ રકમ ભરી દીધી!!! માન્યામાં ન આવે પણ સાચી વાત છે.
ઋતા યુએસ ગઈ. અભ્યાસ શરૂ કર્યો. એની ધગશ-હોંશ-અભ્યાસ માટેની ગંભીરતા જોઈને પ્રોફેસરોએ સપોર્ટ કર્યો. બે વર્ષનો કોર્ષ દોઢ વર્ષમાં પૂરો કર્યો. યુનિવર્સિટીમાંથી જ યોગ્ય નીતિ-નિયમો અનુસાર ફંડીંગ મેળવ્યું. દિનેશભાઈની રકમ પરત આપી. ડિઝનીમાં છ મહિના કામ કર્યું. કોન્વોકેશનમાં મમ્મી-પપ્પાને બોલાવ્યા. અમેરિકામાં પ્રવાસ કરાવ્યો. હવે ભાઈ નીશુ પણ અમેરિકા ભણે છે ને ઋતાનું પીએચ.ડી. પૂરું થવામાં છે. પ્રતિષ્ઠિત એવી ગૂગલ અને સીબેલ સ્કોલરશીપ પણ મેળવી.
દીકરી વિશે વાત કરતા પરિમલભાઇ કહે છે, ‘રોબોટિક ક્ષેત્રે એ કામ કરે છે, બૌદ્ધિક છે પણ પળ પળ માનવતાથી - માણસાઈથી - પ્રેમથી - શ્રદ્ધાથી જીવે એનો અમને આનંદ છે.’
•••
દરેક મા-બાપના હૈયામાં પોતાની દીકરીના શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ માટેના સપનાં હોય છે. એને પાંચીકા રમતી કે ચકડોળમાં બેસીને હસતી જોવાનો જે આનંદ હોય છે એવો જ આનંદ એની યુવાનવયે એના સપનાં પૂરા કરવા માટેના એના પ્રયત્નોમાં સતત આગેકદમ માંડી રહેલી દીકરીને જોવી એનો પણ હોય છે.
દીકરી પોતાના સપનાં પૂરાં કરે, વિશ્વમાં શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે, એ અભ્યાસ ને રિસર્ચ થકી માન-સન્માન મેળવે ત્યારે દીકરીને, મા-બાપને અને મિત્રોને ગૌરવ અનુભવાય એ સ્વાભાવિક છે.
સ્વ-બળથી વિદેશમાં રહીને પણ શ્રેષ્ઠ પરિણામો મેળવનારી દીકરીની સિદ્ધિઓ માતા-પિતા અને પરિવાર માટે અજવાળું બની રહે છે.
લાઈટ હાઉસ
મને માર્કેટિંગમાં નહીં, રિસર્ચમાં રસ છે.
- ભારતમાં મસમોટા પગાર આપનારી એક કંપનીએ માર્કેટિંગ ટીમમાં જોડાવા ઓફર કરી ત્યારે ઋતાએ કહેલા શબ્દો..