‘એઈ, અહીં હાથ મુક, જસ્ટ અનબિલીવેબલ યાર, પેલું પેલું, પેલી ફિલ્મમાં થાય છે ને એવું જ થયું યાર....’ પત્ની આનંદમાં ને આનંદમાં બોલી ગઈ.
‘અરે શું થયું? અચાનક આમ તું? અને કઈ ફિલ્મની વાત?’ પતિએ જવાબ આપ્યો.
પત્ની એના પતિનો હાથ ઝાલીને અત્યંત ધીમા પગલે વિશાળ બંગલાની લીલીછમ હરિયાળીથી મઢેલી લોન પર જરા ખૂણામાં લઈ ગઈ. ખુરશી પર બેઠી. અત્યંત આનંદ સાથે, વિસ્ફારિત નયને, કૂતુહલવશ હૃદયના અચંબાને ઝીલતા ઝીલતા તેણે પતિનો હાથ હળવે રહીને એના પેટ ઉપર મૂક્યો, જ્યાં ઉદરમાં એનું બાળક ઉછેર પામી રહ્યું હતું. પતિએ હળવે રહીને હાથ મૂક્યો. બાળકના શરીરનું હલન-ચલન અનુભવ્યું અને એ બંનેએ સામે સ્ટેજ પરથી ગીતો પ્રસ્તુત કરી રહેલા ગાયક સામે બંને હાથ ઊંચા કરીને રાજીપો વ્યક્ત કર્યો!
શહેરમાં-મહાનગરમાં નિયમિત અનેક કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે. સંગીત-નૃત્ય-નાટ્ય-કવિતા-શાસ્ત્રીય સંગીત-ગઝલ-લોકસંગીત એમ અનેક સ્વરૂપોના કાર્યક્રમો અને લલિત કલાના પ્રદર્શનો યોજાતા રહે. દર્શક-શ્રોતા માણતા રહે.
આવો જ એક પ્રાઈવેટ સીટીંગનો એટલે કે કોઈ સંગીતપ્રેમીના ઘરે પોતાના મિત્રોને આમંત્રિત કરીને યોજાયેલો ગીત-ગઝલ અને પોઝિટિવ મેન્ટલ એટિટ્યુડ તરફ ગતિ માટેનો મ્યુઝિક કમ સ્પિરિચ્યુઅલ સંગીતનો કાર્યક્રમ આજે સાંજે એ સંગીતપ્રેમીના ઘરે યોજાયો હતો. સાંજ ઢળતા મહેમાનો આવતા થયા. શિયાળાની મૌસમને અનુરૂપ મસ્ત મજાનું ભોજન જમ્યા... બંગલાની લોનમાં સરસ સ્ટેજ સજાવાયું હતું. સીમિત સાઝ સાથે શહેરનો જાણીતો કલાકાર અભિનવ ગીત-ગઝલની પ્રસ્તુતિ કરવાનો હતો અને સાથે સાથે સ્પિરિચ્યુઅલ ટોક પણ કરતો જવાનો હતો.
અંદાજે માંડ ૧૦૦ લોકો હતા. અભિનવે આરંભે થોડી વાત માંડી. યજમાન પરિવારનો આ કાર્યક્રમનો હેતુ સમજાવીને આભાર માન્યો અને ગીતો શરૂ કર્યાં. એ પોતે સારો ગિટારીસ્ટ પણ ખરો એટલે ગિટાર સાથે ગાયન શરૂ થયું ને સાથી વાદ્યકારો જોડાયા.
પાંચ-સાત ગીતોને ઉત્તમ કહી શકાય એવો આવકાર ના મળ્યો. દરમિયાન સ્ટેજ પરથી અભિનવે એ નોંધ્યું કે આરંભથી જ એના ગાયન અને વાતો સાથે સાવ છેલ્લે બેઠેલું એક કપલ પૂરેપૂરું આત્મસાત થયેલું હતું. એક-એક બીટ સાથે એ જાણે બેઠા બેઠા નૃત્ય કરતા હોય એટલા આનંદિત હતા, અને અભિનવે એમને નિમંત્રણ આપીને પહેલી હરોળમાં બેસવા કહ્યું. દોડ્યા, રાજી થયા ને આગળના ગીતોમાં જોડાયા.
હિન્દી ભાષાના ગીત-ગઝલ અને નવા જમાનાના સૂફી અંદાજના ગીતો, વાતચીતમાં રજૂ થતા ઊર્દુ શેર, અંગ્રેજી વાતો અને ગુજરાતી કાવ્યસંગીતનો દોર અભિનવ આગળ વધારતો ગયો. એ કપલને લક્ષમાં લઈને, જે દિલથી સાંભળે છે એમને સંભળાવવું છે એમ કહીને વાતો કરતો રહ્યો. અને કોઈ એક પળે મા-બાળકના સંબંધની વાત કરી. ગીત ગાયું અને પેલા શ્રોતા બહેનની આંખમાં ચમકારો જોયો, એમના ચહેરા પર અનેરો આનંદ છવાતો નિહાળ્યો... એ ગીત પૂરું થયું ને લેખના આરંભે લખેલો સંવાદ પતિ-પત્ની વચ્ચે થયો... ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મના દૃશ્યો ‘ઓલ ઈઝ વેલ...’નું એમને હૈયે સ્મરણ થયું.
ફરીથી પાછળ બેસીને સંગીત કાર્યક્રમ માણ્યો એમણે. શો પૂરો થયો. બધા છૂટા પડ્યા. પછી એ કપલ હોસ્ટને લઈને આવ્યું. અભિનવને કહ્યું, ‘આજે તમારું સંગીત સાંભળીને મારા પેટમાં રહેલા બાળકે મને પહેલી વાર જાણે કીક મારી એવો અનુભવ થયો. મેં એનું હલનચલન અનુભવ્યું. તમારો અને તમારી કલાનો આભાર.’ એકબીજાના ફોન નંબર લીધા અને આજે એ બાળક એકાદ વર્ષનું થવામાં હશે. અભિનવના પારિવારિક સંબંધો એ પ્રસન્ન દંપતિ અને બાળક સાથે જોડાયા. અભિનવ કહે છે કે ‘મારી સંગીત પ્રસ્તુતિની આ ઘટના કદાચ બેસ્ટ રિવોર્ડ કે એવોર્ડ છે.’
•••
સંગીત પરમ તત્વ સુધી પહોંચવાનું માધ્યમ છે. સંગીત સુખ કે દુઃખને ભૂલાવીને આનંદ આપનારી અનુભૂતિ છે. સંગીત શરીરનો જ નહીં હૃદયનો વિષય છે. આ બધી જ શાબ્દિક અનુભૂતિ આપણને વિશેષ કરીને સૂર શબ્દના આરાધકોને કેટલીય વાર થતી હોય છે. આવું થાય ત્યારે જીવનમાં સંગીતના અજવાળાં રેલાય છે.