‘આજે આપણે સહુએ નિહાળેલું આ દૃશ્ય અદ્ભૂત છે. કદાચ ન ભૂતો ન ભવિષ્યતિ છે...’ સાંધ્યસૌરભ કાર્યક્રમના સંયોજક અને કલા અનુરાગી રીટાબહેન ત્રિવેદીએ આ વાક્ય કહ્યું અને ઉપસ્થિત દર્શકોએ સ્વાભાવિક આનંદ સાથે તાળીઓથી તેને વધાવી લીધું.
સામાન્ય રીતે આપણે સહુ ગાયન અને વાદન તથા નૃત્યની કલાઓ પૈકી કોઈ બે કલાના ઉપાસકો દ્વારા થતી જુગલબંદી જોવા, સાંભળવા ટેવાયેલા છીએ, પરંતુ અહીં સિતારવાદન રજૂ થઈ રહ્યું હતું અને સાથે સ્ટેજ પર ગાંધીજીનો રેંટિયો કંતાઈ રહ્યો હતો, એ પણ સંગીતના સૂરોના લય અને તાલને અનુરૂપ થઈને. અવસર હતો અમદાવાદમાં યોજાયેલા એક સંગીત કાર્યક્રમનો, જેમાં જાણીતા સિતારવાદક ભગીરથ ભટ્ટ દ્વારા રજૂ થયેલા સિતારવાદનનું પૂ. મોરારિબાપુએ શ્રવણ તો કર્યું જ, પરંતુ સંગીત રજૂ થયું ત્યાં સુધી રેંટિયો પણ કાંત્યો. આમ સંગીત અને ગાંધીવિચારનું એક અદ્ભૂત મિલન જોવા મળ્યું હતું.
ગાંધીજીની ૧૫૦મી જયંતી અને કસ્તુરબાની પૂણ્યતિથિ તેમજ ગાંધીજી સ્થાપિત નવજીવન સંસ્થાના ૧૦૦ વર્ષની ઊજવણી નિમિત્તે અમદાવાદમાં મોરારિબાપુની રામકથા ‘માનસ નવજીવન’નું આયોજન કરાયું હતું. સમગ્ર કથાના પ્રવાહ દરમિયાન ગાંધીજી અને કસ્તુરબાના પ્રેરક જીવન પ્રસંગોનું સ્મરણ કરાયું હતું. મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબાનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. કસ્તુરબા ગાંધીજી કરતાં ઉંમરમાં ૬ મહિના મોટાં હતાં. માત્ર ૧૩ વર્ષની વયે એમના લગ્ન મોહનદાસ સાથે થયાં હતાં. ગાંધીજી શરૂઆતથી જ એમના પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ વૈચારિક આઝાદી પોતાના જીવનમાં કસ્તુરબાએ આચરણમાં મૂકી હતી.
ગાંધીજીના ધાર્મિક અને દેશસેવાના મહાવ્રતોમાં કસ્તુરબા સતત સાથે રહ્યાં. એક જાણીતો કિસ્સો યાદ આવે છે. કસ્તુરબા આફ્રિકામાં હતાં, બીમાર પડ્યા. હોસ્પિટલના ડોક્ટરે પ્રાણ બચાવવા માટે કહ્યું કે કસ્તુરબાને માંસને શેરવો આપો. ગાંધીજીએ કહ્યું કે દર્દી પોતે લેવા ઈચ્છે તો મને વાંધો નથી. વાત કસ્તુરબા પાસે ગઈ. કસ્તુરબા કહે કાલે મરતી હોઉં તો આજે મરું, પણ મોઢામાં અભક્ષ્ય વસ્તુ નહીં નાંખું. મને ધર્મ કરતાં જીવન સ્હેજ પણ વ્હાલું નથી. ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકામાં કાયદો પસાર થયો. જે પ્રમાણે ખ્રિસ્તી પદ્ધતિથી થયેલા લગ્ન જ ગ્રાહ્ય ગણવામાં આવ્યાં. ગાંધીબાપુએ સત્યાગ્રહનો નિર્ણય કર્યો. સત્યાગ્રહમાં કસ્તુરબા સાથે રહ્યા અને અન્ય મહિલાઓ સાથે જેલમાં પણ ગયા.
દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ કસ્તુરબાએ બાપુના પ્રત્યેક કાર્યમાં અનુભવી સૈનિકની જેમ સાથ આપ્યો. ચંપારણ્ય સત્યાગ્રહ હોય કે ખેડા સત્યાગ્રહ, કસ્તુરબા ગાંધીવિચાર સાથે જોડાવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરતાં રહ્યાં.
કથા દરમિયાન મોરારિબાપુએ કહ્યું હતું કે રામાયણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઘરમાં રાખતા હો તો સાથે ગાંધીજીની આત્મકથા પણ રાખો. તેના પૃષ્ઠો ખોલશો તો જીવન મળશે, જે વિચારની જગતને બહુ જરૂર હતી તેવો વિચાર ગાંધીબાપુએ આપ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે ગાંધીજી પ્રાસંગિક છે, તેમને માનવા એટલે તેમના જેવી ધોતી પહેરવી જરૂરી નથી, પરંતુ તેમણે જે મૂલ્યો અપનાવ્યા તેને અપનાવો, ખાદીના વસ્ત્રો પહેરો, પ્રસન્ન રહો.
કથા દરમિયાન ગાંધીજીના જીવનના અનેક પ્રસંગોનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં બા એટલે કે કસ્તુરબા અને ગાંધીબાપુના પ્રસન્ન દાંપત્યની એક ઘટનાનો ઉલ્લેખ થયો હતો. એક વાર સરોજિની નાયડુએ ગાંધીબાપુને પૂછ્યું હતુંઃ તમે જે પણ સુંદર સ્ત્રીઓના સંપર્કમાં આવ્યા તેમાં સૌથી સુંદર કોણ? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે એમાં પૂછવાનું શું હોય? બા સૌથી સુંદર છે... આ પછી સરોજિની નાયડુએ આ વાત કસ્તુરબાને કહી ત્યારે તેમણે તરત જ પ્રતિભાવ આપતાં કહ્યું કે ‘બાપુ, ક્યાં કદી ખોટું બોલે છે...’ આમ તેમના દાંપત્યજીવનમાં પ્રસન્નતા હતી. સેવા અને સમર્પણ હતા.
મોરારિબાપુએ કથાપ્રવાહમાં કહ્યું હતું કે ગાંધીબાપુમાં વેદાંતની ષડસંપદા જોવા મળે છે. તેમાંની એક સંપદા છે વિવેક. ગાંધી વિશે ગાંધીજીને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કાર્ય કરીએ તેમાં વિવેક અત્યંત જરૂરી છે. ગાંધીજી તરલ અને સરલ હતાં. બાળક જેવા વિનોદી હતાં. તેમનું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યું. તેઓએ વિરોધ કર્યો ત્યારે પણ સાથે ‘સવિનય’ શબ્દની ભાવનાને જોડી હતી. ગાંધીબાપુમાં સત્યનો વિચાર, સત્યનો ઉચ્ચાર અને સત્યનો સ્વીકાર આ ત્રણે જોવા મળે છે. ગાંધીજી અને કસ્તુરબાના જીવનના અનેક પ્રસંગોનું સ્મરણ કરીને કથાના સત્સંગમાં એક અર્થમાં આ બંનેના વ્યક્તિત્વની ભાવવંદના કરાઇ હતી. આપણે પણ રોજિંદા જીવનમાં ગાંધીચરિત્ર, કસ્તુરબાના ગુણો વગેરેને સતત સ્મરણમાં રાખીએ તો અજવાળું રેલાય છે.