‘ડેડી અમને તો એવું જ લાગ્યું કે તમારા જમાનાની કોઈ ફિલ્મ અમે જોઈને આવ્યા...’
‘આખીયે ફિલ્મ મ્યુઝિકલ ફિલ્મ હોય એવું જ લાગ્યું...’
બહેનપણીઓ સાથે ફિલ્મ જોઈને આવેલી દીકરી કહેતી હતી. એટલે પુછ્યું કે ગીતો કેવા લાગ્યા? તો કહે, ‘બધ્ધા જ જોરદાર..!’
વાત છે મલ્ટિસ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની. કરણ જોહરની આ ફિલ્મ અમે પણ દોસ્તો સાથે રિલીઝના પહેલા જ દિવસે જોઈ હતી. એમ જ થયું કે લાંબા સમયથી કોઈ મૂવી જોઈ નથી તો જોઈ આવ્યા અને મૂવી જોઈને નિરાશ પણ ન થયા.
ના, ક્યાંયે વાચકને એવું ના લાગે કે ફિલ્મના વખાણ કરવા લેખ લખ્યો છે, એવું કરવાનો ઈરાદો પણ નથી અને એવું કરું તો મને કોઈ ફાયદો પણ થવાનો નથી. જોકે આ નિમિત્તે અહીં વાત કરવી છે સિનેમા સંગીતની, જેને કારણે અમને અને મોટાભાગના લોકોને આ ફિલ્મ ગમી છે. હિન્દી ભાષાની આ રોમેન્ટિક, કોમેડી, ફેમિલી ડ્રામા ફિલ્મમાં પ્રીતમ ચક્રવર્તીએ સંગીત આપ્યું છે. 168 મિનિટની આ ફિલ્મ દર્શકને લાંબી નથી લાગતી એના અનેક કારણો હોઈ શકે, જેમાં એક કારણ એમાં આવતાં ગીતો છે. આ ગીતો દાયકાઓ જૂની ફિલ્મમાં રજૂ થયેલાં છે - ગવાયાં છે - શ્રોતા - દર્શનોને હૈયે સચવાયાં છે અને અહીં રિક્રિએટ થયા છે. એક અર્થમાં હિન્દી ફિલ્મના સુવર્ણકાળ મનાતા દાયકાઓના ગીત–સંગીતનું મીઠું સ્મરણ અહીં રજૂ થયું છે.
ફિલ્મ ‘હમ દોનો’નું આશા ભોંસલે અને મોહમ્મદ રફી દ્વારા ગવાયેલું, સાહિર લુધિયાનવીએ લખેલું અને જયદેવે સ્વરબદ્ધ કરેલું ‘અભી ના જાઓ છોડકર...’ ગીત ધર્મેન્દ્ર અને શબાના આઝમીની ફિલ્મના દૃશ્યોની લાગણી સાથે ફિલ્મમાં ગવાયા કરે છે. તો ફિલ્મ ‘મેરા સાયા’ માટે આશાજીએ ગાયેલું, રાજા મહેંદી અલી ખાને લખેલું અને મદનમોહને સ્વરબદ્ધ કરેલું ‘ઝુમકા ગીરા રે...’ ગીત અહીં ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યે ‘વ્હોટા ઝુમકા...’રૂપે રજૂ કર્યું છે.
આવું કાંઈ પહેલી વાર નથી થયું, જૂની હિન્દી ફિલ્મોના અનેક ગીતો અનેક ફિલ્મોમાં રિક્રિએટ થયા છે, લોકોને - એના મૂળ સર્જકોને ક્યારેક ગમ્યા છે, ક્યારેક નથી ગમ્યાં... પણ અહીં આ મુદ્દાની વાત પણ નથી કરવી. બસ સ્મરણ કરવું છે હિન્દી સિનેમાના એ મધુર ગીતોના સર્જનકાળનું અને એના સર્જકોનું.
એ ગીતો જ્યારે જ્યારે લાઈવ શોમાં ગવાય છે, ટીવી ચેનલોના રિઆલિટી શોમાં ગવાય છે ત્યારે શ્રોતા-દર્શકો એ ગીતના શબ્દના ભાવ સાથે, એના સંગીત સાથે જાણે એકાકાર થઈ જાય છે. આ ગીતો એવા છે જેને યાદ રાખવા ક્યારેય પ્રયત્ન નથી કરવો પડ્યો, બિલ્કુલ સહજપણે આ ગીતો આપણે આજે આટલા વર્ષો પછી પણ ઉલ્લાસથી કે વેદનાથી ગાઈ શકીએ છીએ.
આ ગીતો એના સાંભળનારાને સ્મૃતિ સાથે જોડે છે, પ્રેમ સાથે જોડે છે, અનુભૂતિ સાથે અને અનેક પાત્રો - ઘટનાઓ સાથે જોડે છે. ગીતો હંમેશા આપણને વીતેલા સમય સાથે એકતંતુથી જોડે છે.
હિન્દી સિનેમા સંગીતમાં 1950થી 1970નો સમયગાળો સુવર્ણયુગ સમાન ગણાય છે. આ સમયમાં જે સંગીત સર્જન થયું છે એ આજે પાંચ–છ દાયકા પછી પણ એટલું જ તાજું-જીવંત લાગે છે અને એટલે નવી પેઢીને પણ એ આકર્ષે છે. જ્યારે જ્યારે આ ગીતો સાંભળીએ ત્યારે ત્યારે હર્ષના કે વિરહના આંસુ આખમાં આવે છે, ક્યારેક આપણે નાચી ઊઠીએ છીએ, ક્યારેક પ્રિયજનને વહાલથી વળગી જઈએ છીએ તો ક્યારેક બસ, માત્ર સાંભળીને ફરી ફરી સાંભળ્યા જ કરીએ એવું અનુભવીએ છીએ.
આ ક્ષણે અહીં લેખ વાંચતા વાંચતા અટકીને તમે કદાચ આવા ગીતો યાદ કરો તો કોઈ પ્રયાસ વિના પણ આઠ-દસ ગીતો તમને યાદ આવી જશે અને પછી પુરા દિવસ દરમિયાન આ ગીતો આપણા ચિત્તમાં - હોઠ પર ગુંજતા રહેશે.
હિન્દી સિનેમા સંગીતે, એના સર્જકોએ આપણને અમૂલ્ય ધરોહરરૂપી સંગીત વિરાસતમાં આપ્યું છે. એ સંગીતના શરણે જઈએ, એકચિત્તે સાંભળીએ ત્યારે પ્રસન્નતાના દીવડાં પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.