સંઘજીવનનું પ્રતિક છે નવરાત્રિ અને તેનો ગરબો

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 17th October 2020 08:01 EDT
 
 

નવરાત્રિ પર્વે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મી મંદિરે દર્શને જવાનું થયું. દર્શન કરીને આવ્યો અને ઘરમાં દીકરીરૂપી લક્ષ્મીએ ગરબા રમતાં રમતાં એનાં મનમાં રહેલા નવરાત્રિ વિશેના સાંપ્રત સમયના અર્થો સાથેના જાણે નવ પ્રશ્નો પૂછી નાંખ્યા.

‘નવદુર્ગાના નવ સ્વરૂપને આયુર્વેદ સાથે પણ સંબંધ છે એમ તમે કહેતા હતા એ કેવી રીતે?’ તો સમજાવ્યું કે પ્રત્યેક સ્વરૂપ કોઈને કોઈ ઔષધિમાં વસે છે અને એ રીતે વનસ્પતિમાં પણ દેવીનો વાસ છે એ ભાવના આ વિચાર પાછળ છે.
દીકરીએ એ પણ પૂછ્યું કે ‘નાનપણમાં પાડોશમાં હું ઘણી વાર જમવા જતી, મારું પૂજન કરતા ને ભેટ આપતા એવું શા માટે?’ એટલે વાતો સાંભળી રહેલા જ્યોતિબાએ કીધું કે ‘બેટા, દેવી તરીકે કુમારી દીકરીઓ - એટલે કે કુંવારી દીકરીઓ પૂજાય છે. આપણે ત્યાં નવ દિવસની નવ કુમારિકા દેવીઓ પણ છે. એટલે કુંવારિકા પૂજન થાય અને તેમને શણગાર ભેટ આપીને રાજી થવાનો અવસર પણ છે નવરાત્રિ.’
પહેલા નોરતે મા દુર્ગાનું શૈલપુત્રી સ્વરૂપ પૂજાય છે. પર્વતરાજ હિમાલયના પુત્રી છે અને હિમાલયનું એક નામ શૈલ છે, એટલે શૈલપુત્રી નામ છે. આ સ્વરૂપની સાધના કરવાથી સાધકને સ્થિરતા મળે અને આપણા પોતાના જીવન પર નજર માંડીએ તો સાંપ્રત સમયમાં સમજાય છે કે વિચારની-આચારની અને સંસ્કારની સ્થિરતાની આજે માનવમાત્રને વિશેષ જરૂર છે.
બીજું સ્વરૂપ તે બ્રહ્મચારિણી સ્વરૂપ છે. બ્રહ્મ એટલે તપ. મારે ને તમારે જીવનમાં સફળ થવા માટે પુરુષાર્થરૂપી તપની જરૂર છે.
ત્રીજા દિવસે પૂજાતું ચંદ્રઘંટા સ્વરૂપ દિવ્યતા પ્રદાન કરે છે, એની પણ આજે પ્રત્યેક વ્યક્તિને જરૂર છે. ચોથા નોરતે પૂજાતા માતા કુષ્માંડ આયુ-યશ-બળ અને આરોગ્યની વૃદ્ધિ કરે છે, પાંચમા દિવસે જેમની પૂજા થાય એ સ્કંદમાતા લૌકિક બંધનોથી મુક્તિ આપે છે. છઠ્ઠા નોરતે પૂજા થાય એ કાત્યાયની દેવી વિજ્ઞાનના દેવી ગણાય ને સાતમા નોરતાના દેવી કાલરાત્રિ છે જે તમામ પ્રકારના ભયથી મુક્તિ આપે છે, આઠમું સ્વરૂપ મહાગૌરી સ્વરૂપ આપણને સત્ય તરફ પ્રેરિત કરે છે. નવમા નોરતે પૂજાતા દેવી સર્વ પ્રકારની સિદ્ધિ આપે છે. આમ કાલખંડના કોઈ પણ સમયે માનવીની ઈચ્છાઓ પૂરી કરે છે નવદુર્ગા.
ગરબાના છીદ્રો અને અખંડ દીવડા વિશે પણ એને પ્રશ્નો હતા, એટલે કહ્યું કે ‘નવદુર્ગાનું સ્થાપન થાય ઘરમાં, ચોકમાં, કે સોસાયટીમાં ને મંદિરમાં, પછી ગરબો લેવાય. એમાં કુલ ૧૦૮ છીદ્રો હોય, જેમાંથી પ્રકાશ રેલાય. મનમાં રહેલા તમામ પ્રકારના અંધકારને દૂર કરે છે માના ગરબાનો ઉજાસ. એ જ રીતે પ્રગટાવવામાં આવતો અખંડ દીવો પણ સાધકને બળ આપે છે. સત્ય તરફ - ઉજાસ તરફ જવા માટે.’
નવરાત્રિ અને તેનો ગરબો એ સંઘજીવનનું પ્રતિક છે એ વાત સમજાવવા માટે દીકરીને ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો... જેવા બે-ત્રણ ગરબા યાદ કરાવીને ગવડાવવા પડ્યા. એને પૂરેપૂરા યાદ હતા. પણ એમાં રહેલાં અર્થની ખબર ન હતી. મેં કહ્યું કે ‘જો, બેટા, ગરબા માટે કુંભાર દીવડા લાવે, સુથાર બાજોઠ, સોની કડલી લાવે ને માળી ગજરા તો વાણિયા વેપારી માની ચુંદડી લાવે... આમ ગરબો કેન્દ્રમાં છે. બધાનું એમાં પ્રદાન છે અને બધા એ ગરબા ફરતે ઘૂમે છે. મતલબ કે સહુ સમાન છે, વર્તુળમાં કોઈ આગળ-પાછળ હોતું નથી.’
ઘરના આંગણાથી એરકન્ડિશન્ડ સ્ટેડિયમમાં પહોંચેલો ગરબો ભલે અતિ આધુનિક બન્યો, પરંતુ એમાં રહેલા પોતને - પરંપરાઓને સામાજિક ને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવા એ પણ યુવાપેઢીની જ જવાબદારી છે એ પણ એને સમજાવ્યું.
આદ્યશક્તિની આરાધનાની, ઉપાસનાની, પૂજાની, પરંપરાની અનુષ્ઠાન અને વ્રત-તપની વર્તમાન સમયના સંદર્ભો અને ઉપયોગિતા સાથે ખૂબ વાતો કરી, અમે બેઉ ને બા પણ રાજી થયા અને ઘરમાં જાણે આદ્યશક્તિના એક સ્વરૂપ, મા સરસ્વતીના, જ્ઞાનના અજવાળાં રેલાયાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter