‘આપણા સંતાનો આપણને ચિંતા કરાવતા નથી અને આપણી ચિંતા કરે છે, એ માટે પરમાત્માનો પાડ માનીએ એટલો ઓછો છે.’
‘અમારે બે દીકરીઓ છે, બંને સાસરે સુખી છે, દીકરી-જમાઈ અમારું ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરે છે ને કહે છે તમે મોજથી જીવો.’
હમણાં હમણાં વાતચીતમાં આવા વાક્યો બે-ત્રણ વાર સાંભળ્યા, આનંદ થયો. નવરાત્રિમાં આપણે ત્યાં અષ્ટ લક્ષ્મીની પૂજા થાય છે જેમાં આઠ લક્ષ્મી રૂપે આઠ સ્વરૂપોની પૂજા થાય છે. આદિ લક્ષ્મી, ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ગજ લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વીર લક્ષ્મી, જય લક્ષ્મી અને વિદ્યા લક્ષ્મી.
આઠ પ્રકારની લક્ષ્મીમાં છઠ્ઠો પ્રકાર છે સંતાન લક્ષ્મી. ફિલ્મ ‘બાગબાન’ના એક સંવાદમાં અમિતાભ બચ્ચન કહે છે, ‘બાપ કે ચહેરેમેં ઈશ્વર દેખતે હમ, મા કે ચરણો મેં સ્વર્ગ દિખાઈ દેતા થા લેકિ અબ લોગ સમજદાર હો ગયે હૈ...’
આપણે જે સમાજજીવનમાં જીવી રહ્યા છીએ તેમાં બધું જ પ્રેક્ટિકલ અને આધુનિક બની રહ્યું છે એવા સમયે સમજદારીથી નહીં, સમર્પણથી, ગણતરીથી નહીં લાગણીથી વર્તીને માતા-પિતાનો રાજીપો મેળવનાર સંતાનો અને તેમના જીવનસાથી હોય એનાથી મોટો બીજો આનંદ કયો હોઈ શકે?
માતા-પિતા ઉછીના લઈને, લોન લઈને સંતાનોને ભણાવે ત્યારે બનેતેટલા જલ્દીએ એ આર્થિક બોજ ઉતારવા પરસેવો પાડતા સંતાનો પણ સમાજમાં છે, અને આ ઘટનામાં માતા-પિતાએ ક્યાં કોઈ ઉપકાર કર્યો છે એવું માનનાર સંતાનો પણ સમાજમાં છે.
સંતાનરૂપે પુત્ર કે પુત્રી હોય, એમનું તન-મન-ધન સુખી ને સ્વસ્થ હોય, એમના જીવનમાં અન્ય કોઈ પ્રશ્નો ના હોય, સીધું-સાદું ને સરળ જીવન હોય, સામાજિક-પારિવારિક જીવનમાં સંતોષ હોય, સ્વસ્થતા હોય, સાર્થકતા હોય એનો આનંદ માતા-પિતાને હોય છે.
સંતાનો સાચી દિશાનો પુરુષાર્થ કરે, પૈસા કમાય, સારા કાર્યોમાં વાપરે, પરિવારમાં સહુને સાથે રાખે, માતા-પિતાને અહેસાસ કરાવે કે અમે બેઠાં છીએ ને! તમે તમને ગમે એમ જીવો. આ ક્ષણોનો આનંદ જેમણે અનુભવ્યો હોય એમને જ સંતાન લક્ષ્મી ઘર-પરિવારમાં હોવાનો અનુભવ હોય.
સંતાન એ લક્ષ્મી છે, જ્યારે એ માતા-પિતા, પરિવાર, સ્વજનો-પ્રિયજનો અને એમના સંતાનોની કાળજી લે છે. સંતાન એ લક્ષ્મી છે જ્યારે એ માતા-પિતાને કે ઘરના વડીલોને એમના રસ-રુચિ અનુસાર જીવવા દે છે. સંતાન એ લક્ષ્મી છે જ્યારે માનવતાના - માણસાઈના - સાંસ્કૃતિક ચેતનાના અને સંસ્કારોના સંવર્ધનમાં પૈસા-સમય અને હૂંફ આપે છે.
આપણી આસપાસ નજર કરીએ ત્યારે આપણને આવી સંતાન લક્ષ્મી દેખાશે જ, એ સંતાન લક્ષ્મીના ઓવરાણાં લઈએ, સંતાન લક્ષ્મી ઘરમાં હોય એની અનુભૂતિ કરીએ. એ લક્ષ્મીના ગુણગાન ગાઈએ ત્યારે અષ્ટ લક્ષ્મીના ચૈતન્યના દીવડાં પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.