‘મમ્મી જો, આજે રક્ષાબંધનના દિવસે પણ ભાઈ મને પૈસા આપવામાં કંજુસાઈ કરે છે.’ દીપાએ હસતાં હસતાં એની મમ્મીને ફરિયાદ કરી. આ સાંભળીને દીપાના પપ્પાએ પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને દીપાના ભાઈને આપતાં કહ્યું, ‘લે બેટા, બહેનની લાગણીને માંગણી પુરી કરી...’ એટલે દીકરાએ પુરા સન્માન સાથે એમના પપ્પાને કહ્યું કે, ‘કોલેજમાં ભણતાં ભણતાં હું જે કામ કરું છું એની બચતના પૈસામાંથી મેં એને પચાસ રૂપિયા આપ્યા છે, હું કમાઉ અને મારી બહેનને યોગ્ય સમયે આપું... એમાં જ મારી શોભા છે’ અને બંને ભાઈ-બહેન ભેટી પડ્યા.
એ ભાઈ એટલે દીપાનો ભાઈ દીપેશ, એના મમ્મીને પપ્પાનો લાડકો દીકરો... ગામડાંગામમાંથી એના દાદા સૌરાષ્ટ્રના મહાનગરમાં સ્થાયી થયા હતા. ભણવામાં એ ઠોઠ પણ નહીં ને હોંશિયાર પણ નહીં, મા-બાપને ચિંતા થાય કે સારું ભણશે તો જ સારી નોકરી મળશે અને સારી નોકરી મળશે તો જ સારી છોકરી મળશે... પણ નિયતિએ કંઈ જૂદું જ નિર્ધારિત કર્યું હશે.
દીપેશે કોમર્સ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ દરમિયાન એ એના ગ્રૂપના મિત્રોમાંથી મળતાં નાના-મોટા ધંધાના કામો કરતો થઈ ગયો. શાળામાં હતો ત્યારે પણ એક પારિવારિક સ્વજનની દુકાને કામ કરતો હતો ને પરચુરણ કમાઈ લેતો હતો.
એનો સ્વભાવ થોડો અંતર્મુખી, બોલે ઓછું. ખુલ્લું તો ક્યારેક જ હસે. સહજ સ્મિત સાથે સતત કામ કરવામાં જ એને વધુ રસ હતો. કોલેજ જાય – એ સિવાય પણ એના કામે ને મિત્રો સાથે ઘરની બહાર જ વધુ રહેતો હોય. મા-બાપ સ્વાભાવિક ચિંતા કરે કે આ ક્યાંક નોકરીએ જોડાય તો સારું... દીપેશને નાની નાની સફળતામાં રસ નહોતો, એના મનમાં એક ચોક્કસ માર્ગ સફળતાનો એણે નિર્ધારિત કરી રાખ્યો હતો. બાંધકામ ક્ષેત્રે એણે ધીમે ધીમે પગ મૂક્યો. આરંભ કર્યો સ્થાવર મિલકતોની દલાલીમાંથી. એમાંથી આગળ વધીને પાર્ટનરશીપમાં જમીનના નાના ટુકડા ખરીદવા માંડ઼્યો. થોડો નફો મળે એટલે વેચી દેવાનો એ ટુકડો... આમને આમ પાંચ-સાત વર્ષમાં એણે ખૂબ પરિશ્રમ કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી દીધી. એને કોઈ પણ કામ સોંપો એટલે પૂર્ણ થાય જ એવો વિશ્વાસ એના વર્તુળમાં સ્થાપિત કર્યો હતો. પોતાના શહેર ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો અને મુંબઈ-બેંગ્લોરમાં પણ એનું કાર્યક્ષેત્રે વિસ્તરતું ગયું હતું. મા-બાપ એને સીધું ક્યારેય ના કહે પણ પણ એની પ્રગતિથી બહુ રાજી હતા.
એની બહેન દીપાએ પણ કોલેજ પૂરી દીધી અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ભણવા જવાની તમન્ના હતી. એ જાણતી હતી કે પપ્પાની આર્થિક સ્થિતિ મધ્યમ વર્ગની છે એટલે 20-25 લાખનો ખર્ચો કરવો મુશ્કેલ છે - પણ દીપાએ બધો જ અભ્યાસ કરી રાખ્યો હતો. આરંભે થોડી રકમ ભરીને પછી બેન્કમાંથી લોન લઈને વિદેશમાં ભણવાનો એનો પ્લાન ભાઈ અને પપ્પા-મમ્મી સાથે બેસીને નક્કી કર્યો હતો. એ સમયે દીપેશ ચુપ હતો, બધી વાતમાં હા-હા કર્યા કરે.
દીપાના પપ્પાને સ્વાભાવિક દીકરીને વિદેશ, ભણાવવાની હોંશ પણ હતી ને ખર્ચા કેમ પૂરા કરવા તેની ચિંતા પણ હતી.
આખરે બધી ગતિવિધિ પૂરી થઈ, ફી ભરવાનો સમય આવ્યો. સવારે નાસ્તાના ટેબલ પર બધા બેઠાં હતાં ત્યારે દીપાના પપ્પાએ દીકરાને કહ્યું કે લોન માટે એપ્લાય થયા છીએ, આજે ચેક આવશે ને ફી ભરી દેશું.
દીપેશે પૂછ્યું કેટલી ફી ભરવાની છે અત્યારે? જવાબ હતો 12 લાખ કુલ મળીને... હા - હા કરીને એ જતો રહ્યો.
બપોર પછી જ્યારે દીપા અને એના પપ્પા બેન્કમાં ચેક લેવા ગયા તો મેનેજરે કહ્યું કે તમારે ચેક નથી લઈ જવાનો... આ બંનેને ચિંતા થઈ કેમ? અને એમણે સુખદ આશ્ચર્યની વાત કરી.
દીપેશે ફોન કરીને એમને જણાવ્યું હતું કે લોન હવે નથી જોઈતી... અને દીપેશે દીપાના ખાતાની અંદર પુરા 12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. બાપ-દીકરી પ્રેમવશ સાવ મૌન થઈ ગયા હતા. ઘરે આવ્યા, પત્નીને વાત કરી. દીપેશને ફોન કર્યો, ‘ભલા માણસ મને કહે તો ખરો...’ તો જવાબ આપ્યો કે, ‘એમાં કહેવાનું શું હોય? મારે મારું કામ કરવાનું હોય...’
રાત્રે સહુ ઘરે જમતા હતા ત્યારે દીપાને ગાલે વ્હાલથી ટપલી મારીને દીપેશે કહ્યું, ‘બેનબા યાદ છે, તમે રક્ષાબંધનમાં વધુ પૈસા માંગતા હતા, હું નહોતો આપી શકતો. મને ખબર હતી, તારે જ્યારે જરૂર હશે ત્યારે હું તને એટલી રકમ આપીશ... રાજી ને?’ ને બંને પ્રેમથી વળગી પડ્યા.