કવિ - લેખક – વાર્તાકાર – વક્તા એવા પ્રકારના સર્જકોને ઘણી વાર શ્રોતાઓમાંથી એવું પુછવામાં આવતું હોય છે કે તમને આટલા વિષયો - ઘટનાઓ – સંદર્ભો ક્યાંથી મળે છે?
દરેક વ્યક્તિના પોતાના અનુભવના આધારે જુદા જુદા જવાબો અને એ પણ જુદા જુદા સમયે જુદા જુદા હોઈ શકે છે પરંતુ એક સર્વ સામાન્ય જવાબ હોય છે તો તે આ રહ્યો કે ‘આંખ – કાન અને નાક ખુલ્લા રાખવાથી.’
હવે આપ પણ આપના અનુભવોથી વિચારી જોજો. આપને પણ આપના જીવનમાં જે જે પ્રાપ્ત થયું હશે એમાં વાચન – શ્રવણ – અનુભવ – દર્શનનો મહત્ત્વનો ફાળો રહેતો હોય છે. આજે આવા જ કેટલાક ઉદાહરણો અને સહજ પ્રસંગોની વાત કરવી છે.
આપણે બહુ ઝીણું કાંતતા નથી બાકી અવલોકન, અભ્યાસ અનુભવ અને અનુભૂતિ આ બધામાં ફેર છે. આપણે જ્યારે એરપોર્ટ પર કોઈને જોઈએ છીએ – રૂબરૂ મળતા નથી ત્યારે આપણે એમ ના કહી શકાય કે હું એ વ્યક્તિને મળ્યો હતો. પરંતુ કેટલાય લોકો એવા હોય છે જેઓ પોતાની મોટપ સાબિત કરવા એમ કહેતા હોય છે કે ‘હું એમને મળ્યો હતો.’
એક અવલોકન એવું પણ નોંધ્યું છે કે કેટલાક માણસો પોતે બહુ બિઝી છે, પોતે મોટા સંપર્કો ધરાવે છે એવું બતાવવાની એક પણ તક જતી ના કરે. એક ભાઈ જ્યારે આવી જ રીતે કોઈ મહાનુભાવને મળવા ગયા ત્યારે ત્યાં 20–25 માણસો બેઠા હતા. વન–ટુ-વન મુલાકાત ન હતી, પરંતુ જ્યારે પેલા ભાઈ પર કોઈનો ફોન આવ્યો તો એકદમ ધીમા અવાજે એમણે કહ્યું કે, ‘આ મહાનુભાવ સાથે બેઠો છું, પછી વાત કરીએ...’ હવે સામે છેડે રહેલો માણસ તો અભિભૂત જ થઈ જાય કે આ વ્યક્તિ કેવો મોટા મહાનુભાવ સાથે બેઠા છે!
કેટલાક લોકો કોઈ કારણ વિના, કોઈ હેતુ વિના, પોતે જ માને, પોતે જે બોલે એને જ સત્ય ઠેરવે અને બીજાને ખોટા પાડીને પરપીડા આપવાનો આનંદ પણ ઉઠાવે.
એક વ્યક્તિને એવી ટેવ કે શબ્દોના સાથિયા પૂરે. શતરંજની ગેઈમની જેમ સામેથી જેવી વાત આવે એ મુજબ એક પછી એક જૂઠ ઉમેરતી જાય અને સરવાળે સામેનો માણસ કંટાળીને હાર સ્વીકારે લે.
પતિ - પત્ની સાથેના પારસ્પરિક સંવાદમાં જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ધરાર ખોટી પાડે ત્યારે એ ઘટના પૂરતો એનો વિજય થાય છે પરંતુ આખરે બીજા પાત્રના મનમાં ક્યાંક વેદનાનો ઘસરકો તો પડી જ જાય છે. આવા જ એક કિસ્સામાં એક પાત્ર જરા ઉદારભાવે પોતાની વાત મુકે અને પછી કહે કે, ‘મારી વાત ખોટી છે કે સાચી? તે હું નહિ તમે નહિ, કોઈ ત્રાહિત માણસ પાસે બહાર જઈને નક્કી કરાવો...’ - એટલે એકદમ તાડુકીને સામેનું પાત્ર જોરજોરથી બોલી ઊઠે કે, ‘હા, હા... અમે જ ખોટા છીએ. તમે જ સાચા.’ એક કિસ્સામાં તો એક બહેન સાવ નાની નાની વાતમાં વીસ વર્ષ પહેલાં તે લગ્ન કરીને સાસરામાં આવ્યા ત્યારથી એમણે વેઠેલા દુઃખોની વાત જ શરૂ કરી દે. અલ્યા ભઈ, સમજણ – ગેરસમજણ તો બધાના જીવનમાં આવ્યા જ કરે, સંવાદ – વિસંવાદ પણ થયા કરે, પણ બાર – પંદર – વીસ વર્ષ પહેલાંની ઘટના જેને આજ સાથે કોઈ રિલેવન્સ નથી એની સાથે જોડવાથી, કર્કશ વાતાવરણ ઊભું કરવાથી શું ફાયદો થવાનો છે? પણ આ અને આવા અનેક કિસ્સામાં મૂળમાં સ્વભાવ રહેલો હોય છે. એક ઓફિસમાં એક ભાઈને એવી ટેવ હતી કે વાતે વાતે કોઈ પણ નિર્ણયમાં સામેના માણસનું નામ ધરી દે કે આમણે આમ કીધું હતું હવે સામેના માણસને સાબિત કરવાનું કે એમણે આવું કશું કહ્યું ન હતું!
માનવ મન અજબ ગજબના ખેલ ખેલે છે. આ મન એમને સાચું-ખોટું બોલવા અને આચરણ કરવા પ્રેરે છે. સરવાળે એક વિષાદમય વાતાવરણ સર્જાય છે. નુકસાની બંને પાત્રોને છે, એક જીવંત સંબંધને છે. આવા સંબંધો અને માનવજીવન આ બધી ઘટનાઓમાં તાણાવાણા ઘડ્યા કરે છે. વાસ્તવમાં ઘણી વાર થાય કે માણસ શા માટે આટલી બધી હોંશિયારી દાખવતો હશે? વધારે પડતી હોંશિયારી અને ચતુરાઈ જ્યાં રાખવાની હોય ત્યાં ઠીક છે, સ્વજનો સાથે પરિવારજનો સાથે આવી હોંશિયારી શા માટે? જ્યારે જ્યારે ખોટી ચાલાકીથી અને હોંશિયારીથી માણસ બચે ત્યારે એના જીવનમાં સરળતાના અજવાળાં રેલાય છે.