‘મારી એક નાનકડી સહજ ભૂલના કારણે મારી દીકરી ઈચ્છે ત્યારે મને કાન પકડાવે છે.’ એક ભાઈએ હસતાં હસતાં એમની દીકરી સામે જ આ વાત કરી. જવાબમાં દીકરીએ એ જ આખી ઘટના કહીને પોતાનો પક્ષ મૂક્યો.
વાત આજથી 20-25 વર્ષ પહેલાંની છે. મુંબઈમાં રહેતા આ પરિવારમાં એક દીકરો હતો અને પછી એ ઘરની ગૃહિણી ફરી માતા બનવાના હતા. રાત્રે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા એ પછી ડોક્ટરે કહ્યું કે ‘હજી તો બાળક પૃથ્વી પર આવતા સમય લાગશે.’ એટલે પેલા ભાઈને થયું કે હવે ઘરે જાઉં, સવારે આવીશ. તેઓ એમના ઘરે ગયા. એ પછીના થોડા કલાકોમાં એમના પત્નીને વેણ ઉપડ્યું અને દીકરીનો જન્મ થયો. એ સમાચાર હોસ્પિટલમાં સાથે રહેલા પરિવારની મહિલાએ ઘરે પહોંચાડ્યા. હવે એ સમાચાર સાંભળીને રાજી થયેલા એ દીકરીના પિતાને થયું કે અડધી રાત્રે જાઉં એના કરતાં સવારે હોસ્પિટલ જઈશ. એટલે તેઓ સવારે હોસ્પિટલ ગયા. દીકરીનું મુખ જોઈને મલાકાયા ને પત્નીને કહ્યું, ‘લક્ષ્મીજી અસ્સલ તારા જેવા જ છે.’ આમ વાત જ્યાં પૂરી થઈ. દીકરી ધીમે ધીમે મોટી થતી ગઈ અને બાપ – દીકરીને કોઈ વાર નાની એવી વાતમાં સંવાદ થાય તો દીકરીની મમ્મી એમ હસતાં હસતાં કહે કે, ‘બેટા, તારા જન્મના સમાચાર સાંભળીને પણ તારા પપ્પા ઘરે સૂઈ રહ્યા હતા બોલ, છેક સવારે આવ્યા ને તારું મોઢું જોયું હતું.’
આમ પત્નીએ મસ્તીમાં કીધેલું આ વાક્ય પેલી દીકરીએ પકડી રાખ્યું એ પછી જ્યારે જ્યારે કોઈ નાની નાની વાતે પોતાની જીદ પુરી કરાવવી હોય, પોતાનું ધાર્યું કરાવવું હોય ત્યારે એ એના પપ્પાને આ ઘટના યાદ કરાવે, કહે કે, ‘બોલો, તમે આવું કર્યું હતું ને! બોલો, તમે તો મારું મોઢું જોવામાંયે આળસ કરી હતી ને?’ આમ એના પપ્પા પાસે લાગણીનું તોફાન કરીને પોતાનું ધાર્યું કરાવી લે દીકરી.
એવો જ એક કિસ્સો પણ સંવેદનાથી ભર્યો છે. એક પરિવારમાં દીકરાનો જન્મ થયો. ખૂબ પ્રેમ અને લાડકોડથી ઉછેર થયો. સંયુક્ત પરિવાર હતું એટલે એ દીકરાના પપ્પા-મમ્મીને રાત્રે પાર્ટીમાં, ફરવા, સિનેમા જોવા જવું હોય ત્યારે તેઓ દીકરાને કહેતા કે, ‘બેટા, ઓફિસના કામે જઈએ છીએ. સવારે આવીશું.’ હવે આવું મહિનામાં એકાદ–બે વાર હોય પછી દીકરો મોટો થયો અને એને સાચી વાતની ખબર પડી કે મમ્મી-પપ્પા ઓફિસે નહીં પણ દોસ્તો કે કઝિન્સ સાથે ફરવા ને સિનેમા જોવા જતા હતા ત્યારે એણે બહુ ગુસ્સો કર્યો અને એ ગુસ્સો આજે એની યુવાવયે પણ કેટલીકવાર એની વાતચીતમાં બહાર આવી જાય કે તમે મારી પાસે ખોટું બોલીને જતા હતા.
આજકાલ માતા-પિતા અને બાળકોના, સંતાનોના સંબંધો જરા વધુ સંવેદનશીલ બનતા ચાલ્યા છે. બ્રિટન હોય કે બેંગ્લૂરુ, મુંબઈ હોય કે મેલબોર્ન એ સંબંધોમાં સંવેદના વધી છે. નાની નાની વાતે કોમ્યુનિકેશનના, કારકિર્દી-પસંદગીના, સામાજિક જવાબદારીના, આર્થિક વ્યવહારોના, સ્વતંત્રતા આપતા સ્વચ્છંદતા વધી ગઈ હોવાના વગેરે વગેરે કિસ્સાઓ આપણે જોઈએ, સાંભળીએ, વાંચીએ કે અનુભવીએ છીએ. કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરવું બહુ અઘરું થઈ જતું હોય છે. પરંતુ એક વાત ચોક્કસ સર્વમાન્ય અવલોકનરૂપે જણાય છે કે જ્યારે જ્યારે પ્રશ્નો ઊભા થાય છે ત્યારે ત્યારે બંને પક્ષે અથવા તો બેમાંથી કોઈ એક પક્ષે ક્યાંક પોતાની જવાબદારીમાં ચૂક થયાનું અનુભવાય છે.
આજકાલ બધાને ફાસ્ટ લાઈફ જીવવી છે, એની મજા લેવી છે અને એમાં જાણે-અજાણે પોતાની ફરજ ચૂકી જવાય છે. પછી એના પરિણામો આવે ત્યારે બંનેને દુઃખ થાય છે. માતાપિતા બાળકોને સૂચના આપે, ટોકેટપારે એ બાળકોને નથી ગમતું એવા પણ કિસ્સાઓ છે અને માતાપિતા કે વડીલોના અનુભવની નિશાળમાં ભણીને જ આગળ વધતા બાળકો પણ છે. સરવાળે થોડી વધુ જાગૃતિ, થોડી વધુ સમજદારી અને થોડી વધુ જવાબદારીનું જો જીવનમાં આચરણ થાય તો સમજણના અને સમર્પણના અજવાળાં રેલાય છે.