‘ખબર નહીં કેમ? પરંતુ હમણાં હમણાંથી એવું લાગે છે કે સંબંધો સાચવવાની ખૂબ મથામણ કર્યા પછી પણ, અનેકવાર જતું કર્યું હોય તો પણ, ઉદાર બન્યાં હોઈએ તો પણ સંબંધો તૂટે છે, બહુ દુઃખ થાય છે.’
એક પારિવારિક સ્વજને સહજ વાતચીતમાં એમનો અનુભવ કહ્યો અને એકાદ-બે ઉદાહરણ પણ આપ્યા. એમની આંખોનો ભાવ અને બોડી લેંગ્વેજ કહેતા હતા કે સાચ્ચે જ તેઓ દુઃખી હતા.
એક આવો બીજો કિસ્સો પણ છે જે મુંબઈનો છે. સૌરાષ્ટ્રમાં પિયર ધરાવતી બે બહેનો મુંબઈમાં પરણે છે. બંનેના સંતાનો વચ્ચે પણ ખૂબ માયા છે. કોઈ વહેવારિક વાતે અથવા તો સ્વભાવગત બેમાંથી એક બહેન, એમાંયે એ મોટી હતી, એનો વહેવાર નાની બહેન સાથે એકાએક તોછડો, રૂક્ષ, બેદરકારીપૂર્ણ થઈ જાય છે. એ બંને વચ્ચેના સંબંધોમાં પડેલી કોઈ અગમ્ય તીરાડની અસર ઉત્સવોની ઊજવણીમાં પણ થઈ. નાની બહેનના દીકરાને એની કઝીન હંમેશની જેમ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા ગઈ. આ વખતે બપોર સુધી ના ગઈ, ફોન કર્યો તો કહે કે ઓફિસમાં કામ છે. મૂળમાં એને જવું ન હતું.
આવા અનેક પ્રસંગો મારી ને તમારી આસપાસ દુનિયામાં બનતાં જ રહે છે. સંબંધો વર્ષો જૂના સંબંધો તૂટતા રહે છે. આવા સમયે જેઓ સંબંધોને નિભાવવા બધું જ જતું કરે છે, સંબંધોને સાચવવા સમર્પિત રહે છે એવા લોકો દુઃખી થાય એ હકીકત છે, પરંતુ આવા લોકો આખરે કરે પણ શું?
બહુ બધા લોકોની એવી ફરિયાદ હશે કે ઘરમાં મારી કોઈને પડી જ નથી, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે, ને મસ્ત છે... બસ એક હું જ છું જેણે ઘર માટે ઢસરડાં કરવાના છે અને છતાં ક્યારેય કોઈ જશ ના મળે!
કવિ મેઘબિંદુના ગીતની પંક્તિનો ઉઘાડ આવો છે,
સંબંધોની ગાગરથી
પાણી ભરીશું કેમ
લાગણીના દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથિયાં
અમે પાણી પીધું ને ફસાયા.
એક અજાણ્યો માણસ એક ક્ષણે આપણો થઈ જાય છે, આપણા હૃદયમાં વસી જાય છે અને પછી જ્યારે અચાનક આવજો પણ કહ્યા વિના જતો રહે છે ત્યારે આપણે સાવ સ્તબ્ધ થઈ જઈએ છીએ. ખબર નથી પડતી કે શું કરવું અને શું નહીં? આખી દુનિયા જાણે આપણી દુશ્મન થઈ ગઈ હોય એવું લાગે છે.
સંબંધો તૂટે છે તેના કારણે જે તે વ્યક્તિઓના સ્વભાવ, સમય સાથે બદલાતા રહે છે. એક વત્તા એક બરાબર બે પણ થાય ને અગિયાર પણ થાય. પરંતુ કેટલાક પ્રાથમિક અને ઊડીને આંખે વળગે એવા કારણો પર નજર માંડીએ ત્યારે સમજાય છે કે સંબંધો તૂટે છે એમાં એક કારણ છે સામેના પાત્ર પાસેથી આપણી અપેક્ષાઓ. કોઈએ કહ્યું છે કે ને જરૂરિયાતો કદાચ પુરી થઈ શકે, પરંતુ ઈચ્છાઓ ક્યારેય નહીં. આપણે સામેના માણસ પાસેથી વધુ ઈચ્છાઓ રાખીએ, અપેક્ષાઓ રાખીએ અને આખરે એના જોરે સંબંધો તૂટે છે.
હરિન્દ્ર દવેની બહુ જાણીતી પંક્તિ છે,
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી
આપણી ઈચ્છાઓ જ વધારે હોય છે
એ જ રીતે સામેના માણસે આમ જ વર્તવું જોઈએ એવો આપણો અધિકારભાવ પણ ઘણી વાર સંબંધો તોડે છે. દુનિયાને માણસ પોતાની રીતે જ સમજે છે, ક્યારેક સામેના માણસની દ્રષ્ટિએ સમજીએ તો સંબંધો તૂટતા બચી પણ શકે છે.
સંબંધો તૂટવાનું એક કારણ શંકા છે. સંબંધોમાં શ્રદ્ધા અને વિશ્વાસ જેટલા મજબૂત હશે એટલી શંકા ઓછી રહેશે અને જો શંકા એક વાર ઘર કરી ગઈ તો પછી આખરે સંબંધો તૂટે જ છે. સંબંધો તૂટે છે એમાં એક કારણ લેણાદેણી પણ હોય છે, નિમિત્ત ભલે વ્યક્તિ-ઘટના કે સમય બને, કદાચ ઉપરવાળાએ એક ચોક્કસ સમય માટે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધોનો પ્રદેશ ઊભો કર્યો હોય છે. અને એ પૂરો થાય એટલે સંબંધો પૂર્ણ થાય છે. કોઈ વળી કર્મને પણ આની સાથે જોડે છે. અવલોકન અને અભ્યાસ કરીએ તો વાણી-વર્તન-વ્યવહારની વિવિધ બાબતો પણ સંબંધો તોડવામાં મહત્ત્વના પરિબળ પૂરવાર થતી હોય છે.
સરવાળે વાત એ છે કે સંબંધો બંધાય પણ છે અને તૂટે પણ છે. સંબંધોમાં ઉષ્મા અને ઊર્જા ખૂબ હોય ત્યારે ચારે તરફ આનંદ આનંદ હોય છે, ને એ જ સંબંધો તૂટે ત્યારે જાણે મહાવિનાશ સર્જાયો હોય એવું પણ લાગે છે.
સંબંધો સચવાય, સંબંધો જળવાય, દાયકાઓના સંબંધોનો આનંદ પેઢીઓમાં પણ ઉતરે ત્યારે મળતી પ્રસન્નતા અણમોલ હોય છે. જેટલી અને જ્યારે પણ મળે સંબંધોની ઊર્જાને પામતા રહીએ, એમાં સમર્પણ અને સત્યનું પ્રેમ અને પ્રાર્થનાનું તેલ ઉમેરતા રહીએ અને સંબંધોનાં અજવાળાં ઝીલતાં રહીએ.