‘છોકરાવને હવે રજાઓમાં પણ ઘરે જવાનું નથી ગમતું. કલ્પના ન કરી શકો એટલો સુધારો એમની જીવનશૈલીમાં થઈ ગયો છે.’ હિલ સ્ટેશન સાપુતારામાં મોડી સાંજે વહેતી ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દુર્લભજીભાઈ ગોયાણી આનંદ સાથે કહી રહ્યા હતા.
સંસ્થાના પ્રિન્સિપાલ ધનેશભાઈ ઉમેરે છે, ‘છોકરાઓ એટલા ઉત્સાહથી ભણે છે કે અમને આનંદ થાય છે. કેટલાય વાલીઓ એમને મળવા આવે ત્યારે એમની વાતોનો સૂર એવો હોય કે ભલું થજો સંસ્થામાં પરિવર્તન લાવનારનું... શહેર જેવી સુવિધા ધરાવતી આધુનિક શાળામાં ભણવાનું અમારા છોકરાવના નસીબમાં આવ્યું...’
સાપુતારાની સાંદીપનિ વિદ્યા સંકુલ સંસ્થામાં એ રાત્રિએ ભજનો અને હાસ્યરસનો કાર્યક્રમ હતો. દેશ-વિદેશના દાતાઓ અને મહેમાનો પધાર્યા હતા. અવસર હતો પૂજ્ય ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં કાર્યરત આ સંસ્થાના સંકુલમાં અનેક નૂતન સુવિધાઓના શુભારંભનો... આદિજાતિ વિસ્તારમાં વાલીઓ પણ જાગૃત બન્યા છે. રાજ્ય સરકાર સાથે વિવિધ ટ્રસ્ટો અને લોકભાગીદારી જોડાઈ છે અને પ્રાપ્ત થઈ રહ્યા છે ઉત્તમ પરિણામો.
થોડા વર્ષો પાછળ જઈએ તો, એ શુભ દિવસ હતો ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧નો. એ દિવસે સાપુતારામાં મુખ્ય રસ્તાથી સહેજ દૂર આવેલી સરકારી શાળાનું સંચાલન સાંદીપનિ વિદ્યા સંકુલ - સાપુતારાના પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શન સાથે લેવાયું. આરંભે બે વર્ગો હતા અને વિદ્યાર્થીઓની સંખ્યા હતી ૯૫. આજે ૨૦૧૮માં વર્ગની સંખ્યા ૭ અને વિદ્યાર્થીની સંખ્યા ૪૦૬ છે. વર્ષ ૨૦૧૨-૧૩માં હોસ્ટેલના પાંચ રૂમ હતા અને રસોડું જૂના મકાનમાં કાર્યરત હતું. દાતાઓના સહયોગથી એક પછી એક ગામો હાથ પર લેવાતા ગયા. સંસ્થાનું નવિનીકરણ જ નહિ, આધુનિકીકરણ થતું ગયું. ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ડાઈનિંગ હોલ તથા સેમિનાર હોલનું અને ૨૦૧૫-૧૬માં ધોરણ ૧૧ અને ૧૨ની શાળા તથા હોસ્ટેલ અને શૌચાલયનું નિર્માણ કાર્ય કરાયું હતું. તાજેતરમાં ૧૫ જૂન ૨૦૧૮ના રોજ ધોરણ ૬થી ૧૨ની નવી શાળા, અદ્યતન કોમ્પ્યુટલ લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન પુસ્તકાલય, સંગીત રૂમ, સીસીટીવી કેમેરા વગેરે જેવી વધુ સુવિધાઓનો ઉમેરો થયો શાળામાં.
૨૦૧૫-૧૬માં એસએસસીના પરિણામની ટકાવારી ૪૧.૩૮ હતી તે ૨૦૧૭-૧૮માં ૬૩.૦૪ સુધી પહોંચી છે. એ જ રીતે એચએસસીની ટકાવી ૩૩.૩૩ ટકા હતી તે ૭૮.૯૫ ટકા સુધી પહોંચી છે. આમ વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટેની રૂચિ વધી છે અને પરિણામો પણ સારા આવી રહ્યા છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાંદીપનિ વિદ્યા સંકુલના નવનિર્મિત ભવનનું લોકાર્પણ મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. મુખ્ય પ્રધાને મંદિરો નહીં પરંતુ શાળાઓની સમાજને વધુ જરૂર છે તેવી ભાવના કેળવનારા પૂજ્ય ‘ભાઈશ્રી’ની કાર્યશૈલીને બિરદાવી હતી. વૃંદાવનના પૂજ્ય કાકિર્ણ ગુરુ શરણાનંદજી મહારાજના સાંનિધ્યમાં પૂજ્ય ‘ભાઈશ્રી’એ ગુણવત્તાલક્ષી શિક્ષણના લક્ષ્ય સાથે આગામી દિવસોમાં સાંદીપનિ વિદ્યા સંકુલમાં નવા આયામો પ્રજાપર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થીઓમાં વાણી-વર્તન અને વ્યવહારમાં સ્વચ્છતા-સુઘડતા-શાલીનતા અને સંસ્કાર સમૃદ્ધિ છલકતા હતા, તો એમની સાથેની વાતચીતમાં એમને અહીં મળતી સુવિધાઓ અને અભ્યાસની તકો માટેનો આનંદ પણ અભિવ્યક્ત થતો હતો.
•••
ગુજરાતના આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લાઓમાંનો એક એટલે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લો. આ જિલ્લામાં આવેલું છે ગુજરાતનું એકમાત્ર ગિરીમથક સાપુતારા. જંગલ, પર્વત, નદી ને નાળા વચ્ચે પાંગરી છે એમની મનમોહક નોખી-અનોખી જીવનશૈલી.
એમની પ્રાકૃતિક જીવનશૈલીમાં હવે ઉમેરો થયો છે - શિક્ષણનો, આધુનિક ટેકનોલોજીનો અને સર્વાંગી વિકાસનો.
આદિવાસી વનબંધુઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસયાત્રા સાતત્યપૂર્ણ રીતે આગળ ધપી રહી છે. આમ થવામાં ભારતીય સંસ્કૃતિના ધર્મ અને અધ્યાત્મ જગતના પૂજ્ય ‘ભાઈશ્રી’ જેવા વ્યક્તિત્વની પ્રેરણા મળે અને એક શાળા સંકુલનો વિસ્તાર થાય ત્યારે સ્વાભાવિક એમાં સમાજની ભાગીદારી પણ જોડાય. સરવાળે સાત્વિક-સત્યમય અને સંસ્કાર પરંપરા સાથેનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે... આવું થાય ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે નૂનત દીવડાઓ પ્રગટે અને વિદ્યાર્થીઓના ચહેરા પર વિદ્યાના અજવાળા રેલાય.