મોબાઈલ એપ પર સંગીત સાંભળી રહેલી કોલેજમાં ભણતી દીકરીએ ડેડીને કહ્યું, ‘આ વખતે શિવરાત્રિમાં સોમનાથ જવાના છીએ તો રસ્તામાં સાંભળવા શિવસ્તુતિ, શિવ ભજનો હું એકઠા કરું છું.’ એમ કહીને રૂદ્રાષ્ટકમ તો સંભળાવ્યું પણ ખરું. ગોસ્વામી તુલસીદાસનું સ્મરણ કરીને પૂજ્ય મોરારિબાપુએ એપ્રિલ ૨૦૧૬માં ઉજ્જૈનમાં કહેલી ‘માનસ-મહાકાલ’ કથાની પુસ્તિકા આપી તો એક દિવસમાં એ વાંચી ગઈ અને ૨૧મી સદીના પ્રથમ દાયકામાં કુંભમેળામાં કથા-શ્રવણ માટે ગયા હતા તેના સંસ્મરણો પણ યાદ કર્યાં.
પૂજ્ય બાપુએ ‘માનસ મહાકાલ’માં કહ્યું હતું કે રૂદ્રાભિષેક તો કરવા જ જોઈએ. એનો તો મહિમા છે જ, પરંતુ બીજાના કલ્યાણ વિશે વિચારવું એ શિવ અભિષેક છે. અભિષેક તો આપણે ક્યારેક ક્યારેક કરીએ છીએ, પરંતુ કલ્યાણકારી ભાવ, વિશ્વનું મંગલ થાય સર્વે ભવન્તુ સુખીનઃ કલ્યાણ મંત્ર છે. એ શિવ અભિષેક છે.
શિવરાત્રિનું પર્વ આવે એટલે શિવ મંદિરોમાં શિવ અભિષેક થાય, પૂજા-સેવા-રૂદ્રીના પાઠ થાય, ભસ્મ-આરતી થાય અને દેવાધિદેવ મહાદેવની જય બોલાય. આપણે ત્યાં ગામડાંગામમાં પણ શિવ મંદિર તો હોય જ, અને શિવ મંદિરોમાં પડદા વિધાન નથી. મહાદેવના મંદિરોમાં ગમેત્યારે જઈ શકાય.
જેનો કોઈ આકાર નથી અને જે કૈલાશના સ્વામી છે જે અતિ કૃપા કરે છે તે શિવ છે. શિવરાત્રિ એટલે શિવની રાત્રિ. ભક્તો આખી રાત જાગરણ કરે છે અને શિવ આરાધના કરે છે એટલે સિદ્ધિરાત્રિ તરીકે પણ ઓળખાય છે. શરીર પર લગાડેલી સ્મશાનની રાખ, ગળામાં સર્પ, કંઠમાં ધારણ કરેલું વિષ, જટામાં ધારણ કરેલી પાવનકારી ગંગા, કપાળ પર ત્રિપુંડ અને ચંદ્ર આકારનું તિલક, શિવ મંદિરનો કાચબો, બળદ અને એનાં પગથિયાં. આ બધામાં ક્યાંક ને ક્યાંક સંકેત છે - માનવજીવન માટે. શિવનું સમગ્ર ચરિત્ર આદર્શ ચરિત્ર છે અને તમામ શિવ આરાધકો - વિશેષરૂપે યુવાનો માટે તો એ હંમેશા પ્રેરક બની રહ્યું છે.
સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનો આધારિત લઘુપુસ્તિકા ‘શિવ-તત્વ નિર્દેશ’માં શિવ સ્વરૂપ વિશે આધ્યાત્મિક અર્થઘટનો પ્રસ્તુત થયા છે. તેઓ લખે છે કે ‘પરમ કલ્યાણનું નામ શિવ છે, શિવ બહુ જ ઉદાર અને ભોળા છે. આપવા બેસે ત્યારે પાર વિનાનું આપે, તુરંત આપે, એટલે આશુતોષ કહેવાય છે. જ્ઞાન અને વૈરાગ્યની સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે મહાદેવની જ બનાવાય.’
શિવ તત્વ વિશે જ્યારે જ્યારે વિચારીએ-વાંચીએ-સાંભળીએ કે દર્શન કરીએ ત્યારે ત્યારે નૂતનરૂપે શિવ મહિમા સમજાય છે, અનુભવાય છે અને શિવ કૃપાનો અનહદ અનુભવ થાય છે.
શિવના મસ્તક પર બીજનો ચંદ્ર છે જે સતત વધવાનો સંકેત આપે છે ને પૂર્ણિમા તરફ આગળ વધે છે... આપણા જીવનમાં પણ શિવ આરાધના સતત વધી રહે, પરમ કલ્યાણનો ભાવ હૃદયમાં સતત પ્રગટતો રહે... શુભત્વ તરફ આપણી ગતિ થાય એ જ શિવ સંકલ્પ હોઈ શકે. શિવરાત્રિના પર્વે યોગવિજ્ઞાનમાં ભગવાન શિવને રૂદ્ર કહેવાય છે. શિવ સૃષ્ટિના કર્તા પણ છે. ૐ નમઃ શિવાય મૂળ મંત્ર છે જે મહામંત્ર મનાય છે. આ પંચાક્ષર મંત્ર પાંચ તત્વોનું પ્રતીક છે. આ પંચાક્ષર મંત્રથી શરીરની પૂરી સિસ્ટમ જાગૃત કરી શકાય છે.
સત્ય જ શિવ છે ને શિવ જ સુંદર છે. ક્રિયાશક્તિ, ચિત્તશક્તિ અને ઈચ્છાશક્તિના રૂપમાં એ જ ઈશ્વર છે. બદ્ધુ જ શિવ-તત્વથી જ નિર્મિત છે અને બદ્ધું જ શિવમાં સમાહિત છે.
શિવરાત્રિના પર્વ નિમિત્તે ૐ નમઃ શિવાયના નાદને આત્મસાત્ કરીએ, સૃષ્ટિના પરમ કલ્યાણ માટે કાર્યરત રહીએ અને જ્ઞાન-વૈરાગ્યના દીવડાં પ્રગટાવી અજવાળાં ઝીલીએ.