‘અહીંનું સમગ્ર વાતાવરણ જ આપણને આહલાદક લાગે એવું છે.’ સાહિત્યપ્રેમી જીવ કુમારીલ ડાંગોદરાએ કહ્યું. ‘આ ભૂમિમાં સત્સંગ અને સેવાના ધબકારા ઝીલાયા છે...’ અધ્યાત્મ-ધર્મ ને શિક્ષણ જગતના મુકેશભાઈ પટેલે ઉમેર્યું. ‘અહીંથી આયુર્વેદ ઉપચાર પદ્ધતિનું ઉત્તમ કાર્ય થશે.’ મોટાભાગના મહેમાનોએ કહ્યું. અવસર હતો મહેસાણા જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા વડસ્મા ગામના શ્રી સત્સંગી સાકેત ધામ, ‘રામ આશ્રમ’ના સંકુલમાં યોજાયેલા પંચમુખાત્મક ત્રિદિન સાધ્ય સૂર્યયાગ સહિતના પાંચ દિવસીય સમારોહનો.
ભારતીય સંસ્કૃતિમાં સાક્ષાત દેવરૂપે સુર્યનારાયણની વંદના થાય છે અને સત્સંગનો મહિમા પરાપૂર્વથી સચવાયો છે ત્યારે SIR કેમ્પસમાં યોજાયેલા સુર્યયાગ અને સત્સંગમાં ગુજરાત અને ગુજરાત બહારથી સંતો-મહંતો પધાર્યા હતા, આશીર્વાદ પાઠવ્યા હતા અને મહાનુભાવોએ શુભકામના પાઠવી હતી. અહીં મંદિરમાં અને કાર્યાલયમાં હનુમાનજી મહારાજની શબ્દવંદના અવિરત વહેતી રહે છે જેને કારણે એક નોખી અનુભૂતિ થાય છે. સત્સંગ-સેવા-સ્મરણ અને શિક્ષણની આ ભૂમિમાં સ્વ અને સમાજલક્ષી વિદ્યાર્થી ઘડતરનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.
અંદાજે ૩૦ એકરથી વધુ જમીનના પ્રાકૃતિક, આધ્યાત્મિક સંકુલમાં જુદી જુદી ફેકલ્ટીમાં કુલ મળીને ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં આયુર્વેદ વિભાગનો પણ સમાવેશ પંચકર્મ હોસ્પિટલ સાથે થયો છે. SIR કેમ્પસ તરીકે ઓળખાતું આ સંકુલ એક અર્થમાં એજ્યુકેશનલ ટાઉનશીપ છે.
પૂજ્ય સત્સંગી બાપુની કથા અને સાધનાથી ઊર્જિત થયેલી આ જગ્યા અધ્યાત્મ અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સ્થાન બની ગઈ છે. સત્સંગી બાપુની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવામાં ડો. ભરત રાવની કોઠાસૂઝ, સાહસ, દીર્ઘ દ્રષ્ટિ અને સમર્પણ મહત્ત્વના પૂરવાર થયા છે. એમણે SIR કેમ્પસના સાતત્યપૂર્ણ વિકાસ સાથે હિમાલય આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ દ્વારા આસપાસના વિસ્તારના અને બહારથી આવનારા લોકો માટે આરોગ્ય સારવારના નૂતન દ્વાર અહીં ખોલી આપ્યા છે.
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ જે જીવનશૈલી, માણસની પ્રકૃતિ, બાહ્ય પ્રકૃતિ પર આધારિત છે. માત્ર શરીર નહીં, મનની પણ સારવાર કરે છે. ભગવાન ધન્વન્તરી જેના જનક છે અને સુશ્રુત જેવા અનેક વિદ્વાનોને જ્ઞાનસાગર જેમાં સમાયેલો છે એવી આયુર્વેદ પદ્ધતિમાં અનેક ઉપચારો છે, જે આપણા શરીરના રોગોનો મૂળથી નાશ કરે છે. આચાર્ય ચરકમુનિ આ પદ્ધતિના પ્રથમ ચિકિત્સક મનાય છે. આયુર્વેદની એક પરંપરા પંચકર્મની રહી છે, જેમાં ૨૯ રીતે દર્દીઓનો ઈલાજ થાય છે. આયુર્વેદ જેમાં જીવન અને દીર્ઘાયુનું જ્ઞાન સમાયેલું છે. વાંચીએ ત્યારે એમ પણ જાણવા મળે છે કે દેવતાઓની ચિકિત્સા પદ્ધતિ રહી છે આયુર્વેદ. આયુર્વેદના પ્રમુખ આઠ અંગો છે અને કાળ વિભાજન મુખ્ય આયુર્વેદનો ઈતિહાસ સંહિતાકાળ, વ્યાખ્યાકાળ અને વિવૃત્તિકાળ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. આજકાલ હવે વધુને વધુ લોકો દેશવિદેશમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ તરફ વળી રહ્યા છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે આયુર્વેદ તો જગતને દરિયો વલોવવાની મહેનત વિના સાંપડેલું સાક્ષાત અમૃત છે. સાધુવૃત્તિ ધરાવનારા વૈદ્યોએ આપણને આપેલી આ અણમોલ ભેટના અજવાળાં આપણે ઝીલીએ.