‘તમારો ફોન મુંબઈમાં ખોવાયો છે?’
અચાનક મોડી રાત્રે ફોન આવ્યો ને સ્વપ્નેશ ગભરાયો, ‘મારો ફોન ખોવાયો છે એની ખબર વળી કોને હશે?’ એના મનમાં પ્રશ્ન ઊઠ્યો...
‘હા, હા... મારો ફોન તો ખોવાયો છે, પરંતુ આપ કોણ? અને આપની પાસે ઓસ્ટ્રેલિયાનો મારો આ ઘરનો નંબર ક્યાંથી? કેવી રીતે મળ્યો?’ સહેજ ગભરાતાં સ્વપ્નેશે પૂછ્યું...
‘અરે ભાઈ, એ તો તમારે તમારો ફોન ખોઈ નાંખ્યો તે પહેલા વિચારવું જોઈતું હતું...’ સામેની વ્યક્તિએ સહેજે હસતાં હસતાં કહ્યું.
‘તમે ક્યાંથી બોલો છો?’ પ્રશ્નના જવાબમાં સામે છેડેથી બોલી રહેલા સજ્જને કહ્યું, ‘હું અત્યારે તો દુબઈથી વાત કરું છું અને તમારો ખોવાઈ ગયેલો ફોન મારી પાસે છે.’
આમ કહી એમણે જે વાત કરી એનો ટૂંકસાર અને આખીયે કથામાંથી એક વ્યક્તિની પ્રામાણિકતા અને માનવતાની સુગંધ પ્રસરે છે.
વરસોથી વડોદરાના લાલબાગથી આગળના વિસ્તારમાં પ્રવિણભાઈ ત્રિવેદી એમના પરિવાર સાથે રહેતા હતા. એમના બે દીકરા અભ્યાસ પૂર્ણ કરી સ્વતંત્ર રીતે સ્કિલ બેઝ્ડ ધંધા-રોજગારમાં જોડાયા હતા અને ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા હતા. મોટો દીકરો સ્વપ્નેશ વધુ મહત્ત્વાકાંક્ષી હતો. પરદેશ જઈને વધુ મહેનત કરીને આગળ વધવાનું સપનું પૂરું કરવા ૨૦૦૮માં માતા પ્રતિમાબહેન અને પિતા પ્રવિણભાઈના આશીર્વાદ લઈને એ પત્ની કોશા તથા દીકરી કેયા સાથે ઓસ્ટ્રેલિયા ગયો. ગુજરાતી પરિવારોના સાથ-સહકારથી તે ધીમે ધીમે એનો માર્ગ કરતો ગયો અને હોસ્પિટલ સાથે જોડાયેલા કામમાં ઓતપ્રોત થઈ ગયો. વડોદરા પરિવાર સાથે અને નાના ભાઈ અનિમેષ, એની પત્ની ભાવના તથા ભત્રીજા મીત સાથે વાતો થતી રહેતી. ક્યારેક એ ભારત આવી જતો.
વર્ષ ૨૦૧૪માં આવી જ રીતે એ વડોદરા આવ્યો હતો. થોડા દિવસો રહ્યો અને પછી વાયા મુંબઈ થઈને ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો. વડોદરાથી એ મુંબઈ ટ્રેનમાં જવાનો હતો એટલે સડસડાટ દોડતી ટ્રેનમાં મોબાઈલ ફોનમાં વાતો કરતા કરતાં મુંબઈ પહોંચ્યો. રેલવે સ્ટેશને બહાર આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે મોબાઈલ ટ્રેનમાં જ ક્યાંક પડી ગયો છે અથવા તો ભૂલાઈ ગયો છે. ફરી પ્લેટફોર્મ પર આવી તપાસ પણ કરી, એમ ક્યાં કોને ગોતે? થયું જવા દો... વડોદરાના ઘરે કહી દીધું - બેટરી ડાઉન છે ફોન નહીં લાગે. એમ કરીને રાત્રિની ફ્લાઈટમાં એ ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યો ત્યાં ઘરે પહોંચીને પત્નીને સઘળી વાત કરી. રાત્રે જેટલેગનો થાક ઉતારવા સૂતો ત્યાં ફોનની ઘંટડી વાગી અને લેખના આરંભે લખેલો સંવાદ થયો.
બન્યું હતું એવું કે એની બાજુમાં બેઠેલા એક ભાઈને આ મોબાઈલ મળ્યો. એમણે સ્વપ્નેશની થોડીક વાતો ફોનમાં કરતો હતો તે બાજુમાં બેઠાં હતાં એટલે સાંભળી હતી. એમને પણ તાત્કાલિક વ્યવસાય અર્થે દુબઈ જવાનું હતું એટલે એ ફોન લઈને દુબઈ પહોંચી ગયા.
દુબઈથી એમણે ઓસ્ટ્રેલિયા ફોન કર્યો અને સઘળી વાત માંડીને કહી. પછી કહ્યું કે ‘મને તમારા વડોદરાના ઘરનું સરનામું આપો. હું અઠવાડિયા પછી વડોદરા પરત જઈશ ત્યારે આપના ઘરે આ ફોન પહોંચાડી દઈશ.’ સ્વપ્નેશે એમનો આભાર માન્યો, અને એ ભાઈ સામેથી આવીને વડોદરામાં એ ફોન પાછો આપી ગયા. સ્વપ્નેશના પરિવારે કહ્યું કે અમે લઈ જઈએ તો પણ કહે કે - ‘ના, મારી જવાબદારી છે અને હું જ તમારા ઘરે આપી જઈશ.’ આમ એક અજાણ્યા વ્યક્તિએ બીજાની ભૂલથી ટ્રેનમાં મળેલા મોંઘા મોબાઈલને પોતાના ખર્ચે આંતરરાષ્ટ્રીય ફોનના પૈસા ચૂકવીને પણ મૂળ વ્યક્તિના પરિવારને સુપરત કર્યો.
•••
મોબાઈલ ફોન આજે પ્રત્યેક વ્યક્તિ માટે એવી જણસ બની ગઈ છે કે એ જરૂરી પણ છે અને એનો બિનજરૂરી-વિવેક વિનાનો ઉપયોગ નુકસાનકારક પણ છે.
મોટાભાગે બધાનો મોબાઈલ એકાદ વાર તો ખોવાયો જ હશે. (મારા તો ત્રણ ખોવાયા છે.) ફોન ખોવાય ત્યારે એની કિંમત જેટલી જ ચિંતા એમાં સમાયેલા ‘ડેટા’ની પણ હોય છે. અને આથી જ ફોન પરત મળ્યાનો આનંદ વિશેષ હોય છે.
આપણી આસપાસ સારા માણસો છે જ, સદ્ગુણોથી સભર વ્યક્તિત્વો એની સુગંધ પ્રસરાવે જ છે. સત્ય, પ્રેમ અને કરુણાના ગુણો ક્યાંકને ક્યાંક, કોઈના વ્યક્તિત્વમાં છલકાયા જ કરે છે. પ્રામાણિકતા માત્ર વસ્તુ સાથે જ જોડાયેલો સદગુણ નથી. વ્યક્તિના આચાર-વિચારમાં પણ જ્યારે એ પ્રગટ થાય છે ત્યારે આપણી આસપાસ પ્રામાણિકતાના દીવડામાંથી ઝળહળતો પ્રકાશ રેલાય છે અને જીવનને એ વધુ દૈદીપ્યમાન બનાવે છે.
ઃલાઈટહાઉસઃ
To be happy in this world, first you need a cellphone and then you need an airplane. Then you're truly wireless.
- Ted Turner