સપનું અન્યનું, આનંદ આપણો

તુષાર જોશી Tuesday 07th June 2016 08:23 EDT
 

‘આમ કોઈ લાખના બાર હજારના ધંધા કરાતા હશે?’ એક-બે સાથીમિત્રોએ દશરથસિંહને સલાહ આપી. પ્રશ્ન એ થાય કે સેવા પ્રકલ્પ અથવા આયોજન હતું જેના માટે તેમને આવી સલાહ મળી હતી.

વાત ભાવેણાના નામે જાણીતા મહાનગર ભાવનગરની છે. પોતાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશના રજવાડાઓના એકત્રીકરણ સમયે સૌથી પહેલા સરદાર પટેલના કહેવાથી રજવાડું સમર્પિત કર્યું હતું એનું ગૌરવ પ્રત્યેક ભાવનગરવાસીને છે.

દરેક ગામ-નગર-શહેર કે મહાનગરની કેટલીક પોતીકી ઓળખ હોય છે. ભાવનગર શહેરના ગાંઠિયા વિશ્વવિખ્યાત છે તો સાથે સાથે અહીંના બંદર પરનું લોકગેટ, અનેક ધાર્મિક - સેવાભાવી સંસ્થાનો અને સાધુચરિત માનવીઓ પણ જાણીતા છે. અહીંના લોકો આરામપ્રિય, વધુ પડતા સંતોષી, પ્રેમાળ અને આતિથ્ય નિભાવનારા છે.

આવા આ નગરમાં રહેતા દશરથસિંહને પ્રકૃતિ, પ્રવાસ અને પર્યાવરણ માટે અનહદ પ્રેમ. ઉચ્ચ મધ્યમ વર્ગના માણસ. ધંધા-રોજગાર અને નોકરી દ્વારા પોતે જે મેળવ્યું એનો એમને સંતોષ. પરિવાર અને કુટુંબના સભ્યોને સાચવવા ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની ભાવના એમના હૈયામાં છે.

જેમની સાથે કોઈ પરિચય પણ નથી એવા લોકોને મદદ કરી પોતે રાજી રહે એવો એમનો સ્વભાવ. સમાજના જુદા જુદા વર્ગના લોકો સાથે મિત્રતા અને ઘરોબો, એમાંના કેટલાક શિક્ષણ જગતમાં કાર્ય કરે. એક દિવસ આવા જ મિત્રો સાથે બેઠા હતા ને એમણે એમના મિત્ર મનીષભાઈને સીધું જ પૂછ્યું, ‘તમારી શાળાની વિદ્યાર્થિનીઓનો પ્રવાસ કર્યો કે નહીં?’ જવાબ મળ્યો નકારમાં. કારણમાં નિષ્કર્ષ એવો આવ્યો કે આ મોંઘવારીના જમાનામાં પ્રવાસના પૈસા કાઢવા અઘરા છે અને દશરથસિંહે મનમાં ગાંઠ વાળી. ત્રણ દિવસમાં પ્રવાસ પ્લાન રજૂ કર્યો. દસ દિવસનો પ્રવાસ, રેલવે થ્રી-ટાયર અને હોટેલોમાં નિવાસ તથા ટેમ્પો ટ્રાવેલરમાં પ્રવાસ કરવાનો અને એ પણ ૫૦૦૦ કરતા ઓછા રૂપિયામાં. કોઈ વિદ્યાર્થિની ઓછા પૈસા ભરે કે આયોજનમાં ખોટા જાય તો એ પૈસા પોતે ભોગવશે એવી તૈયારી બતાવી. આ વાત પર જ લેખના આરંભે લખેલી સલાહ એમને મળી હતી.

વિદ્યાર્થિનીઓ દુનિયા જૂએ - આનંદ કરે, એ જ એમનું સપનું હતું. ૯૫ જેટલી વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો જોડાયા. મનાલી, પઠાણકોટ, ગોલ્ડન ટેમ્પલ-અમૃતસર, ભારતના સ્વિત્ઝર્લેન્ડ તરીકે જાણીતું ખજીયાર તથા બૌદ્ધ ધર્મના અનેક મઠો જ્યાં આવેલા છે તે ધરમશાલા સહિતના સ્થળોનો ઉનાળાની સિઝનમાં પ્રવાસ થયો. વિદ્યાર્થિનીઓની સાથે શિક્ષિકાઓ પણ હતી. તમામને શ્રેષ્ઠ સુવિધા આપી અને એ પણ સાવ ઓછા ખર્ચે. નિવાસ-ભોજન-ટ્રાન્સપોર્ટની ઉત્તમ સેવા માણીને, પ્રવાસનો આનંદ લઈ સહુ પરત ફર્યા. બધાની આંખોમાં આનંદ-ઉલ્લાસ હતો, પરંતુ સૌથી વધુ આનંદ દશરથસિંહને હતો જેમની એક નાનકડી ઈચ્છા પરોપકારની ભાવનાથી પૂરી થઈ હતી.

•••

એક સામાન્ય માણસને આવેલા વિચારના પરિણામે ૯૦થી વધુ વિદ્યાર્થિનીઓ અને તેમના પરિવારને સંતોષ અને આનંદનો અનુભવ થયો છે.

ઈશ્વરે માણસને જે આપ્યું છે તે પોતાના પરિવાર કે પ્રિયજન માટે વાપરે તે સહજ છે, પરંતુ એનાથી આગળ વધીને જ્યારે સાવ અજાણ્યા માણસો માટે એનો ઉપયોગ થાય ત્યારે એ વિશેષ મહત્વનું બની રહે છે. પૈસા - વસ્તુ - સમય કે વિચાર કે આયોજન, કોઈ પણ રૂપે કરવામાં આવતી મદદ અજાણ્યાના જીવનમાં સુખનો અનુભવ કરાવે ત્યારે વ્યક્તિને પોતાને આનંદનો અનુભવ થાય છે.

સમાજજીવનમાં વસતા અનેક લોકો, જેઓ અમુક સુખ-સુવિધા પામવામાં ટૂંકા પડે છે એમને મદદરૂપ થઈને એમના સપના પૂરાં કરવાનો અવસર જ્યારે કોઈ વ્યક્તિ જાતે ઊભો કરે છે ત્યારે એના પોતાના જીવનમાં પણ આનંદનું અજવાળું રેલાય છે.

લાઈટ હાઉસ

ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ,

શરત બસ એટલી છે, સૌપ્રથમ માણસ બની જઈએ.

- હિતેન આનંદપરા

(લેખક ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ક્ષેત્રે લેખનથી માંડીને
ફિલ્મમેકિંગનો બહોળો અનુભવ ધરાવતા લેખક સ્ટેજ કાર્યક્રમોના સંચાલક તરીકે પણ જાણીતા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter