‘બિચારો, આટલી નાની ઉંમરને પાછો અપંગ!’
‘એ જન્મથી જ બહેરો-મૂગો છે’
‘એક તો દીકરીની જાત ને એમાં વળી અંધ...’
આ અને આવા વાક્યો આપણો સહુ દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ. જયારે આપણી આસપાસ કોઈ અપંગ વ્યક્તિને જોઈએ છીએ. જોકે છેલ્લા બે વર્ષમાં સ્થિતિ બદલાઈ છે. આવી વ્યક્તિ હવે અપંગ નહીં, દિવ્યાંગ તરીકે ઓળખાય છે.
હા, ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હવે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘દિવ્યાંગ’ શબ્દ દ્વારા સમાજની માનસિકતા બદલવાનો અને ઈશ્વરે જેમને શરીરમાં કોઈ ખોટ આપી છે એમને ગૌરવાન્વિત કરવાનો પ્રયાસ કર્યો છે.
સંસ્કારનગરી અને ગ્રંથનગરી તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતના નવસારીમાં તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈ પોતાના ૬૭મા જન્મદિવસે યોજાયેલા દિવ્યાંગોના એક કાર્યક્રમમાં ભાવુક બન્યા હતા અને સંવેદનાપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા.
કાર્યક્રમમાં એવા પાંચ બાળકો સ્ટેજ પર આવ્યા જે અત્યાર સુધી બહેરા-મૂંગા હતા. કેન્દ્ર સરકારની દિવ્યાંગો માટેની યોજના હેઠળ કોંકલીયર ઈમ્પ્લાન્ટના ઓપરેશન્સ કરાતા તેઓ હવે બોલતા થયા હતા અને તેમણે વડા પ્રધાનશ્રીને કાલીઘેલી ભાષામાં જન્મદિવસની શુભકામના આપી હતી.
એ પછી સ્ટેજ પર આવી એક દૃષ્ટિ દિવ્યાંગ નાનકડી દીકરી. નામ હતું ગૌરી. ડાંગથી આવી હતી. દિવ્યાંગોને સાધન-સહાય વિતરણના ભાગરૂપે તેને બ્રેઈલ કીટ અપાઇ વડા પ્રધાનશ્રીના હસ્તે.
શ્રી નરેન્દ્રભાઈએ એની સાથે સાહજિક વાતો કરી. એના હાથ ઝાલ્યો અને વહાલથી ધીમે ધીમે દોરીને એને લઈ ગયા સ્ટેજ નજીકના પોડિયમ પાસે. પછી એને વાત્સલ્યથી તેડી લીધી અને પોડિયમના માઈકમાં વાત કરવા કહ્યું. એ નાનકડી દીકરીએ પોતાના પરિચય આપ્યો અને પછી બ્રેઈલ લિપિમાં લખેલું પુસ્તક વાંચતી હોય એમ ભારતીય સંસ્કૃતિના અણમોલ ગ્રંથ ‘રામાયણ’ની વાત શરૂ કરી. રાજા દશરથ અને રામના ચરિત્રની વાત એ જે પ્રકારે કડકડાટ બોલતી ગઈ એ સાંભળી સહુએ મંત્રમુગ્ધ થઈને એને તાળીઓથી વધાવી લીધી.
સ્ટેજ પર ટ્રાઈસિકલ લેવા જ્યારે દિવ્યાંગો આવ્યા ત્યારે એમને ટ્રાઈસિકલ આપીને સ્ટેજના છેવાડા સુધી શ્રી નરેન્દ્રભાઈ ટ્રાઈસિકલ દોરી ગયા હતા. એમણે પ્રવચનમાં પણ કહ્યું કે ‘દિવ્યાંગોને દયાભાવ નહીં, સ્વાભિમાનની જરૂર છે. આઝાદીના ૭૦ વર્ષમાં હું એવો ભાગ્યશાળી વડા પ્રધાન છું જેને દિવ્યાંગ બાળકોની સેવા કરવાની સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.’
વડા પ્રધાનના જન્મદિને નવસારીમાં પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જન્મદિનની પૂર્વ સંધ્યાએ દિવ્યાંગ સહિતના ૧૦૦૨ લોકોએ ૩૦ સેકંડમાં એક સાથે ૯૮૯ દીવડા પ્રગટાવ્યા. જન્મદિને એકસાથે ૧૦૦૦ દિવ્યાંગોને હિયરીંગ એઈડ (સાંભળવા માટેનું યંત્ર) તથા ૧૦૦૦ દિવ્યાંગોને વ્હિલચેર અપાઇ હતી. દિવ્યાંગો માટેનો કાર્યક્રમ સંવેદનશીલ બની રહ્યો હતો.
•••
દિવ્યાંગો સાથે સમાજજીવનમાં હવે હૂંફનું વાતાવરણ બની રહ્યું છે. તેમનામાં સ્વાભિમાન પ્રગટ થાય એવું સંવેદનશીલ વાતાવરણ બની રહ્યું છે. સુગમ્ય ભારત અભિયાન હેઠળ ભારતમાં દિવ્યાંગો માટે વિશેષ સુવિધા ઊભી કરાઇ છે. સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્વમાન્ય સાંકેતિક ભાષા માટેની લેબોરેટરીનું કામ ચાલુ છે. દિવ્યાંગો માટે અલગ શૌચાલય - બહુમાળી ઈમારોતમાં અલગ લિફ્ટ જેવી સુવિધા ઊભી થઇ રહી છે. જાહેર વાહનવ્યવહારના ઉપયોગ સમયે તેમને સરળતા રહે તે દિશામાં સકારાત્મક અમલીકરણનો આરંભ થયો છે. ભારતના દિવ્યાંગોએ પેરા ઓલિમ્પિકમાં જીતેલા મેડલો એ પ્રતિતી કરાવે છે કે તેમનામાં ખોડખાંપણ નથી, પરંતુ અપાર શક્તિનો મહાસાગર ઘૂઘવે છે.
ભારતમાં આગામી દિવસોમાં દિવ્યાંગો માટેની પાંચ સ્પોર્ટ્સ એકેડમી પણ સ્થપાશે. ગુજરાત સરકારે પણ ખેલ મહાકુંભના આયોજનમાં દિવ્યાંગોને વિશેષ પ્રાધાન્ય આપી નોખું આયોજન કર્યું છે.
દિવ્યાંગોને દયાભાવથી ન જોતાં એમનામાં દૃઢ આત્મવિશ્વાસ રોપીએ, એમને કરુણા નહીં, પરંતુ એમના કર્મને વધાવીએ ત્યારે અજવાળા રેલાય છે.
:લાઈટ હાઉસ:
એક અંધેરા લાખ સીતારે, એક નિરાશા લાખ સહારે
સબસે બડી સૌગાત હૈ જીવન, નાદા હૈ જો જીવન સે હારે
(ફિલ્મઃ ‘આખિર ક્યું’, ગાયકઃ મોહમ્મદ અઝીઝ)