‘આ છોકરાઓ અને છોકરીઓએ અદભૂત કામ કર્યું છે.’
‘ગાંધીનગરના કલાકારોનું ગૌરવ વધાર્યું છે.’
‘દોઢ દાયકા કરતાં વધુ સમય માટે સંસ્થાને સાતત્ય સાથે ચલાવવી એ પણ આગવી સૂઝ માંગી લે છે.’
‘અમારી દીકરી સ્ટેજ પર ગરબે ઘુમે ને ઈનામો જીતે તે જોઈને આનંદ થાય છે.’
આ અને આવા અનેક ઉદગારો કાર્યક્રમ પૂરો થયે સભાગૃહમાંથી બહાર નીકળી રહેલા શ્રોતા-દર્શકોના મુખમાંથી સાહજિક સંવાદરૂપે બહાર આવી રહ્યા હતા.
પ્રસંગ હતો ગાંધીનગરની જાણીતી કલાસંસ્થા પનઘટ કલા કેન્દ્ર દ્વારા તેના કલાકારોના સન્માનનો. આ અવસરે જાણીતા ગાયકો ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ તથા સંચાલક ડો. માર્ગી હાથીએ સૂર-શબ્દથી પ્રસ્તુતિ કરી હતી. દોઢ દાયકા કરતાં વધુ સમયથી ગાંધીનગરથી લઈને અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમોમાં નૃત્ય પ્રસ્તુતિ કરી ચુકેલા કલાકારોનું સન્માન કરાયું ત્યારે સભાગૃહ તાળીઓથી ગૂંજી ઊઠ્યો હતો.
અસીમ સ્નેહ, અદભૂત સમર્પણ અને અમાપ શક્તિના અગાધ સ્ત્રોતરૂપી સ્ત્રીના દીકરીથી લઈને દૈવી સ્વરૂપ સુધીના નોખા-અનોખા સ્વરૂપોને સ્વર અને નર્તન દ્વારા પ્રસ્તુત કરાયા હતા. આ અવસરે પનઘટ પરિવારના સભ્યોનું સન્માન અને અભિવાદન પણ કરાયું હતું.
મુખ્ય માહિતી કમિશનર વી. એસ. ગઢવી, ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહા, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સ્થાપક જોરાવરસિંહ જાદવ, કલાક્ષેત્રના અગ્રણીઓ જયરાજસિંહ સરવૈયા, નયનેશ જાની, કલ્પેશ દલાલ સહિતના કલાપ્રેમીઓએ નૃત્ય અને સ્વર પ્રસ્તુતિને માણી હતી. કાર્યક્રમ માણ્યા બાદ સહુને જાણે કે નારીત્વને નીરખવાની એક નવી દૃષ્ટિ મળી હતી.
પનઘટ સંસ્થાના આરંભની ક્ષણોનું સ્મરણ કરતા સ્થાપક ભાવિન પટેલ કહે છેઃ વર્ષ ૨૦૦૧નો એ સમય હતો. કોલેજમાં ભણતા હતા. ત્રણ છોકરા ને એક છોકરીએ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં કોલેજમાં ભાગ લીધો, નેશનલ લેવલે પ્રથમ ક્રમ મેળવ્યો. સાથે બેઠા હતા ને ઘટમાં ઘોડા જાણે થનગનતા હતા કે કાંઈક સરસ કામ કરવું છે. એમણે એક સંસ્થા બનાવી - ભાવિન પટેલ, દિવ્યાંગ વાઘેલા અને જયદીપ સોલંકી મુખ્ય ત્રણ મિત્રો વ્યવસ્થામાં રહ્યા. પનઘટ સંસ્થાનું કામ આમ શરૂ થયું. યુવામિત્રો જોડાતા ગયા ને સફળ આગળ વધતી ગઈ.
પ્રાચીન-અર્વાચીન ગરબા સ્પર્ધામાં અને કાર્યક્રમોમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ભાગ લેતા થયા. ઈનામો મેળવતા થયા. મિત્રો-સાથીઓ વ્યવસાય અર્થે શહેર છોડતા ગયા તો સ્મરણથી સાથે રહ્યા. ગાંધીનગર શહેરમાં સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ થતી રહી. ગરબાના મૂળ સ્વરૂપને - નૃત્યના મૂળ સ્વરૂપને સાચવવાની સાથે સાથે નવા કોમ્પોઝીશન્સ પણ લાવ્યા. અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ૧૫-૧૬ વર્ષોમાં સમયનો-પૈસાનો ભોગ અપાયો તો સામે પક્ષે શ્રેષ્ઠ કામ કર્યાનો સંતોષ, નામ-દામ અને કામ મળ્યા. અંદાજે ૪૦૦ જેટલા કલાકારો અત્યાર સુધીમાં આ ગ્રૂપમાં કામ કરી ગયા છે.
આજે આ ગ્રૂપમાં ગરબા પરફોર્મ કરનારી દીકરીઓમાં ૪ ડોક્ટર છે, કેટલીક એન્જીનિયર અને સાયન્ટિસ્ટ છે ને કોઈ વળી કોર્પોરેટ કંપનીમાં જોબ કરે છે. મોટા ભાગની દીકરીઓ કથ્થક અને ભરતનાટ્યમ્ કે ગાયન-વાદન શીખી રહી છે. લગ્ન થયા બાદ પણ એ જ ગ્રૂપમાં ગરબા રમવાનું સદભાગ્ય મેળવનાર દીકરીઓ પણ છે.
૨૦૦૧ના વર્ષથી શરૂ થયેલી નૃત્ય યાત્રાએ રાજભવન અને રાષ્ટ્રપતિ ભવન તથા અનેક મહત્ત્વના સ્થળો પર અને કાર્યક્રમોમાં નૃત્ય પ્રસ્તુત કરે છે. રણોત્સવ, નવરાત્રિ મહોત્સવ, કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ, માતૃવંદના, વાઈબ્રન્ટ મહોત્સવ અને પાવાગઢ મહોત્સવ સહિતના અનેક જાણીતા ઉત્સવોમાં આ ગ્રૂપે નૃત્ય પ્રસ્તુતિ કરી છે.
•••
કોઈ એક નગરના કલાકારો ભેગા થાય, કામ કરે એ વાત કાંઈ નવી નથી. મોટા ભાગે પ્રત્યેક નગરમાં આવું થતું જ હોય છે. પણ અહીં સંવેદનશીલ વાત એ બની કે સંસ્થાએ પોતાના ૩૧ કલાકારોનું સન્માન કર્યું. આ સન્માન-લાગણી અને ઉમળકાના બે શબ્દ એમને વધુ મહેનત કરવા, નવા લક્ષ્ય હાંસલ કરવા પ્રેરિત કરશે અને સરવાળે ગુજરાતની કલા અને કલાકારોની વાત વધુ લોકો સુધી પહોંચશે.
કલાના અનેક સ્વરૂપો છે - એના વાહકો જ્યારે માત્ર કરવા ખાતર નહીં, પરંતુ સમર્પણ સાથે આ કલા પ્રવૃત્તિને આત્મસાત્ કરે ત્યારે એને વધાવનારા, પીઠ થાબડનારા એમને પ્રોત્સાહિત કરે છે, પરિણામે એક નોખું જ ઊર્જાવિશ્વ ઊભું થાય છે. પ્રવૃત્તિ કરનારાઓમાં વધુ જોમ અને જુસ્સો પ્રગટે છે. ચેતો વિસ્તાર વિસ્તરે છે અને પોતે જે કાંઈ કરી રહ્યા છે તે ટાઈમપાસ નથી એની અનુભૂતિ પણ થાય છે.
યોગ્ય સમયે યોગ્ય કલાકારોનું ઉચિત સન્માન થાય ત્યારે નૂતન પ્રેરણાના દીવડા ઝળહળે છે અને કલા પ્રવૃત્તિના વિશ્વમાં અજવાળાં રેલાય છે.
ઃલાઈટહાઉસઃ
સન્માન કોઈ એક વ્યક્તિ, ગ્રૂપ કે સંસ્થાનું થાય ત્યારે સહજપણે એ પ્રવૃત્તિ સંવર્ધિત થાય છે.