‘અમદાવાદને દેશના સ્વચ્છ શહેરોમાં સ્થાન મળ્યું એમાં અમારા આ મણિભાઈ જેવા અનેક સામાન્ય માણસોનું પણ બહું મોટું યોગદાન છે.’ નીતિનભાઈએ હસતાં હસતાં કહ્યું... વાત એમ હતી કે એક શોપિંગ કોમ્પલેક્સમાં ઘણી બધી દુકાનો હતી. ત્યાં સ્વાભાવિક રીતે રોજેરોજ બહુબધા માણસો પણ આવે... એમની આદત મુજબ તેઓ જ્યાં ને ત્યાં પ્લાસ્ટિક કચરો-કોથળી-બોક્સ-કાગળ ફેંક્યા કરે. મહાનગરપાલિકાએ ભીનો-સૂકો કચરો અલગ મૂકવા ડસ્ટબીન પણ ત્યાં મૂકાવ્યા હતા, પરંતુ મોટા ભાગે માનસિકતા રૂઢીવાદી હોય, સુધારાને ઝીલવાની ઉદારતા ન હોય. ‘ઇ તો બધું આમ જ હોય...’ એવા શબ્દોના કારણે બાજુમાં ડસ્ટબિન હોવા છતાં તેઓ કચરો ફૂટપાથ પર દુકાનોના આંગણામાં કે રસ્તા ઉપર નાંખે. જુએ બધા, પણ એમને રોકવાનો-ટોકવાનો વિચાર કોઈને આવે નહીં, આવે તો કોઈ એમને કાંઈ કહે નહીં. મણિભાઈની ઓફિસ એ કોમ્પલેક્સના પહેલા માળે, મૂળ સૌરાષ્ટ્રના ગામડાના માણસ...જે હોય એ સાચું કહી દે અને એ પણ વિવેક જાળવીને. એટલે અહીં સ્વચ્છતાના કિસ્સામાં પણ એવું બનતું કે એ જ્યારે જ્યારે ગેલેરીમાં ઊભા હોય, કોઈ કચરો ફેંકે તો નીચે જાય, એમની નજર સામે પેલો કચરો ઊઠાવે અને પછી ડસ્ટબિનમાં નાંખીને હસતા હસતા પેલા વ્યક્તિને કહે ‘ભલા માણસ, આપણા ગામને સ્વચ્છ રાખવા આટલું પણ નહિ કરો?’ સ્વાભાવિક રીતે પેલી વ્યક્તિ શરમાઈ જાય અને સાહજિક રીતે ત્યાંથી પસાર થઈ જાય કોઈ હસે, કોઈ ચહેરા પર ગુસ્સો વ્યક્ત કરે તો કોઈ એમને ઉપહાસથી જુએ. સરવાળે દિવસમાં પાંચ-સાત વાર આવું બને જ.
દુકાનમાં એક વાર શરીરથી પૂર્ણરૂપે સ્વસ્થ એવી પાંચ-સાત બહેનો એમના બાળકો સાથે આવી ચડી. દરેક દુકાને જઈને પૈસા કે વસ્તુ ભીખરૂપે માંગતી હતી. કોઈ આપે, કોઈ ધુત્કારે. આ ટોળું આવ્યું મણિભાઈની દુકાને. ચહેરા ઉપર ગરીબાઈના ભાવ સાથે આદ્ર સ્વરે એમણે પૈસા માંગ્યા. આ ભાઈ કહે ‘કેટલા આપું?’ તો પેલા કહે છોકરાવને નાસ્તાના પચાસ રૂપિયા આપો. છોકરાવ ભૂખ્યા છે. અનુભવી એવા મણિભાઈને ખ્યાલ આવી ગયો કે આ લોકો માત્રને માત્ર પૈસા માગવા જ આવ્યા છે, એમની ભૂખની વાતો માત્ર એક વાતાવરણ ઊભું કરવા માટેની છે એટલે તેઓ એ ટોળાને બહાર લઈને આવ્યા. દુકાનમાંથી સાવરણી કાઢીને આપીને કહ્યું, ‘જુઓ આ પચાસેક ફૂટનો ટુકડો છે. હવે સાફ કરી આપો... તમને ૫૦ નહીં ૧૦૦ રૂપિયા આપીશ.’ પેલું ટોળું ત્યાંથી વિદાય થઈ ગયું. તુરંત મણિભાઈએ નીતીનભાઈને કહ્યું ‘જોયું તમે?! આ લોકો ગરીબાઇના નામે ખોટી રીતે પૈસા ઉઘરાવી જાય છે, એમને મહેનત કરવી જ નથી. પરિશ્રમપૂર્વક પામેલો પૈસો આપણે પણ થોડા આમનામ ફેંકી દેવાય? અને એવું કરવાથી તો આપણે ખોટા લોકોની ખોટી મનોવૃત્તિને પ્રોત્સાહન આપ્યું ગણાય... જરૂરતમંદને મદદ જરૂર કરીએ, પણ ખોટાને પ્રોત્સાહન ન અપાય’.
સ્વચ્છતાના આગ્રહી આવા અનેક લોકો આપણી આસપાસ જોવા મળશે. જેઓ અન્ય લોકોની નજરમાં સારા નથી ગણાતા કારણ કે સ્વચ્છતા માટે આગ્રહ રાખે છે, પરંતુ તેમના જેવા દ્વારા જ એક પરિપૂર્ણ વાતાવરણ ઘડાય છે, વ્યક્તિગત માનસિકતા ડેવલપ થાય છે.
એક વાર આવી જ રીતે મણિભાઈ મીઠાઈની દુકાને ખરીદી કરવા ગયા હતા. ત્યાં આવી જ રીતે એક ભાઈ ભીખ માગવા આવ્યા... કહ્યું કે ખાવાનું અપાવો... પેલા ભાઈએ કહ્યું કે અહીં આસપાસ પ્લાસ્ટિકનો જે કચરો પડ્યો છે તે ઉઠાવીને ડસ્ટબીનમાં નાખો તો નાસ્તો નહીં જમવાનું અપાવું... અને પેલા માણસની ભૂખ, મજબૂરી જે કહો તે સાચી હશે તો એણે એ સફાઈકાર્ય કરી આપ્યું. ખરીદનારે સો રૂપિયાની વસ્તુ અપાવી તો એમાં દુકાનદારે બીજા પચાસ રૂપિયાની વસ્તુ ઉમેરી આપી. આમ પેલો માણસ ભીખ માગતો હતો એની સાથે પરિશ્રમ કરવા અંગે એને શરમ પણ ન હતી. પાછળથી એ માણસને પેલા દુકાનદારે થોડુંઘણું નિયમિત કામ આપીને બે પૈસા રળતો પણ કર્યો.
આમ ગરીબ માણસની ગરીબીનો ઉપહાસ નહિ કરવાનો, પણ એને પરિશ્રમના માર્ગે વાળીને સ્વચ્છતાનું કાર્ય કરવામાં પણ નીમિત બનવાનું. આવું આવું કાર્ય જ્યારે જ્યારે જ્યાં જ્યાં જોવા મળે ત્યારે ત્યારે માનવધર્મના અજવાળા રેલાય છે.