‘તમે અહીં આવેલા લોકો પૈકીના ત્રણ દર્દીના નામ લઈને અથવા એમના ચહેરા યાદ કરીને પ્રાર્થના કરો કે ધન્વન્તરી ભગવાનની કૃપાથી એમના શરીરના જે રોગો છે તે દૂર થઈ જાય.’
રોજ સાંજે પ્રાર્થનામાં પાંચ મિનિટના સમયે સંસ્થાના ડોક્ટરે કહ્યું.
‘આપને જમાડવામાં થોડી વાર થશે, કારણ કે અમે બધાને એક-એક કરીને ગરમા-ગરમ રોટલી જ જમાડીએ છીએ જેથી સહુ પ્રેમપૂર્વક જમી શકે.’ રસોઈઘરની વ્યવસ્થા સંભાળનાર માસીએ કહ્યું.
આવા તો અનેક પ્રેમાળ વાક્યો અહીં આવનાર દર્દીને રોજ સાંભળવા મળે જેમાં સેવાની-પ્રેમની-આતિથ્યની ભાવના ભળેલી હોય.
વાત છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં અંતરિયાળ એવા માઢી-પેઢામલી રોડ પર નવનિર્મિત કંચન-હીરા આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ કેન્સર રિસર્ચ સેન્ટરની. મૂળ આ જગ્યાએ વર્ષોથી સર્વોદય આશ્રમ તો હતો જ, એટલે આ જગ્યાને લોકો માઢી આશ્રમ તરીકે પણ ઓળખે. આશ્રમના ટ્રસ્ટીઓના સહયોગથી આ જગ્યાને નિસર્ગોપચાર કેન્દ્ર રૂપે વિકસાવવાનો સંકલ્પ કર્યો આ ગામના વતની, રાજ્ય સરકારના આયુર્વેદિક વિભાગમાં ઉચ્ચ અધિકારી અને કૌશલ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડો. અતુલ ભાવસારે. એમની પરિકલ્પનાને આધાર મળ્યો પૂનાનિવાસી દાતા પરિવાર શેઠ શ્રી હીરાલાલ ડી. શાહ (ચોખાવાલા)નો અને તેમણે આપ્યું માતબર રકમનું દાન. પરિણામે આ સંસ્થા કાર્યરત થઈ અને આજે અહીં આવીને રહેતા તથા આસપાસના ગામોમાં રહેતા લોકો માટે આરોગ્ય સેવા મેળવવાનું ઉત્તમ માધ્યમ આ સંસ્થા બની ગઈ છે.
‘અહીંનો સ્ટાફ એટલો સરળ અને પ્રેમાળ છે કે અડધી બીમારી તો એમનાથી જ ઓછી થઈ જાય.’ અહીં આવીને રહેનાર મનીષા જોશીની વાતમાં સહમતિ પૂરાવનાર સખી તોરલ ઉમેરે છે, ‘અહીં તનની સાથે સાથે મનની પણ શુદ્ધતા થાય છે અને જાત સાથે સંવાદ કરવાનો પૂર્ણ અવકાશ મળે છે....’ શરીર અને મન બંને હળવાશ અનુભવે એવી આ જગ્યા ૧૨ એકરમાં ફેલાયેલી છે જેમાંથી ૨ એકરમાં ઉપચાર કેન્દ્ર છે અને ૧૦ એકરમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે.
ડો. અતુલ ભાવસાર કહે છે, ‘હોસ્પિટલનો આરંભ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ થયો. એ સમયે OPD અને જનરલ વોર્ડ શરૂ થયા. એ પછી ૪ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ સાધ્વી શ્રી ચંદનાજીના આશીર્વાદ સાથે દાતા પરિવારની ઉપસ્થિતિમાં હોસ્પિટલ પૂર્ણરૂપે શરૂ થઈ. ભાઈઓ-બહેનો માટેના અહીં અલગ અલગ જનરલ વોર્ડ છે જેની સ્વચ્છતા ઊડીને આંખે વળગે છે ને સાવ વિનામૂલ્યે નિવાસ તથા ભોજનની અહીં સુવિધા અપાય છે. દર્દીઓ માટે કેબલ ટીવી અને વાઈ-ફાઈની સુવિધા પણ ખરી જ. એરકન્ડિશનરની સુવિધાવાળા ૧૦ સ્પેશિયલ રૂમ, ૧ સેમી-સ્પેશિયલ રૂમ અને ૨ સ્યુટ રૂમ પણ અહીં છે. લેબોરેટરી, ફીઝીયોથેરાપી, એક્સ-રે, ઓપરેશન થિયેટર, યોગા સેન્ટર, મેડિકલ સ્ટોર, પંચકર્મની તમામ સારવાર, પુસ્તકો વાંચવા લાયબ્રેરી, સીસીટીવી, ઈન્ટરકોમ સર્વિસ, ગોલ્ફ કાર્ટ, એમ્બ્યુલન્સ જેવી તમામ સુવિધાઓ દર્દીઓની સેવા માટે અહીં ઉપલબ્ધ છે. તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ દર્દીઓની પૂરતી કાળજી લે છે. ભોજનખંડની શિસ્ત, પ્રેમાળ વાતાવરણ અને શુદ્ધતા ધ્યાન ખેંચે છે.
થેલેસેમિયા રોગથી પીડિત બાળકો માટે વિશેષ રૂમ બનાવાયો છે અને આવા બાળકો તથા વાલીઓને સંપૂર્ણપણે વિનામૂલ્યે સારવાર અપાય છે. પંચકર્મ તથા અન્ય સારવાર માટેની ફી પણ પ્રમાણમાં બહુ ઓછી અને દરેકને પરવડે એવી છે. અહીં આવતા પ્રત્યેક વ્યક્તિ સેવાની, સારવારની, પ્રસન્નતાની અને પ્રેમની અનુભૂતિથી તરબતર થાય છે. કંચન-હીરા આયુર્વેદિક હોસ્પિટલ વાસ્તવામાં શાંતિ અને પ્રસન્નતાનો, સેવા અને સરળતાનો પર્યાય બની રહી છેૉ
•••
સ્વાભાવિક છે કે આપણી આસપાસ સામાજિક-સેવાભાવી સંસ્થાઓ તો અનેક હોય છે, પરંતુ કેટલીક સંસ્થાઓ તેની કામગીરી, સ્ટાફની માનવતાવાદી વિચારધારા તથા દાતાઓ, ટ્રસ્ટીઓની શુભભાવનાને લીધે એની પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં વિશેષ શાખ ઊભી કરે છે.
આરોગ્ય ક્ષેત્રે આયુર્વેદ અને નિસર્ગોપચારની શૈલીનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. માણસ જેટલો વધુ પ્રકૃતિની નજીક રહે તેટલો તે વધુ સ્વચ્છ અને સ્વચ્છ રહે છે. આહાર, વિહાર અને નિંદ્રાની નિયમિતતા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ક્ષેત્રે જાગૃતિ ફેલાવનારી સંસ્થાઓ અને તેની સાથે જોડાયેલા લોકોના વાણી-વર્તનમાં સેવા અને આનંદ ભળે ત્યારે આપણી આસપાસ સેવાની જ્યોતિ પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.
ઃ લાઈટ હાઉસ ઃ
શરીરં હિ સત્વમનુવિધીયતે
સત્વં ચ શરીરમ્...
(જેવું મન હશે તેવું શરીર અને જેવું શરીર હશે તેવું મન થશે.)