‘હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી છૂટે છે - શબ્દ નહીં, પણ તાતી સંકલ્પશક્તિ. એના શબ્દો શબ્દો નથી, કાર્યો છે.’ મૂળ અંગ્રેજીનો ઉમાશંકર જોષીએ કરેલો આ અનુવાદ લખાયો છે કરમસદ ગુજરાતના ધરતીપુત્ર અને રાષ્ટ્રના એક સમયના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ માટે.
કુશાગ્ર બુદ્ધિ, નિર્ભયતા, દેશભક્તિ, સત્યની ઉપાસના અને ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમર્પણ જેવા ગુણો થકી સરદાર એમનો દેહ શાંત થયાના આટલા વરસે પણ હજુ પ્રત્યેક ભારતીયના હૃદયમાં હૃદયસ્થ છે.
ડો. રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ માટે લખે છે કે, ‘તેઓ માત્ર લડવૈયા તરીકે જ મહાન નહોતા, તેમણે જેટલું રચનાત્મક કામ કર્યું છે તેટલું બીજા કોઈએ કદાચ ભાગ્યે જ કર્યું હશે.’
સરદાર પટેલ કહેતા હતા કે ‘હું સમાજવાદ કે મૂડીવાદ કે કોઈ પણ વાદ સાથે કામ કરી શકું છું, માત્ર એક જ શરત કે મને કોઈ વટાવી ન ખાય. જો આજનો ધર્મ પાળીશું તો કાલનું કોકડું આપોઆપ ઉકલી જશે.’
સમાજજીવનના રાજકારણના અને સામાન્ય માણસના જીવનના પ્રશ્નો ઉકેલવાની સરદારની શક્તિ નોખી અને અપ્રતિમ હતી. આ શક્તિમાં પ્રજાને વિશ્વાસ હતો. એમના સત્યાગ્રહોમાં જોડાયેલા લોકો આ વાતની પ્રતિતી કરાવે છે. સરદારનું સૌથી મોટું પ્રદાન તે રાજ્યોના વિલીનીકરણનું હતું એ કુશળતાથી ભાવનાત્મક્તા સાથે કરાયું હતું.
દેશના રાજકારણમાં અને જાહેર જીવનમાં સરદારનું સ્થાન સન્માનપૂર્વકનું હતું અને એથી જેલવાસ દરમિયાન એમને ‘એ’ વર્ગ આપવામાં આવેલો તો પણ અન્ય સત્યાગ્રહીઓ સાથેના સમભાવને કારણે તેઓ ‘ક’ વર્ગનો ખોરાક લેતા હતા. નવોદિત રાષ્ટ્રની રચના સમયે એમના સમયસરના નિર્ણયોના કારણે દેશમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશ અને દુનિયાને મજબૂત નેતૃત્વ આપ્યું. એમના જીવનમાં હંમેશા દેશ પ્રથમ હતો, પોતાની વાત પછી આવતી. સાદાઈ અને પુરુષાર્થમય જીવન એમની ઓળખ હતા. ખેડૂત સમૃદ્ધ થાય, તો દેશ સમૃદ્ધ થાય એવી એમની આદર્શ પરિકલ્પના હતી. ભારતના બંધારણના ઘડતરમાં પણ એમનો ફાળો રહ્યો હતો. સંગઠન શક્તિના તેઓ હિમાયતી હતા અને એથી જ કહેતા કે ‘સંગઠન વિનાનું સંખ્યાબળ એ બળ નથી.’ સરદારના પ્રવચનો વાંચનારને ખ્યાલ આવશે કે એમાં વીરપુરુષની વાણી છે, નવચેતન પ્રગટાવતી ચેતનધારા છે, વિનોદ પણ છે, મજાક પણ છે ને શબ્દશક્તિ દ્વારા ઉજાગર થતી દેશભક્તિ પણ છે.
વિરાટ વ્યક્તિત્વ, વિરલ નેતૃત્વ આપનાર નેતા, નવભારતના શિલ્પી સરદાર પટેલ માત્ર ગુજરાતના નહીં, ભારત દેશનું ગૌરવ હતા, ગુજરાતની પ્રજાને તેજસ્વી જોવા ઈચ્છતા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગોને યાદ કરીએ, એમાંથી પ્રેરણા મેળવીએ, રાષ્ટ્રભક્તિના દીવડા પ્રગટાવીએ અને એમના વિચારોના અજવાળાંને ઝીલીએ.