સરળતા - સહજતાથી સંપન્ન ગુણીજન

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 06th July 2021 05:37 EDT
 

‘વાત જાણે એમ છેને કે અહીંથી અમદાવાદ સુધીની બાય રોડની મુસાફરીમાં તમે સુઈ જાવ, આરામ કરો, એ મને બહુ નહીં ગમે...’ આવી ઉલટી વાત કરીને આશીષભાઈ ઉમેરે છે કે, ‘બે સમાન રસ-રૂચિવાળા લોકોને સાથે જવાનું છે અમદાવાદ...’ અને મને અનાયાસ ચિત્રપટનો જાણે ખજાનો હાથ લાગી ગયો. એ વ્યક્તિ હતા અરવિંદ રાઠોડ, જેમનું તાજેતરમાં અવસાન થયું. વાત ૨૦૧૯ના આરંભની છે.
ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા ધરમપુર વિસ્તારમાં સમૂહ લગ્ન યોજાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકસમુદાયને સંબોધવા જે મહાનુભાવો ઉપસ્થિત હતા એમાંના એક હતા ગુજરાતી-હિન્દી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા શ્રી અરવિંદ રાઠોડ. પૂજ્ય શરદભાઈ અને એમના સુપુત્ર યુવાન કથાકાર શ્રી આશીષભાઈના પ્રેમને વશ થઈને હું પણ વક્તા તરીકે અમદાવાદથી ગયો હતો. સવારે ૯થી ૧૧ દરમિયાન ઉલ્લાસમય વાતાવરણમાં લગ્ન સમારોહ યોજાયા બાદ એ જ સ્થળે આશીર્વચન સમારોહ આયોજિત કરાયો હતો. શ્રી અરવિંદભાઈએ એમની આગવી શૈલીમાં સમગ્ર આયોજનને બિરદાવીને વરઘોડિયાંઓને આશીર્વાદ આપ્યા હતા.
પછીથી કારમાં આવતા હતા ત્યારે વલસાડ નજીક ધરમપુર ચોકડી પર વલસાડ સ્થિત સ્નેહી શ્રી હિંમતભાઈ શાહ મળવા આવ્યા સાથે નાસ્તો કર્યો અને પછી વાતો કરતાં કરતાં, ગીતો ગાતાં ગાતાં, ગીતો સાંભળતાં સાંભળતાં અમે અમદાવાદ આવ્યા. ગુજરાતી ચલચિત્રોના ગીતો મને ખૂબ ગમે, અનાયાસ મારી પાસે એ ગીતોની ઓડિયો સીડી હતી, જેમાં ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક હતા. એ ગીતો સાંભળીને અરવિંદભાઈ ખૂબ રાજી થયા ને ગુજરાતી ફિલ્મોના એ સુવર્ણયુગના સંસ્મરણો યાદ કર્યાં. મારી સાથે મારા દોસ્તો હિમાંશુ અને જસ્મીન હતા, તેઓ સહિત અમારા માટે એ પ્રવાસ યાદગાર બની રહ્યો. આખીયે ઘટનાના, સૂરીલા સંગાથના મૂળમાં જેઓ હતા એ આશીષભાઈનો પણ અમે હૃદયપૂર્વક આભાર માન્યો. જેમને અનેક વાર ફિલ્મોના પડદા પર નિહાળ્યા હોય એ જ કલાકાર આપણી સાથે હોય એનો આનંદ કંઈ નોખો જ હોય છે, એ અમે એ દિવસે અનુભવ્યો.
પહેલી જુલાઈ, ૨૦૨૧ના રોજ એમનું નિધન થયું. ગુજરાતી સ્ટેજ અને ફિલ્મો સાથે જોડાયેલા કેટલાયે કલાકારો અને કલાપ્રેમીઓએ એમને શ્રદ્ધાંજલિ આપી.
એમના પિતાનો વ્યવસાય દરજીકામનો હતો, પણ અરવિંદભાઈને સ્કૂલકાળથી જ અભિનયમાં વધુ રસ હતો. શાળા-કોલેજના સમયમાં તેઓ નાટ્યક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા અને અનેક ઈનામો પણ જીત્યા. એ પછીથી તેઓએ ગુજરાતી નાટ્યક્ષેત્રે પ્રવૃત્ત થયા બાદ મુંબઈ ગયા. અહીં આરંભે લાંબા સમય સુધી ફોટો જર્નાલીસ્ટ તરીકે કામ કર્યું. ફિલ્મોમાં સ્ટીલ ફોટોગ્રાફરનું મહત્ત્વનું પ્રદાન હોય છે, આ ક્ષેત્રે પણ તેઓએ સુંદર અને અસરકારક કામ કર્યું. રાજ કપૂરે ક્યાંક એમને જોયા, પછીથી તેમની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં એક નાનકડી ભૂમિકા આપી. આમ ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીનો આરંભ થયો.
અરવિંદ રાઠોડે અનેક હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કર્યા, જેમાં અમિતાભ બચ્ચનની ફિલ્મો ‘ખુદાગવાહ’ અને ‘અગ્નિપથ’ ઉપરાંત જાણીતી ફિલ્મ ‘કોરા કાગઝ’નો સમાવેશ થાય છે. ગુજરાતી ફિલ્મોની યાદી તો લાંબી છે, જેમાં બાબા રામદેવપીર, રાજા ગોપીચંદ, દીકરીના દેશો કોઈ પરદેશ, ભાદર તારા વહેતા પાણી, શેતલ તારા ઊંડા પાણી... વગેરેનું સ્મરણ થાય. ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયું’માં પણ અભિનય કર્યો હતો. ગુજરાતી નાટ્યક્ષેત્રે પણ એમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન રહ્યું હતું.
અમારી એ મુલાકાત ધરમપુરથી અમદાવાદ સુધીની રહી. થોડા કલાકારોનો એ પરિચય હંમેશ માટે યાદગાર બની રહ્યો. અરવિંદભાઈના સ્વભાવની સરળતા, સહજ વાતોમાંથી પ્રગટતી કોઠાસૂઝ અને રમૂજવૃત્તિના પ્રેમાળપણું અને સમાજજીવનના અવલોકન વગેરે અમે અનુભવ્યા. મારે એ દિવસે રાત્રે અમદાવાદના દીનદયાળ ઉપાધ્યાય હોલમાં એક કાર્યક્રમ હતો, રસ્તામાં ગાડી ખરાબ થઈ હતી. સમય ઓછો હતો તો એમણે કહ્યું કે ‘મારે તો ઘરે જ જવાનું છે, તમારે શો છે, પહેલાં તમે પહોંચો એ જરૂરી છે.’ આવી એમની સરળતા સાચ્ચે જ યાદ આવે છે.
અનાયાસ આવી રીતે જ્યારે જ્યારે કોઈ કલાકારને કે પોતાના ક્ષેત્રના ગુણીજનને મળવાનું થાય ત્યારે વીતાવેલી પળો એમના ગયા બાદ સ્મરણમાં રહી જાય છે ને યાદોના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter