ઘરમાં ડોરબેલ રણકી. સ્તુતિએ બારણું ખોલ્યું. કુરિયર સર્વિસમાં આવેલી ટપાલ વાંચીને અને બોલી ઊઠી, ‘અરે વાહ, ડેડીને મનગમતું આમંત્રણ મળ્યું છે.’ એની બહેનપણી બોલી, ‘અંકલ ફરી વિદેશ જવાના?’ જવાબમાં સ્તુતિએ કહ્યું, ‘વિદેશ જવાના નિમંત્રણ તો વર્ષમાં અનેકવાર આવે, આ તો વર્ષમાં એક જ વાર યોજાતા અસ્મિતા પર્વનું આમંત્રણ છે.’
અસ્મિતા પર્વ.
પૂ. મોરારિબાપુની પ્રેરણા અને માર્ગદર્શન સાથે ૧૯૯૮થી આરંભાયેલા અસ્મિતા પર્વના પહેલા ચરણમાં પૂ. બાપુએ કહ્યું હતું કે ‘ગુજરાત સાહિત્ય જગતનું સત્ અહીં બેઠું છે, આવા મંગળ પ્રસંગે આનંદ અનુભવું છું.’ ૧૯મા અસ્મિતા પર્વ આરંભની ક્ષણો નજીક છે ત્યારે એમાં સહભાગી થનાર સહુનો અનુભવ છે કે આ આનંદ પ્રત્યેક ભાવક સુધી પહોંચ્યો છે અને સતત સંવર્ધિત થતો રહ્યો છે.
એક સમયે પ્રાથમિક શાળાના શિક્ષક પૂ. મોરારિબાપુ હવે લાખ્ખો શ્રોતાઓ માટે સાચા અર્થમાં લોકશિક્ષક બની રહ્યા છે. તુલસીદાસજી રચિત રામચરિત માનસના કથાપ્રવાહમાં તેઓ સતત દુહા-છંદ-લોકગીતો-હિન્દી-ઉર્દૂ તથા ગુજરાતી ભાષાની કાવ્યપંક્તિઓ સંભળાવતા રહ્યા, ચોપાઈઓ તથા ગીતોનું ગાન કરતા રહ્યા. શબ્દ અને સૂર સાથેના લગાવના પરિણામે જ ૧૯૭૦ના દાયકામાં મહુવામાં ધનતેરસના દિવસે સંગીતના કાર્યક્રમોનું આયોજન કરાતું હતું. અસ્મિતા પર્વના સંયોજક શ્રી હરિશ્ચંદ્ર જોશી સંભારણા યાદ કરતા કહે છે, ‘૧૯૭૭માં મહુવામાં ઉસ્તાદ સુલતાન ખાન અને રાસબિહારી દેસાઈ તથા વિભાબહેન દેસાઈના ગાયન-વાદનનો કાર્યક્રમ થયો હતો.’
૧૯૭૮ના વર્ષમાં હનુમાન જયંતિના અવસરે શાસ્ત્રીય સંગીતના કલાકાર તનીમા ઠાકુરનો કાર્યક્રમ થયો અને પછી તો વિશ્વપ્રસિદ્ધ એવા ગાયન-વાદન-નૃત્યના સિદ્ધ અને પ્રસિદ્ધ કલાકારો પૂ. બાપુના ભાવભર્યા નિમંત્રણથી તલગાજરડા આવીને હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં એમની કલા પીરસતા રહ્યા. શ્રોતાઓ માટે ચૈત્ર મહિનાની આ સૂરમયી રાત્રિ જીવનભરના મીઠા સંભારણા બની રહી છે.
૧૯૯૮ના વર્ષથી મહુવાની માલણ નદીના કાંઠે કૈલાસ ગુરુકૂળના પરિસરમાં હનુમાન જયંતિના પર્વ નિમિત્તે શરૂ કરાયું અસ્મિતા પર્વ. હવે ગુજરાતી જ નહીં, અન્ય ભારતીય ભાષાઓ તથા વિશ્વ સાહિત્ય અને એ જ રીતે લોકકલા - લોકનૃત્ય - ગાયન - વાદન - ચિત્ર - અભિનય જેવી કલાના માધ્યમો પર અહીં ચર્ચા થતી રહી છે. તમામ દિવસો દરમિયાન પૂ. મોરારિબાપુ શ્રોતા તરીકે આસન લઈને નીવડેલા અને નવા એમ બંને સર્જકોની કલાને જિજ્ઞાસાથી સાંભળે છે, નિહાળે છે અને યોગ્ય ક્ષણે દાદ પણ આપે છે. અસ્મિતા પર્વના સંયોજક, જાણીતા કવિ ડો. વિનોદ જોશી કહે છે, ‘અહીં સંગીત - નૃત્ય - નાટ્ય ખીલે છે અને શબ્દ ખુલે છે.’ વક્તવ્યોને હસ્તપ્રત અને પછી પુસ્તકરૂપે ‘વાક્ધારા’ રૂપે રજૂ કરાયા છે અને હવે તો ‘આસ્થા’ ટીવી ચેનલના માધ્યમથી પણ ભાવકો માણી રહ્યા છે અસ્મિતા પર્વને.
•••
જ્ઞાન અને મર્મયજ્ઞના પ્રણેતા પૂ. મોરારિબાપુની મૌન ઉપસ્થિતિમાં આનંદની લહેરો પ્રસરાવી રહ્યું છે અસ્મિતા પર્વ. હનુમાન જયંતિના પર્વ પ્રસંગે તલગાજરડા જવાનું સદભાગ્ય છેલ્લા ૩૫ વર્ષોથી મને પણ મળ્યું છે. ભાંગતી રાત્રે, શીતલહર સંગાથે વહેતા શબ્દ અને સૂર સાંભળવાથી શ્રોતા તરીકેનું ઘડતર થયું છે જેના કારણે કલાકાર તરીકેની પ્રસ્તુતિના સમયે મને વિવેક અને સભરતાનો અનુભવ થાય છે. ‘બુદ્ધિમતામ્ વરિષ્ઠમ્’ હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં, કૈલાસ ગુરુકૂળ મહુવામાં પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાતું અસ્મિતા પર્વ ભાવકો-શ્રોતાઓ માટે સંવેદના અને સમજણના દીવડા પ્રગટાવનારું બની રહ્યું છે. મા સરસ્વતીની સાખે સારસ્વતોના શબ્દ સૂર-કલાના માધ્યમો થકી પ્રસરે છે અને અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
સાંયાજી, મારી આંખોને પરસો જરી,
અઘરી કંઈ જીવતરની ભાષા ઉકેલવી,
અજવાળાં આંજો હરિ!....
- હરિશ્ચંદ્ર જોશી
------------------------------------------------------------------------------------------------------------
(લેખક ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ક્ષેત્રે લેખનથી માંડીને
ફિલ્મમેકિંગનો બહોળો અનુભવ ધરાવતા લેખક સ્ટેજ કાર્યક્રમોના સંચાલક તરીકે પણ જાણીતા છે.)