‘મને આજે ખૂબ જ ગર્વ થાય છે, જે વિચાર તમે અમલી બનાવ્યો છે તે ઘણો જ આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે.’
આ શબ્દો લંડનના ઈલફર્ડ વિસ્તારમાં યોજાયેલા એક સામાજિક પ્રસંગે ભારતથી પધારેલા ટ્રાઈડન્ટ ઈન્ડિયાના ચેરમેન શ્રી જતીનભાઈ પારેખે કહ્યા ત્યારે અહીં ઉપસ્થિત કમલ રાવના હૈયામાં પાંચેક વર્ષ પહેલાંની ઘટનાના સ્મરણો મહોરી ઊઠ્યાં.
ગુજરાત સમાચારની લંડન ઓફિસમાં એડિટર સી. બી. પટેલ એ દિવસ કાંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ન્યૂઝ એડિટર કમલ રાવ એમની ચેમ્બરમાં પ્રવેશ્યા. સી. બી.ના મૌનને સમજીને એ પણ મૌન રહ્યા. થોડી વારે સી. બી.એ કહ્યું, ‘કમલભાઈ, આપણે આમનું કાંઈક કરવું જોઈએ.’ આગળ પાછળનો સંદર્ભ ખ્યાલમાં નહોતો એટલે જ્યારે વિગતે માહિતી મેળવી ત્યારે સી. બી.ના હૈયામાં ઉમટેલી સંવેદનાનો દરિયો એમને પણ ભીંજવી ગયો.
વાત જાણે એમ બની હતી કે હમણાં હમણાંના સમયમાં સી. બી.ને જ્યારે જ્યારે વ્યક્તિગત કે સામૂહિક રીતે બ્રિટનના વડીલો મળતા ત્યારે એમના માટે પરિવારના સભ્યો સમય નથી ફાળવી શકતા તેની પીડા વ્યક્ત થતી રહી હતી.
સી. બી.ની નજર સામે પોતાના વતન ચરોતર સહિતના ગુજરાતના ગામડાં કે શહેરનાં દૃશ્યો આવી ગયા જ્યાં સોસાયટીના બાંકડે, મંદિરે કે બગીચામાં બેઠેલા વડીલને રોજ પાંચ-પચ્ચીસ માણસો ‘કેમ છો કાકા?’, ‘જય શ્રીકૃષ્ણ માસી,’ ‘દાદા ચોકલેટ તો આપો’ જેવા સંવાદો સાથે હૂંફની ભીનાશ પણ આપી જતા હતા.
ચાર દાયકા કરતા વધુ સમયના પત્રકારત્વ અને જાહેરજીવનના સંપર્કો દરમિયાન એમણે એ નોંધ્યું હતું કે સતત દોડધામના કારણે વ્યસ્ત રહેતા સંતાનો એમના માતા-પિતા માટે સમય ફાળવી શકતા ન હતા. સામા પક્ષે યુવાન માતા-પિતા પણ કેટલીક વાર પોતાના બાળકો માટે સમય આપી શકતા ન હતા.
‘દોસ્ત, આપણે જ આરંભ કરીએ, જ્યાં જ્યાં જે જે ઘરોમાં વડીલોને માન-સન્માન મળે છે ત્યાં ત્યાં આપણે પહોંચીએ, સારપનું સન્માન કરીએ.’ સી. બી.એ કહ્યું અને એમના આ ઉમદા વિચારને અમલમાં મૂકીને ૨૦૧૧માં પ્રથમવાર હેરોના સંગત સેન્ટરમાં વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજાયો. એ પછી અન્ય શહેરોમાં પણ આવા કાર્યક્રમો યોજાયા જે પૈકીનો એક ઈલફર્ડમાં પણ યોજાયો હતો.
આયોજકો જ્યારે વડીલોની ખુરશી સુધી જાય છે, તેમની ભાવપૂર્વક આરતી ઉતારે છે, તેમને આદર-સન્માન આપે છે ત્યારે વડીલોની આંખોમાં પ્રેમના આંસુ ઝળકી જાય છે. જેમના હસ્તે સન્માન થયા એ પૈકીના એક શ્રી પ્રમોદભાઇ ઠક્કર કહે છે કે, ‘આપણા જીવનમાં માતા-પિતાના યોગદાનને ક્યારેય ભુલી શકાય નહીં.’ વયોવૃદ્ધ માતાની સેવા કરનાર સૂર્યકલાબહેન, માતાની સેવા કરનાર દંપતી પ્રભાકાંતભાઈ અને કાંતાબહેન, સાસુ-સસરાની સેવા કરનાર ભાવનાબહેન અને સંજયભાઈ તથા બિમાર પુત્રની સેવા કરનાર દિલીપભાઇ શાહ અને પન્નાબહેન શાહના જેવા ૫૬ જેટલા વ્યક્તિત્ત્વોનું સન્માન થયું ત્યારે એ ઘટનાના સાક્ષી એવા સહુ કોઈના હૈયામાં એક જ ભાવ હતો કે સમાજજીવનમાં જ્યાં જ્યાં સારપ દેખાય ત્યાં ત્યાં યોગ્ય સમયે એનું સન્માન થવું જ જોઈએ.
•••
બાળકોના સપનાં પૂરા કરવા માટે પોતાના સપનાની સવાર નહીં જોનારા માતા-પિતાને માન-સન્માન અને સમય આપવા એ પ્રત્યેક સંતાનની જવાબદારી અને ફરજ છે. શ્રવણ બનીને આવા મા-બાપની સેવા કરનારા સંતાનોનું સન્માન કરવું એ સમાજની ફરજ છે. માણસ વૃદ્ધ થાય ત્યારે એના જન્મદિવસે કે લગ્નદિવસે મેળાવડો થાય, સહુ એને શુભકામના આપે ત્યારે એમની આંખોનો આનંદ એમના રાજીપાને વ્યક્ત કરે છે. વડીલોને સમય આપવો એ કદાચ આજના સમયની સૌથી વધુ મોટી જરૂરિયાત છે. વડીલોને સમય અપાય, તેમનું સન્માન થાય ત્યારે આસપાસ બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા હોય એવું અજવાળું ફેલાય છે.
લાઈટ હાઉસ
મા-બાપ જબ અપને સાથ હોતે હૈ,
દુનિયા કે સબ ખિલૌને અપને હોતે હૈ.