સાહસિકતાની સાથે સાત્વિક્તાનો ઉદારતાનો સમન્વય

તુષાર જોષી Monday 20th November 2017 05:11 EST
 

‘એવોર્ડ મને મળે છે. મારા ઝભ્ભાને નહીં.’ ધરમશી બાપાએ મારી માતાને એ સમયે કહ્યું હતું. મસ્કતના ખુશનુમા વાતાવરણમાં મિત્ર હેમંત સુરૈયા સાથે અમે અશ્વિનભાઈ ધરમશીના ભવનમાં બેઠા હતા અને તેઓ એમના પિતાજીના સ્મરણો યાદ કરી રહ્યા હતા.

ઓમાનના વર્તમાન રાજા સુલતાન સાહેબના પરોપકારી અને વાત્સલ્યમયી શાસનમાં આજે ગુજરાતી પરિવારો વ્યાપાર-વણજ-ધર્મ-સંસ્કૃતિ સાચવીને આનંદમય જીવન ગુજારી રહ્યા છે. વાત છે અહીંની વિશ્વસ્તરે જાણીતી પેઢી ધરમશી નેણશી પરિવારની.
મૂળ કચ્છ-માંડવીના નેણશીભાઈ અને ગોકીબાઈના પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરીનો પરિવાર... નેણશીભાઈ બહુ નાની ઊંમરે એ સમયે મસ્કત આવ્યા હતા, પરંતુ માત્ર ૩૫ વર્ષની વયે ડિહાઈડ્રેશનની બીમારીથી મૃત્યુ પામ્યા. પરિવાર પર વજ્રાઘાત થયો. મોટા દીકરા ધરમશીભાઈએ માત્ર ૧૩ વર્ષની ઊંમરે ઘરની જવાબદારી ઊઠાવવાની આવી અને તેઓ વાયા મુંબઈ થઈને ૧૯૨૪માં મસ્કત આવ્યા. બહુ ટૂંકા પગારે નોકરી કરીને પણ બે પૈસા બચાવ્યા ને બે વરસે માંડવી પરત આવ્યા. એમના લગ્ન થયા જમનાબહેન સાથે.
પરિવાર સાથે મસ્કત આવ્યા. પરિશ્રમ-પુરુષાર્થ અને પ્રેમની મૂડી સાથે પેઢી શરૂ કરી. સફળ થઈને માનવતાના કાર્યો કરવાનો સંકલ્પ કર્યો. ધરમશીભાઈની નિકટતા તે સમયના સુલતાન સાહેબના પરિવાર સાથે થઈ. એમને ધરમશીભાઈની વફાદારી અને સરળતા સ્પર્શી ગયા.
સંભારણાઓને સહજપણે યાદ કરી રહેલા અશ્વિનભાઈની વાતોમાં સુલતાન સાહેબના પરિવાર માટેનો આદર અને આજે પણ એ સંબંધો સચવાયાનું ગૌરવ તથા આનંદ અભિવ્યક્ત થતા અનુભવાય છે.
ધરમશીભાઈ ટોપરાણીના પરિવારમાં છ બાળકોનો જન્મ થયો. ઠાકોરજીની કૃપાથી શિક્ષણ-સંસ્કાર અને સમૃદ્ધિ વધતાં જ રહ્યા. પત્ની જમનાબહેનના ઊમળકા સાથે સામાજિક-ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાતા રહ્યા અને ઉદારતાથી સખાવતો પણ કરતા રહ્યા. ઓછામાં ઓછી જરૂરિયાતો અને સાદગીપૂર્ણ એમનું જીવન હતું.
ઓમાનનું રાજવી પરિવાર ધરમશી બાપાને વડીલ તરીકે ખુબ જ આદર આપતું હતું. ૧૯૮૬માં સુલતાન સાહેબે ધરમશી બાપાને વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરવાનું નક્કી કર્યું. સન્માનનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સવારે અશ્વિનભાઈ અને એમના ભાઈ બિપીનભાઈએ પિતાજીને પૂર્ણ વિવેક સાથે આગ્રહભરી વિનંતી કરીઃ ‘બાપુજી, આજે આપને સુલતાન સાહેબના હસ્તે એવોર્ડ મળવાનો છે. તો આ જુનો ઝભ્ભો બદલીને નવો ઝભ્ભો પહેરોને!’ જવાબમાં પિતાજીએ કહ્યું, ‘કેમ... આ સ્વચ્છ અને સુઘડ જુના ઝભ્ભામાં શું વાંધો છે?’ બંને ભાઈઓ પાસે કોઈ જવાબ નહોતો. પહોંચ્યા બા પાસે, કહ્યું, ‘બા, તમારી વાત માનશે, તમે સમજાવોને!’ જીવનના પાંચ દાયકા પતિ સાથે વિતાવનાર પત્નીને ખબર હતી, નહીં માને પરંતુ છોકરાઓનું મન રાખવા એમણે રજૂઆત કરી, ‘આ છોકરાવ સાચું કહે છે હોં!’ને જવાબમાં લેખના આરંભે લખેલું વાક્ય ધરમશી બાપાએ કહ્યું... ને ઉમેર્યું, ‘છોકરાવ સાચું જ કહે છે પણ સુલતાન સાહેબ મારી સેવા અને વફાદારીને એવોર્ડ આપે છે, માટે આ ઝભ્ભો કોઈ જરૂરિયાતમંદ ગરીબને આપજો એને કામ લાગશે.’
જવાબ સાંભળીને પત્ની રાજી હતાં આવા આદર્શ પતિ મળવા માટે અને બંને દીકરાઓને ગૌરવ હતું સાદગીના ભેખધારી અને ઉદારતાના સમ્રાટ એવા પિતાજી માટે. અમે પણ મનોમન વંદન કર્યા ધરમશી બાપાના વ્યક્તિત્વને.

•••

૨૦૦૧ના વર્ષથી આ પરિવારના અશ્વિનભાઈ સાથે પારિવારિક ઘરોબો અને સત્સંગ રહ્યો છે. ધરમશી બાપાએ સાહસિક, સાત્વિક, અને સત્સંગી વ્યક્તિત્વની છાપ સમાજમાં મૂકી છે. રાજવી પરિવાર સાથેના સંબંધો અને સેવામાં તેઓ નિર્લેપ રહી શક્યા છે. ઓમાનમાં અને કચ્છ-માંડવીમાં વ્યક્તિત્વની શાખ પૂરે છે.
ધરમશી બાપાના વિવેક-નમ્રતા-સાદગી અને દાતારીના સંસ્કારોને એમના સંતાનોએ સાચવ્યા છે. મસ્કતના કૃષ્ણંદિરમાં દર્શન કરતા અશ્વિનભાઈ આટલા મોટા ધનપતિ છે એની ખબર કોઈને પણ ન પડે એટલા એ સરળ છે. એમના ધર્મપત્ની દિવ્યાબહેન પણ અત્યંત સહજ, સરળ અને નિરાભિમાની છે. અશ્વિનભાઈએ ઠાકોરજી પ્રત્યેની આસ્થાથી ઘરમાં જ હવેલી જેવું મંદિર બનાવ્યું છે ને નાથદ્વારા-ગોકુળ-મથુરા-દ્વારિકા તેમજ બેટ દ્વારિકામાં અન્નક્ષેત્રો-ધર્મશાળાઓ વગેરેમાં દાન આપતા રહ્યા છે.
આવા વ્યક્તિત્વો અને પરિવાર થકી સમાજજીવનમાં પ્રેરણાના દીવડા પ્રગટે છે ને અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

ધરમ વધે તો ધન વધે
ધન વધે મન વધી જાય
મન વધે તો માન વધે
બધું વધત વધત વધ જાય


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter