સુખ-આનંદ આપણે અંદર-બહાર સર્વત્ર પામી શકીએ, પણ જો તેને પામવાની તરસ જાગૃત કરીએ તો...

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 21st March 2022 05:45 EDT
 

હમણાં પારિવારિક સ્વજન નીલેશ શાહ સાથે વાતો કરતો હતો, એમણે વાતવાતમાં કહ્યું કે ‘અમારા એક ડોક્ટર મિત્ર છે. અહીં વલસાડમાં, એક વાર તેમની સાથે પ્રાકૃતિક વાતાવરણમાં ટ્રેકિંગ કરતો હતો અને એમણે સુખના સરનામાની બહુ સરસ વાત કરી.’ નીલેશે જે વાત કહી એના સુધી જતાં પહેલાં સુખની અનુભૂતિ પણ અનુભવીએ (અહીં વાત કરીએ એવું મેં સમજીને નથી લખ્યું કારણ કે સુખ એ વાતોનો નહીં અનુભવનો પ્રદેશ છે.)

સુખ મેળવવાની ઝંખના માણસના જન્મ સાથે જ આપણા અસ્તિત્વ સાથે જોડાઈ જાય છે. બાળકના જન્મ સમયે માને ‘મા’ બનવાનું જે સુખ પ્રાપ્ત થાય છે એ પરમ સુખની જ અનુભૂતિ હશે! બાળક ધીમે ધીમે વિકસતું જાય, એના વ્યક્તિત્વમાં રોજ નવી વાતો ડેવલપ થતી જાય, એની નાની નાની હિલચાલ જે પહેલી વાર હોય, માતા-પિતાને અને પરિવારને સુખ આપે.
ત્યાંથી શરૂ કરીને માણસના અસ્તિત્વમાં છેક વૃદ્ધાવસ્થા સુધી સુખની અનુભૂતિ છવાયેલી છે. માણસ ઊંમરના જુદા જુદા તબક્કે જુદી જુદી દિશાઓમાં જુદી જુદી વિદ્યાઓમાં અને જુદા જુદા વ્યક્તિત્વોમાં સુખ શોધ્યા કરે છે, સુખ પામવાની કોશિષમાં ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક મળતી નિષ્ફળતા વળી દુઃખને નોતરે છે. એ દુઃખમાંથી બચવાના ઉપાયરૂપે ફરી શરૂ થાય છે સુખની શોધ.
ડો. શ્યામલ મુન્શીની ખુબ જાણીતી રચનાના શબ્દોનું સહજ સ્મરણ થાય...
સુખનું સરનામું આપો,
જીવનના કોઈ એક પાના પર એનો નક્શો છાપો...
છે કોઈની પાસે સુખનું સરનામું? ને મળે તો સુખ ક્યાં મળે છે? કેટલા ભાવે મળે છે?
અહીં વાત સંધાય છે ફરી નીલેશના ડોક્ટર મિત્રએ કહેલી વાત સુધી. એમણે કહ્યું હતું કે માણસને જો વાસ્તવમાં સુખી થવું હોય તો બહુ બધી વસ્તુઓ વિનામૂલ્યે મળે છે. એક રૂપિયો પણ ખર્ચ કર્યા વિના તમે ને હું સુખની અનુભૂતિ કરી શકીએ. જેમ કે, સહજ પ્રેમ પામીને અને આપીને સુખ-દુઃખ વહેંચીને, હસતા રહીને અને એકબીજાને હસાવીને, ઘરની જ આસપાસના વાતાવરણમાં સવારે ને સાંજે પંખીઓના મધુર કલરવમાંથી સંગીત પામીને, ફાગણના ફુલગુલાબી પવનને અને શ્રાવણના સરવડાંને ઝીલીને, બાળકની આંખોમાં રહેલા અચરજના ઐશ્વર્યને પામીને... ગણવા બેસો તો અગણિત જગ્યાએથી આપણે એકે રૂપિયો ખર્ચ કર્યા વિના સુખ પ્રાપ્ત થઈ શકે છે.
એ જ વાતચીતમાં વળી વાત થઈ કે હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 136મું છે, તો નીલેશે પોતાનો વિચાર રજૂ કરતાં કહ્યું કે ‘હેપ્પીનેસ’ આમ તો મેળવી જ શકાય નહીં અને માપવાના માપદંડો પણ અલગ અલગ હોઈ શકે. કેટલાક માત્ર આપીને જ રાજી થાય ને કેટલાક આર્થિક ફાયદો છોડીને પણ રાજી થાય. એ હેપ્પીનેસને કેમ કરીને માપશો?
આખરે સુખી થવું, રાજી રહેવું એ વ્યક્તિની પોતીકી નિસ્બતની વાત છે. સમયે સમયે એ બદલાતી પણ રહે છે. કોઈ આપણને પ્રેમ કરે છે અને આપણે કોઈને પ્રેમ કરીએ છીએ એ જો અનુભૂતિ હોય તો એનાથી વધુ ઉત્તમ આનંદ દુનિયામાં બીજો કયો હોઈ શકે? આપણી જ્યાં શ્રદ્ધા હોય એ સ્થળે આપણા સદગુરુના કે શ્રદ્ધેય કે પ્રિય વ્યક્તિના સાન્નિધ્યમાં સાવ સહજપણે વર્ણન ન થઈ શકે એવો આનંદ અનુભવાય તો એનાથી મોટું સુખ બીજું કયું હોઈ શકે?
ક્યારેક છોડીને પણ પામવાનો આનંદ હોય છે. વ્યક્તિગત અનુભવની વાત કરું તો હમણાં એક સંસ્થાના કાર્યક્રમમાં મારે સાવ સામાન્ય શ્રોતારૂપે જ જવાનું હતું. લાંબા સમયથી એ તારીખમાં કોઈ કામ ન સ્વીકારવું એવું નક્કી કર્યું હતું. હવે એ દિવસે મને બે કાર્યક્રમોના સંચાલન માટે નિમંત્રણ મળ્યું, પરંતુ મારે એ દિવસે જ્યાં મારો દાયકાઓનો સંબંધ છે એ SGVP ગુરુકૂળના ભાવવંદના પર્વમાં જવું હતું તો માનભેર બંને આયોજકોને ના પાડી. અર્થ અને અર્ક એ કે ભૌતિકરૂપે પ્રાપ્ત થનારા પૈસા કરતાં વધુ મહત્ત્વ મારા માટે મારી શ્રદ્ધા અને મારા સંબંધોનું હતું એટલે કશુંક છોડીને પણ મને અનહદ આનંદ મળ્યો.
ફરી વાત એ જ કે સુખ-રાજીપો-આનંદ આપણે આપણા અંદર-બહાર સર્વત્ર પામી શકીએ એમ છીએ. જરૂર હોય છે એને પામવા માટેની તરસ જાગૃત કરવાની, જરૂર હોય છે એક દીવડો સમજણનો પ્રગટાવવાની. આવું જો થાય અને જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે સુખના ને આનંદના અજવાળાનો આપણને અનુભવ થાય જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter