એમની સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાતનું સ્મરણ લઈ જાય છે વર્ષ 1994ના ઓગસ્ટ મહિનામાં. ભાવનગરના ‘માધુરી ગ્રુપ’ને પુરુષોત્તમ ઉપાધ્યાય, નિરંજન મહેતા, કાંતિભાઈ મહેતાની સ્વરગુર્જરી સંસ્થાએ મુંબઈના તેજપાલ સભાગૃહમાં કાર્યક્રમ માટે નિમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમ આરંભે સાવ નવોદિત કલાકારો - ભાવનગરની ભૂમિ અને સુગમ સંગીતને વધાવતા મુંબઈના સંગીતપ્રેમીઓની વાત સાથે એમણે અમારો પરિચય કરાવ્યો હતો.
હા... મુંબઈમાં કાર્યક્રમની પ્રથમવાર પ્રસ્તુતિ હોય અને જેમનો અવાજ નિયમિત સાંભળ્યો હોય, સુગમ સંગીત-મુશાયરા-સભા સંચાલનમાં જેમની પ્રસ્તુતિની મન પર મનોહર અસર હોય એ જ વ્યક્તિ નામે સુરેન ઠાકર ‘મેહુલ’ નવોદિત કાર્યક્રમ સંચાલક અને તમામ ગાયકોને પ્રસ્તુત કરે એ આનંદ જ કેવો અવર્ણનીય હોય! એ સમયની મુલાકાતે એમના આશીર્વાદ મેળવવાની ઘનિષ્ટતા આપી. રૂબરૂ મળવાનું ઓછું થાય, પરંતુ ફોન પર વાત થયા કરે... એમનો સ્નેહ વરસ્યા કરે અને હું એને ઝીલ્યા કરું.
પ્રેમાળ વ્યક્તિત્વ - ઋજુ માણસ. ગુજરાતી ગઝલ અને ગીત તો ઠીક લોકસાહિત્યમાં પણ સમત્વ સાથે કાવ્યસર્જન કર્યું છે ‘મેહુલ’ સુરેશ ઠાકરે. એમના કાવ્યસંગ્રહો ‘પ્રાગડ’, ‘વાયરો ડોલર વન’, ‘સાથ’ તથા અન્યમાં એમનું કાવ્યતત્વ ને શબ્દતત્વ સમાયા છે.
એમણે 1998માં મને એમનો કાવ્યસંગ્રહ ‘અશ્રુપર્વ’ જે વિજય મહેતા, વિશાલ પબ્લિકેશને પ્રકાશિત કર્યો છે એ એમના હસ્તાક્ષર સાથે ભેટ આપ્યો હતો. એમાં તેઓ લખે છે....
અમે તો અનલહક ખય્યામી ખુમીર
અમારી સનાતન તરસ કેમ છીપે?
અમે મીર મન્સૂરના શબ્દલોકે
મળેલી ખુદાઈ કલમ લઈને આવ્યા.
‘મેહુલ’ લોક અને શ્લોકના, હિન્દી અને ઉર્દુના અભ્યાસી હતા એટલે એમની કાવ્યરચનાઓમાં અને એમના કાર્યક્રમ સંચાલનોમાં અદભૂત એવી બળકટતા સાવ સહજ રીતે આવતી. સંચાલન કરવા બેસે તો વાતનો ઉઘાડ એવો સહજ અને છતાં અસરદાર કરે કે શ્રોતા એમની વાતોમાં એમની સાથે જાણે ચાલતો જાય. એક ગઝલમાં એ વિસ્યમથી પેલે પાર જોવાની વાત આમ લખે છે.
‘તું સ્વયં નદી છે કે તું સ્વયં સરોવર છે,
એટલું કહી દે ને,
પાંગળો પ્રવાસી છું ક્યારનો હું
વિસ્મયની પેલે પાર જોઉં છું.
માણસના જીવનમાં પ્રેમ થકી જે પીડા આવે છે એનું આલેખન કરતાં એક ગઝલમાં ‘મેહુલ’ લખે છે.
એક રણમાંથી વહ્યાનું દુઃખ છે,
લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે,
હાડ હેમાળે ગાળ્યાનું દુઃખ નથી.
પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે
હાથ ફેલાવી લીધા ઓવારણાં
ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે
કવિ ભાગ્યેશ જહાએ ‘મેહુલ’ને અંજલિ આપતાં લખ્યું છે કે ‘આ કવિ વરસતા કવિ હતા, ફોટોગ્રાફીક મેમરી હતી એમની, એમનો શબ્દ ભાવકની ભાવક ભૂમિમાં ઝીલાઈ જતો.’ આ શબ્દોની અનુભૂતિ મારા જેવા અનેક શ્રોતાઓએ કરી છે. મેહુલભાઈ સ્ટેજ પરથી વાત કરે કે ફોન પર વાત કરે એ જ ઠરેલ વ્યક્તિત્વનો, ઠહેરાવ સાથેના શબ્દનો ભીંજવતા વરસાદનો અનુભવ થાય. એમને રૂબરૂ મળ્યો એ પહેલાં એમના કાર્યક્રમોની ઓડિયો-વીડિયો પ્રસ્તુતિ સાંભળીને કાર્યક્રમ સંચાલનની કેડીએ પા-પા પગલી માંડતાં હું શીખ્યો. એ પછી એમનો પ્રેમ પામ્યો એ મારું સદ્ભાગ્ય. પાંચેક વર્ષ પહેલાં એમના ગામ પેઢામલીમાં એક પ્રાકૃતિક ઉપચાર કેન્દ્રના ઉદ્ઘાટનમાં કાર્યક્રમ સંચાલન માટે જવા કહ્યું ને સાધિકાર ભાવે મને ‘તું સરસ કામ કરે છે’ એમ કહ્યું એ શબ્દો આજેય સ્મરણમાં છે.
સુરેશ ઠાકર ‘મેહુલ’ આપણી ગુજરાતી ભાષાને રળિયાત કરીને ગયા છે. ફિલ્મોમાં ગીતો લખ્યા, ઐતિહાસિક નાટકો અને નૃત્યનાટિકામાં પણ લેખન કર્યું.
કવિ હિતેન આનંદપરા લખે છેઃ ‘એમની સાથે હોઈએ ત્યારે કોઈ મોટા સર્જકનો ભાર ના વર્તાય. એમ જ લાગે આ તો આપણો બાપ આપણી સાથે છે જે આપણને લટાર મરાવી રહ્યો છે.’ આ સરળતાનો મને પણ અનુભવ થયો છે. એમના શબ્દોમાં સરળતા ને તરલતા હતી, સહજતા ને આત્મીયતા હતા અને એટલે જ એ સહુને પોતીકા લાગતા હતા.
આપણી પ્રાચીન ભજન પરંપરા, આદ્યશક્તિ માની આરાધનાની સ્તુતિ-સ્તોત્ર ને ગરબા, લોકસાહિત્ય અને ગ્રામ્યજીવનના પ્રસંગો એમની પાસેથી સાંભળવા એ ય જેમણે જેમણે સાંભળ્યા એમને માટે લ્હાવો હતો કારણ કે ‘મેહુલ’ભાઈને આનો લગાવ હતો.
કવિ-સંચાલક સુરેન ઠાકર ‘મેહુલ’ હવે શરીરથી આપણી સાથે નથી, પરંતુ એમના શબ્દો અને સ્મરણો અજવાળાં પાથરતાં રહેશે. એમણે જ લખ્યું છે, ‘વ્હેલા ઉઘાડનો ટહુકો વેચીને અમે ખોળિયાને અજવાળું દીધું.’