‘પાંચ પાંચ પેઢીથી એમના ગીતો ગવાયા છે ને હજુ પણ ગવાશે...’
‘એમણે લખેલા ૧૧ હજારથી વધુ ગીતો ગુજરાતી ભાષાનો અણમોલ ખજાનો છે...’
‘ગીત અને ગરબાનું વર્તુળ મોટું થતું રહેશે, પણ કેન્દ્રમાં હંમેશા રહેશે એમના ગીતો અને ગરબા...’
મોટાભાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પૂરો થાય એટલે નીવડેલા અને યુવાન, એમ બંને શ્રોતાઓના મુખેથી એક વ્યક્તિત્વ માટે ક્યાંકને ક્યાંક આવા અર્થના વાક્યો નીકળી પડે, એ વ્યક્તિત્વ એટલે શ્રી અવિનાશ વ્યાસ. ગીતકાર-સંગીતકાર તરીકે બેવડી ભૂમિકા અદા કરીને લોકહૃદયમાં સ્થાન કાયમ કરનાર તેઓ એક વિરલ વ્યક્તિત્વ હતા.
ગુજરાતી ગીત-સંગીત ક્ષેત્રે ગુજરાતને ગાતું કરનાર, સમગ્ર વિશ્વના ગુજરાતીઓને ગુજરાતી શબ્દ અને સંગીતના તાલે ડોલતાં કરતાં પરમ આદરણીય વ્યક્તિત્વ એટલે અવિનાશ વ્યાસ. શાનદાર અને દમામદાર નામ એટલે અવિનાશ વ્યાસ. ગુજરાતી સુગમ સંગીતનો પર્યાય, આજીવન સૂર અને શબ્દના આરાધક-ઉપાસક રહ્યા શ્રી અવિનાશ વ્યાસ.
૨૧ જુલાઈ ૧૯૧૨ના રોજ જન્મ. બાળપણથી ક્રિકેટનું મેદાન અને હાર્મોનિયમના સૂરનું આકર્ષણ હતું. ૧૯૪૦માં મુંબઈ આવ્યા. શાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સાહેબ પાસેથી લીધી.
એચએમવીની યંગઈન્ડિયા રેકર્ડ કંપનીની વાદક તરીકે કામ કર્યું. એમની નામ સાથે જોડાયેલી પ્રથમ ફિલ્મ હતી ‘મહાસતી અનસુયા’. સંગીતકાર-ગીતકાર તરીકે પ્રસિદ્ધિ મળી ૧૯૪૮માં બનેલી ફિલ્મ ‘ગુણસુંદરી’થી. આ ગીતોએ અવિનાશભાઈને અઢળક લોકપ્રિયતા આપી. ગીતા રોયે ગાયેલું ‘આજ મારી નણદીએ મહેણું માર્યું...’ અમીરબાઈ કર્ણાટકીએ ગાયેલું ‘મારી મહેરબાની નથી...’ લીલા મહેતા અને એ. આર. ઓઝાએ ગાયેલું ડ્યુએટ ‘આ હોટેલની રૂમ કેરો નંબર પંદર...’ અને ગીતા રોયના સ્વરમાં ગવાયેલું ‘હવે થોડા થોડા થાઓ વરણાગી...’ આજે પણ એટલા જ લોકપ્રિય ગીતો બની રહ્યા છે. ગુજરાતી શ્રોતાઓમાં ૧૯૪૮માં જ ‘જીવનપલટો’, ‘જેસલતોરલ’, ‘નણંદભોજાઈ’, ‘રાધેશ્યામ’, ‘સતી સોન’ અને ‘વારસદાર’ ફિલ્મોમાં પણ સંગીત આપે છે. અવિનાશભાઈ એમના ગીતોમાં સમાજજીવનની ઘટનાઓનું નિરૂપણ અને સાદગી લોકોને સ્પર્શી ગયા.
૧૯૭૦ના દાયકામાં જ્યારે ગુજરાતી ચલચિત્રોનો સુવર્ણયુગ શરૂ થયો તે વર્ષોમાં તો અવિનાશ વ્યાસની કલમે લખાયેલા અને સ્વરબદ્ધ થયેલા ગીતોએ શ્રોતાઓના હૃદય પર જાણે કાબુ જમાવી દીધો.
ગુજરાતનું લોકજીવન, ગુજરાતના રીત-રિવાજો, ઉત્સવો અને મેળાઓ, લાગણીના સંબંધોની અદભૂત ગૂંથણી એમના ગીતોમાં વ્યક્ત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગીતકાર કે સંગીતકાર તરીકે તેઓને ૨૫ એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે પદ્મશ્રી આપીને તેમની કલાનું સન્માન કર્યું હતું. નૃત્ય નાટિકાઓ-રંગમંચના ગરબામાં પણ અવિનાશભાઈનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું. મા અંબાના ઉપાસક એવા અવિનાશભાઈએ લખેલા આદ્યશક્તિની વંદનાના પદો અને ગરબાઓ ગુજરાતીઓને એમની અમૂલ્ય વારસારૂપી ભેટ છે.
ઉલ્લેખનીય વાત એ પણ છે કે તેઓએ ૬૦થી વધુ હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. ગુજરાતી-હિન્દી ભાષામાં એમના સમયના સર્વોત્તમ એવા તમામ ગાયક કલાકારોએ પાસે તેઓએ ગીતો ગવરાવ્યા છે.
ગીત-ગરબા-રાસ-ગઝલ એમ અનેક ગેય પ્રકારોને તેઓએ સ્મરણીય બનાવ્યા છે. સંગીત દ્વારા ગુજરાતી ગીત-સૃષ્ટિને એક અર્થમાં એમણે ઓળખ આપી-ઢાંચો ઘડી આપ્યો એમ કહી શકાય. ગુજરાતી ગીતોને માણનારો વર્ગ જ્યારે જ્યારે ગીતો સાંભળે ત્યારે અવિનાશભાઈના ગીતોના અજવાળાં અચૂકપણે રેલાય છે ને રેલાતા રહેશે.