‘પરમ કલ્યાણનું નામ શિવ છે, ભગવાન સર્વતોભાવથી શિવ સ્વરૂપ છે તે બતાવવા તેમનું નામ શિવ રાખ્યું છે. જ્ઞાન અને વૈરાગ્યના દેવ છે શિવ.’ સ્વામી સચ્ચિદાનંદજીએ એમના પુસ્તક ‘શિવતત્ત્વ નિર્દેશ’માં આમ લખ્યું છે.
મોરારિબાપુએ 2023ના વર્ષમાં યોજાયેલી ઐતિહાસિક કથા ‘માનસ નવસો’ (દ્વાદશ જ્યોર્તિલીંગ)માં કથાનો આરંભ કેદારનાથથી કરીને કથાવિરામ સોમનાથમાં આપતા કહ્યું હતું કે ‘દ્વાદશ જ્યોર્તિલીંગનો પ્રસાદ આપણે શું મેળવ્યો? બધામાં શૌર્ય હોય, બધામાં સૌંદર્ય હોય, બધામાં ઔદાર્ય હોય...’
મહાશિવરાત્રીનું પર્વ નજદીક છે, શિવ મંદિરોમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વિવિધ આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સ્મરણ થાય દ્વાદશ જ્યોર્તિલીંગનું અને એમાંય પ્રથમ સોમનાથ મહાદેવનું. ભોળાનાથના બાર જ્યોર્તિલીંગ પૈકી પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ છે. સોમનાથ મહાદેવનું મંદિર અટલે શ્રદ્ધા અને વિશ્વાસનું, ભક્તિ અને ભરોસાનું, ઇતિહાસ અને મેળાનું, દિવ્યતા અને ભવ્યતાનું સ્થાન. સોમનાથ મહાદેવના દર્શને જ્યારે જ્યારે જવાનું થાય છે ત્યારે સમગ્ર અસ્તિત્વ ભક્તિથી અને પ્રસન્નતાથી છલકાઈ ઉઠે. દુરથી ધજાના દર્શન થાય, મંદિર પરિસરમાં પગ મૂકીએ અને સોમનાથ મહાદેવના દર્શન કરીએ ત્યાં તો કોઈ અલૌકિક અનુભૂતિ જાણે ભક્તને ઘેરી વળે.
કથા અનુસાર, ભગવાન ચંદ્રના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા, ચંદ્રને રોહિણી માટે વિશેષ આકર્ષણ હતું. ચંદ્રએ અન્ય રાણીઓની અવગણના કરી. પરિણામે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો. ચંદ્ર તેનું તેજ અને સ્વરૂપ ગુમાવી બેઠા. બ્રહ્માજીની સલાહથી ચંદ્ર પ્રભાસ તીર્થક્ષેત્રમાં આવ્યા. ભગવાન શિવની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. શાપમાંથી મુક્તિ અપાવી. જ્યોતિસ્વરૂપ પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથનો પ્રાદુર્ભાવ થયો અને પ્રથમવાર મંદિર નિર્માણ ચંદ્રએ કરાવ્યું.
સમુદ્રદેવ પણ ભગવાન સોમનાથના ચરણ પખાળે છે. અહીં રોજે રોજ જુદા જુદા પ્રકારના દ્રવ્યોથી ભગવાનનો અભિષેક કરીને પછી શ્રૃંગાર કરાય છે. સ્કંદ પુરાણ સહિતના અનેક પ્રાચીન ગ્રંથોમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. અભ્યાસ કહે છે કે પ્રાચીન સમયમાં સોમનાથ મંદિરનું ગર્ભગૃહ રત્નજડિત ઝુમ્મરથી ઝળહળતું હતું. અહીં સેવામાં બ્રાહ્મણો-સંગીતકારો, નૃત્યકારો સતત સેવામાં રહીને પરમ ધન્યતા અનુભવતા હતા. કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે ને લાખો દર્શને આવે છે. આ દિવસે રાત્રે બરાબર બાર કલાકે ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખરની સીધી હરોળમાં આવીને જાણે ચાંદનીથી અભિષેક કરે છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે રહેવા-જમવાની અને પ્રસાદની અલગ અલગ વ્યવસ્થા છે. જેનો યાત્રિકો પોતાની અનુકૂળતા મુજબ લાભ લઈ શકે છે. મોટી ઉંમરના યાત્રિકો તથા દિવ્યાંગો માટે ગોલ્ફકારની પણ વ્યવસ્થા છે. સાઉન્ડ અને લાઈટ શો યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તો અહીંની યજ્ઞશાળામાં થતાં પુણ્યકારી યજ્ઞોમાં જોડાઈને ભક્તો પરમ સંતોષ અનુભવે છે. આખાયે વર્ષ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ આયોજનો હાથ ધરાય છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લે છે. અહીં યાત્રિકો માટેની સુવિધામાં સતત સુધારા-વધારા થતા જ રહે છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા જળવાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયા છે.
ભગવાન કૃષ્ણએ જ્યાં દેહ છોડ્યો એ દેહોત્સર્ગભૂમિ, ત્રિવેણી સંગમ, ભાલકાતીર્થ, પાંડવ ગુફા, લક્ષ્મી નારાયણ મંદિર જેવા અન્ય સ્થાનો પર યાત્રાળુ દર્શન માટે આવતા રહે છે અને પ્રભાસક્ષેત્રની ભૂમિની પવિત્રતાનો સ્પર્શ પામતા રહે છે.
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો આવશે, ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠશે, રત્નાકર સમુદ્રના તટ પર પાર્થેશ્વર મહાપૂજ પણ યોજાશે. અને જાણે આસપાસ શિવની રાત્રીએ, શિવરાત્રીએ શિવ તત્ત્વની કૃપાના અજવાળાં રેલાશે.