‘શિવમહિમ્ન સ્ત્રોત, શિવ તાંડવ, શિવ પંચાક્ષર જેવા સ્તોત્ર નિયમિત રીતે સાંભળ્યા હોય પરંતુ એની પાછળ રહેલી કથાની જાણકારી તો આજે જ મળી...’
‘શિવતત્વ અને એની સાથે રહેલા ડમરું, ત્રિશૂળ, નિલકંઠ સ્વરૂપ, સર્પ, ભસ્મ, બિલ્વપત્ર વગેરે સાથે જોડાયેલા સંદર્ભો અને વર્તમાન સમયમાં ભક્તો માટે તેના અર્થો કેટલાં બધાં અર્થપૂર્ણ છે...’
આવા ભક્તિભાવપૂર્ણ વાક્યો, દર્શને આવતા ભક્તજનો સહજપણે બોલ્યા અને સંભળાયા. અરબી સમુદ્રને કાંઠેથી સમુદ્રના મોજાંઓનું નિરીક્ષણ કરીએ તો એ મોજાઓ પર ક્યાંક સ્વયં સોમનાથ ભગવાન નટરાજરૂપે દર્શન આપતા હોય એવું લાગે.
અવસર હતો દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાને બિરાજતા શ્રી સોમનાથ તીર્થક્ષેત્રમાં યોજાયેલા દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનો. તા. ૨૩થી ૨૫ ફેબ્રુઆરી ત્રણ દિવસ દરમિયાન યોજાયેલા આ ઉત્સવમાં અનેકવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વસ્તરે દ્વાદશ જ્યોતિર્લિંગના મહાત્મ્યને પ્રસારિત કરવાનો હતો. રાષ્ટ્રઉત્થાન હેતુ દ્વાદશ જ્યોતિર્લિંગ સંસ્થાનોની જવાબદારીઓ અને ભાગીદારીઓ સુનિશ્ચિત કરવા પ્રયાસ કરાયો હતો.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન, મહામૃત્યુંજય યજ્ઞ, ધ્વજારોહણ, શોભાયાત્રા, સોમનાથના ઈતિહાસને ઊજાગર કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન, શ્રી સોમનાથ સુવર્ણક અર્પણ, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, શ્રી સોમનાથ પોસ્ટ ફર્સ્ટ ડે વિમોચન, સંત સંમેલન, સન્માન સમારોહ, ત્રિવેણી સંગમ આરતી, વિવિધ વિષયો પર પ્રવચનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અહીં આવેલા મહેમાનોના એક ગ્રૂપને સ્થાનિક સેવાભાવી કાર્યકર સોરઠની ધરતીનો પરિચય આપતા કહેતો હતો કે, ‘સિંહ, નરસિંહ અને સોમનાથની ભૂમિ તરીકે ઓળખાય છે સોરઠ... સોરઠી દુહા, સોરઠી પાઘડી, સોરઠી ઘોડી, સોરઠી બોલી અને સોરઠનું સત્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આથી જ તો લોકબોલીમાં કહેવત છે કે ‘સાચું સોરઠીયો ભણે.’
સોમનાથના આ દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ ઈસવી સનના ચોથા શતકમાં કરાયું હતું. સોમનાથ તીર્થસ્થાન શ્રી પરશુરામ અને કણાદ ઋષિથી લઈને પાશુપાત સંપ્રદાય તથા સૂર્ય ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે. આદિ શંકરાચાર્યે અહીં શારદામઠની સ્થાપના કરી છે.
કથા અનુસાર, સોમ એટલે કે ચંદ્રે અહીં પ્રજાપિતા દક્ષના શાપથી મુક્ત થવા માટે શિવજીને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી હતી. શિવજી પ્રસન્ન થયા અને જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થઈ ચંદ્રને શાપમુક્તિ આપી અને વરદાનરૂપે આ શિવલિંગ ચંદ્ર એટલે કે સોમનાથના નામે પ્રસિદ્ધ થયું.
ઈતિહાસ અને દંતકથાઓ પર નજર માંડીએ ત્યારે જણાય છે કે સોમનાથ મંદિર ચંદ્રે બનાવ્યું એ પછી રાવણે ચાંદીની ધાતુથી મંદિર બંધાવ્યું એ પછી શ્રીકૃષ્ણે લાકડાથી અને ભીમદેવે પથ્થરથી મંદિર બંધાવ્યું. અનેક વાર વિદેશી - વિધર્મીઓએ હુમલા કર્યા પણ સોમનાથ વધુ દૈદિપ્યમાન થયું.
સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને ૧૧ મે ૧૯૫૧ના દિવસે જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા થઈ.
ગાયકો સૌમિલ અને આરતી મુન્શીએ મંદિરના દર્શન કર્યા બાદ સહજપણે કહ્યું કે જ્યારે જ્યારે સોમનાથના દર્શને આવવાનું થાય છે ત્યારે ત્યારે શીવજી પ્રત્યેનો અનુરાગ વધે છે. શિવમંત્રના ઉચ્ચારણ ગાયન સમયે થાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ કરાવનારું બની રહે છે.
નૃત્ય, ચિત્રકલા, લેખન, યોગ, ધ્યાન, સમાધિ જેવા અનેક કલાસ્વરૂપો સાથે ભગવાન શિવ જોડાયેલા છે. આથી કલાકારોનો શિવજી પ્રત્યેનો ભક્તિભાવ વિશેષ હોય એ સમજી શકાય છે.
સોમનાથ સાથે કૃષ્ણનો સંબંધ પણ અવિસ્મરણીય રહ્યો છે. બાજુમાં ભાલકા તીર્થમાં પારધીનું બાણ વાગ્યું અને પ્રભાસ ક્ષેત્રમાં ઈ.સ. પૂર્વ ૩૧૦૨, ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ, પ્રતિપદા તિથિ શુક્રવાર બપોરે ૨ કલાક ૨૭ મિનિટ અને ૩૦ સેકંડે યોગધારણ થકી હિરણ્ય કાંઠે નિજધામ પ્રસ્થાન કરી ગયેલા જગદ્ગુરુ શ્રીકૃષ્ણ માટેનો સ્નેહ આજે પણ સતત સંવર્ધિત થતો રહ્યો છે.
શિવ અને કૃષ્ણ બંનેની અનુભૂતિ કરાવતા તીર્થસ્થાન સોમનાથ અને પ્રભાસપાટણ - ભક્તો માટે અવર્ણનીય આનંદ પ્રદાન કરાવનારા બની રહ્યા છે. જ્યારે જ્યારે અહીં આવવાનું થાય છે ત્યારે ત્યારે શબ્દમાં અભિવ્યક્ત થઈ ન શકે તેવી અનુભૂતિના અજવાળાં આસપાસ રેલાય છે.
યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી ।
યત્ર સોમેશ્વરો દેવઃ તત્ર મામૃતં કૃધિ ।
ઈન્દ્રાયેન્દો પરિસ્ત્રવ ।।