અંગત અનુભવની વાત લખું તો કાર્યક્રમ સંચાલક તરીકે પહેલીવાર સાંજે સાડા સાતે શરૂ થયેલો કાર્યક્રમ બરાબર દસ કલાક પછી, સવારે સાડા પાંચે વિરામ પામ્યો હોય એવો મારા માટે કદાચ આ પ્રથમ અવસર હતો. મને અને મારા સાથી કોમ્પેર ધ્વનિ દલાલને આ અવસરે સતત ભક્તિપૂર્ણ - ભાવપૂર્ણ પ્રસ્તુતિનો લાભ મળ્યો એ અમારા માટે પરમ આનંદ પ્રગટાવનાર – સંભારણું બની ગયું.
અવસર હતો 24થી 26 ફેબ્રુઆરી દરમ્યાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ઊજવાયેલો ત્રિદિવસીય ભવ્ય અને દિવ્ય સોમનાથ મહોત્સવ. ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમ, ગીર–સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી કળા કેન્દ્ર-વડોદરા દ્વારા સંયુક્તપણે આયોજિત સોમનાથ મહોત્સવ કલા-ભક્તિ અને ભાવનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો.
12 જ્યોર્તિલિંગ પૈકીનું પ્રથમ જ્યોર્તિલિંગ છે શ્રી સોમનાથ મહાદેવ. અહીં ભગવાન શિવની ભક્તિ, સ્વર્ણિમ ઈતિહાસ અને કળાનો સમન્વય જોવા, અનુભવવા મળે છે. શિવપંથીઓ માને છે કે શિવભક્તિમાં નૃત્ય અને સંગીતનું વિશેષ મહત્ત્વ છે. નૃત્ય આરાધના અને સંગીતના માધ્યમ દ્વારા આપણે ત્યાં પરાપૂર્વથી શિવ આરાધના થતી આવી છે. ભગવાન શિવને નૃત્યના દેવ માનવામાં આવે છે. શિવનું એક સ્વરૂપ નટરાજ સ્વરૂપ છે.
તાંડવ નૃત્ય ભગવાન શિવ દ્વારા કરાયેલું અલૌકિક નૃત્ય છે. એવું મનાય છે કે આ નૃત્યમાં ઈશ્વરની શક્તિઓ ત્રાહિમામ મચાવે છે. શિવજીની ત્રીજી આંખ ખૂલવાથી જે સ્થિતિ સર્જાય છે તે આ નૃત્યમાં અભિવ્યક્ત થાય છે. રાવણ દ્વારા સંસ્કૃતમાં સર્જિત શિવ તાંડવ સ્ત્રોતમાં ભગવાન શંકરની પૂજા છે જેના પાઠ કરવાથી ભક્તને શિવની અપાર ભક્તિ અને આશીર્વાદ મળે છે.
દેવાધિદેવ મહાદેવ સર્વશક્તિમાન છે, સર્વવિદ્યમાન છે, નિર્ગુણ છે, અજન્મા છે, ગૃહસ્થ છે અને સ્મશાનમાં નિવાસ કરે છે. સૌમ્યરૂપે આશુતોષરૂપ પણ છે અને રૌદ્રરૂપે પણ છે, સગુણ સાકાર સ્વરૂપ છે, સત્ય છે, શિવમ છે ને સુંદરમ્ છે. પાંચ ઊર્જાઓ સર્જન, સંરક્ષણ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ કરનાર છે. એ સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાન તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. બાહ્ય સુંદરતા તરફ નહીં પરંતુ આંતરિક એટલે કે ગુણ સૌંદર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરે છે.
સોમનાથ મહોત્સવ દરમિયાન રોજ સાંજે વિશ્વભરમાં ભારતનું અને કલાજગતનું નામ રોશન કરનાર કલાકારોએ નર્તન – વાદન – કથન – શેડો પપેટ્રી - ગાયન જેવી કલાઓ ભગવાન શિવના ચરણે સમર્પિત કરી હતી.
ડો. સોનલ માનસિંહ, કુમારી સુર્યા ગાયત્રી, વિદૂષી રમા વૈદ્યનાથન્, શિવમણિ, પંડિત રોનુ મજુમદાર, અતુલ રાણીંગા, પુલવાર પરિવાર, વિદૂષી સુધા રઘુરામન્, કુમુદિની લાખીયા પ્રેરિત કદમ્બ સંસ્થાના કલાકારો અતુલ પુરોહિત, અપેક્ષા પંડ્યા, ઓસમાણ મીર – આમીર મીર, બરોડા કેરલ સમાજ, નીલેશ પરમાર, યોગેશ ગઢવી, રાજશ્રી વોરિયર, મૈસુર મંજુનાથ, સુમન સ્વરાગી, પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત સલીલ ભટ્ટ, પંડિત શશાંક સુબ્રમણ્યમ્, બિક્રમ ઘોષ જેવા જાણીતા કલાકારોએ કરેલી પ્રસ્તુતિને શ્રોતા - દર્શકોએ મન મુકીને માણી હતી.
શ્રી સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સોમનાથ મંદિર, તીર્થ અને પરંપરા વિષય પર સેમિનાર યોજાયા હતા જેમાં તજજ્ઞોએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. વાદ્યમ્ નાદસ્ય યાત્રા શીર્ષક હેઠળ જુદા જુદા વાદ્યોની સફર દર્શાવતું પ્રદર્શન પણ રજૂ કરાયું હતું.
મહાશિવરાત્રિના મહા પર્વે દરિયાકિનારે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજન યોજાયું હતું. જેમાં હજારો ભક્તોએ ભાવપૂર્ણ પૂજન કર્યું હતું. મહા શિવરાત્રિના દિવસે ચાર પ્રહરની પૂજા-અર્ચના આદિ જ્યોર્તિલિંગ બિલ્વ પૂજા, પાલખીયાત્રાનું પણ આયોજન કરાયું હતું. ત્રણ દિવસ દરમ્યાન સોમનાથ મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથનો નાદ ગૂંજતો રહ્યો હતો. સાંજે ત્રિવેણી ઘાટ પર સંગમ આરતીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા હતા.
સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથનો મહિમા અપાર છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં આ તીર્થનો મહિમા ગવાયો છે. અનેક આક્રમણોનો સામનો કરીને પણ આ મંદિર અડીખમ રહ્યું છે. ભારતના લોખંડી પુરુષ અને દેશના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947ના રોજ મંદિરનું પુનઃ નિર્માણ કરવા પ્રતિજ્ઞા કરી હતી. 11 મે 1951ના દિવસે ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોર્તિલિંગની પ્રતિષ્ઠા વિધિ થઇ હતી. ચાલુક્ય શૈલીથી બંધાયેલું આજનું ભવ્ય મંદિર કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત ભાવ પ્રદર્શન રજૂ કરે છે. સોમનાથના દર્શને આવનાર ભક્તના હૃદયમાં સ્વર્ણિમ ઈતિહાસના અને ભક્તિના અજવાળાં પથરાય છે.