સૌરાષ્ટ્ર-કચ્છનું મોતીભરતઃ લોકસંસ્કૃતિની સુવર્ણમયી સમૃદ્ધિ

અજવાળું અજવાળું

- તુષાર જોષી Wednesday 17th January 2024 02:54 EST
 
 

‘એ ભાઈ, કચ્છના રણ ઉત્સવમાં જઈએ ત્યારે પુરો એક દિવસ મારે ત્યાંના હેન્ડીક્રાફ્ટના કલાકારો સાથે પણ રહેવું છે એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરજે.’ બ્રિટનથી ભારત આવતાં પહેલાં બહેન મીનાએ કહ્યું. એના જેવા જ મોટાભાગના પરિચિત પ્રવાસીઓ હોય જેઓ કચ્છના પ્રવાસ સમયે કચ્છના હેન્ડીક્રાફ્ટ માટે પણ એટલો જ સમય ફાળવે છે. હેન્ડીક્રાફ્ટના અમારા જેવા ચાહકોને ત્યાં તો સૌરાષ્ટ્ર – કચ્છના આ કલાવારસાની સાચવણી અને સંવર્ધન પણ નાનપણથી થતું અમે જોયું છે. આજે અહીં આ બધું લખવાનું સ્મરણ થયું એના મૂળમાં હમણાં જ હાથમાં આવેલું એક અદભૂત પુસ્તક છે. જેઓ પોતાને કલાકાર તરીકે નહીં, પરંતુ કલાના ચાહક તરીકે વધુ ઓળખાવે છે એવા આત્મિક જાગૃત કલાકાર અને કલાતીર્થ ટ્રસ્ટ-સુરતના શ્રી રમણિક ઝાપડિયાએ કલાના વિવિધ સ્વરૂપોને, ધારાઓને, પરંપરાઓને સંગ્રહી લેવાના આશયથી છેલ્લા ઘણા સમયથી અવિસ્મરણીય અને અદભૂત એવા ગ્રંથોનું પ્રકાશન હાથ ધર્યું છે.

આજીવન કલાપ્રેમી અને સંસ્કૃતિના સંવર્ધક શ્રી કાંતિસેન શ્રોફની પ્રેરણાના કારણે કાંતિસેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશનના શ્રી દીપેશભાઈ શ્રોફ, અમીબહેન શ્રોફ અને શ્રોફ ફેમિલી ટ્રસ્ટના ઉમદા સહયોગથી ‘મોતીભરતઃ સૌરાષ્ટ્ર-કચ્છનો વિસ્મૃત કલાવારસો’ પુસ્તક તૈયાર થયું છે જેના પાને પાને આ લોકસંસ્કૃતિની સુવર્ણમયી સમૃદ્ધિનો ઊજાશ પથરાયેલો જોવા મળે છે.
જાણીતા સાહિત્યસર્જક અને કલાવિવેચક અને આ પુસ્તકના લેખક શ્રી નિસર્ગ આહીર કહે છે, ‘આ ગ્રંથમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોતીભરતને લક્ષિત કરાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનું વૈપુલ્ય છે, વ્યાપ્તિ છે, આધિક્ય છે, આધિપત્ય છે. લોકોએ ખૂબ પ્રેમથી મોતીભરતને જીવનના એક ચાલકબળ તરીકે અધિકૃત કર્યું છે. શુભત્વ, માંગલ્ય અને શણગાર – સજાવટ નિમિત્તે મોતીભરતમાં જીવનદાયીની ઊર્જાને વણી લેવામાં આવી છે. મોતીભરતના આશય, માધ્યમ, આકાર અને સંયોજનમાં લોકજીવનનો ધબકાર સચવાયો છે.’

ભારતમાં કલાના કોઈ પણ સ્વરૂપને દૈવીરૂપે પૂજાય છે, આરાધના થાય છે. એમાં રહેલી પવિત્રતા, શુભમંગળની ભાવના, શોભા, સુશોભન અને સમર્પણની ભાવના થકી જ કલાકાર અને ભાવક એની સાથે એકાકાર થાય છે. આ પુસ્તકમાં ભારતીય સૌંદર્યમીમાંસા અને કલાસિદ્ધિ, લોકસંસ્કૃતિમાં કલા-કસબની રૂપ નિર્મિત, ભરતગૂંથણની રૂપસૃષ્ટિ, મોતીભરતની પરંપરા, વિવિધા, પ્રક્રિયા, પ્રતિકો અને રૂપાંકનો તથા બહુસ્તરીય લાલિત્યને સમાવિષ્ટ કરીને સામાન્ય માણસને સમજાય એવી રીતે મુકાયા છે.
પુસ્તકનું આકર્ષક અંગ એનું કલરફૂલ મુખપૃષ્ઠ તો છે જ, એથી વધુ સુંદર – મનમોહક – આકર્ષક અને ઊડીને આંખે વળગે એવી ભરતકામ સાથે જોડાયેલી અનેક તસવીરો અંદરના પાનાંઓ પર છે.
એક એક તસવીરને બારીકાઈથી જોઈએ તો આપણી સામે એ ચિત્ર સાક્ષાત્ થતું હોય એવું લાગે છે.
કલાતીર્થ દ્વારા કલાસંસ્કૃતિ સાથે જોડાયેલા આવા અનેક પુસ્તકોની ગ્રંથશ્રેણી પ્રકાશિત થઈ રહી છે જે અભ્યાસુઓ અને વાચકો માટે ઉપકારક થઈ રહી છે. નિઃશુલ્ક પહોંચાડાતી આ પુસ્તિકાઓના પ્રકાશન માટે સમાજના ઉદારચરિત દાતાઓનો જે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે એ પણ આવકાર્ય છે. ભવિષ્યમાં પણ ‘કલાતીર્થ’ દ્વારા આવા ભાતીગળ પુસ્તકોના થકી લોકસંસ્કૃતિના - લોકજીવનના અજવાળાં રેલાતા જ રહેશે એવી પૂર્ણ શ્રદ્ધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter