‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા? કોને કહ્યા? એની જાણકારી માટે હું તમને લઈ જાઉં, કલમના સથવારે છેક 1980ના વર્ષમાં.
એ સમયે તત્કાલીન ભાવનગર યુનિવર્સિટી (હવે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી)ની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સિવાયની વકતૃત્વ, નાટક, સંગીત, માઉન્ટેનિયરિંગ જેવી સાંસ્કૃતિક-સાહસિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની શિબિરોનું આયોજન વેકેશન દરમિયાન કરાતું હતું. યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક શ્રી આર.જે. જાડેજાના માર્ગદર્શન અને પ્રેરણા સાથે આવી શિબિરોનું આયોજન થતું જેનું સંકલન અને સંચાલન યુવા અધિકારી શ્રી મનોજ શુક્લ કરતા હતા. નાટ્યમંચન, વકતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ, એનએસએસ, પ્રકૃતિના ખોળે, સાહસિક પ્રવાસ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જોડાતા અને તેમનામાં જીવન માટે ઉપયોગી એવા શિસ્ત, નિયમપાલન, આ કરાય અને આ ના કરાયનો વિવેક, હકારાત્મક્તા, સંઘજીવન, શ્રેષ્ઠ પર્ફોમન્સનો આગ્રહ જેવા સદગુણોનો વિકાસ થતો. 1980થી 1983ના ચાર વર્ષો દરમિયાન યોજાયેલી આવી શિબિરોના શિબિરાર્થીઓ વચ્ચે સ્વાભાવિક રીતે દોસ્તીનો, લાગણીનો સંબંધ બંધાયો. મિલન-મુલાકાત એક દિવસની હોય કે ત્રણ-ચાર કે આઠ-દસ દિવસના પ્રવાસ હોય, સાથે રમીએ - સાથે જમીએના ભાવને આ સહુએ આત્મસાત્ કર્યો. કલાના વિવિધ સ્વરૂપો તો શીખ્યા જ, આમાં કેટલાકે પારંગતતા હાંસલ કરી અને પોતપોતાના વ્યવસાયના ક્ષેત્રમાં શિબિરોમાંથી જે પ્રાપ્ત થયું એ ખૂબ કામ આવ્યું.
કોલેજકાળ પૂરો થયો, જેમની જેવી અભ્યાસની યોગ્યતા, એવી એમને નોકરી મળતી ગઈ, કોઈ વળી વ્યવસાયમાં જોડાયા. ઘણાના ગામ-શહેર બદલાયા. સમય જતાં લગ્નજીવનમાં ઠરીઠામ થતાં ગયા, સારા-માઠાં પ્રસંગોએ બધા એકબીજાને મળતા રહ્યા. એમાંના કેટલાકનો રોજિંદો પરિચય રહ્યો, તેઓ પરસ્પર મળતા રહ્યા, પરંતુ બધાનું એકસાથે મિલન થયું ન હતું. જ્યારે જ્યારે ફોનમાં વાતો થાય ત્યારે વિચાર મુકાય કે હવે બધા એક વાર ભેગા થઈએ. છેલ્લા એકાદ વર્ષથી આ સંવાદને વધુ તીવ્રતા ધારણ કરી અને આખરે રવિવારે - 13 ઓક્ટોબરે ભાવનગરમાં ફરી એક વાર ચાર દાયકા પછી બધા ભેગા થયા. મનોજ શુક્લ અને વાસુદેવસિંહ સરવૈયાએ સંકલન વ્યવસ્થાઓ સંભાળી. પુરો દિવસ બધા સાથે રહ્યા, ધમાલ, મસ્તી, વાતો, સંવાદ, નાસ્તો, ભોજન કર્યાં. સહુએ પોતપોતાના અનુભવો કહ્યા. પરિવારની વાત કરી, મોટાભાગના 60 વર્ષની વય પસાર કરી ચૂક્યા હોવા છતાં તન-મનથી સ્વસ્થ રહ્યાનો આનંદ હતો.
સહુએ કોલેજકાળની શિબિરોમાંથી જે પાઠ શીખ્યા તે જીવન જીવવામાં ક્યાં? ક્યારે? ઉપયોગી થયા તેની વાત કરી. ભાર વિના મળ્યા ને એકબીજાને સાથે ભળ્યા, મોટાભાગના શિબિરાર્થીઓ એમના જીવનસાથી સાથે આવ્યા હતા. તેઓ પણ આ મિલન-ઉત્સવમાં એટલા જ ઉમળકાથી જોડાયા.
કોલેજકાળની જેમ જ શ્રી આર.જે. જાડેજા સાહેબના હસ્તે એક પત્ર અપાયો જેમાં લખ્યું હતું કે ‘એ સમયે તમે જેવા બૌદ્ધિક, યુવા સહજ તોફાની, જિજ્ઞાસુ, મનમોજી હતા એવી જ રીતે આજે પણ જીવી રહ્યા છો. આપને જેવા ઘડવા હતા તમે તેવા જ જીવંત, થનગનતા, સકારાત્મક અને આનંદી બન્યા છો એ જોઈને અમારી આંખ ઠરે છે.’ એ સમયના એ દોસ્તોએ એમના ગ્રૂપને ‘આવકાર’ નામ આપ્યું હતું અને એ તમામ પૈકીના મોટાભાગનાના ચહેરા પર એ દિવસે ફરી એક વાર સ્મરણોનું અને સંબંધોની સમૃદ્ધિનું અજવાળું ફેલાયું હતું.