સ્વચ્છતાનું નિર્માણ, અસ્વચ્છતાનું નિર્વાણ

તુષાર જોષી Tuesday 14th March 2017 09:26 EDT
 

‘શું વાત છે? બેસણામાં ડસ્ટબીન આપ્યા?’

‘કેટલો ઉમદા વિચાર છે આ પરિવારનો...’

‘આ વિચાર તમને આવ્યો એ જ અભિનંદનને પાત્ર છે.’ આ અને આવા અનેક વાક્યો બોલાયા કે સંભળાયા હતા તાજતેરમાં એક બેસણામાં.

પોતાના જીવનકાળ દરમિયાન કર્મ અને ધર્મના માર્ગે ચાલનારા, મહાગુજરાતની ચળવળના સક્રિય સભ્ય, પરમાર્થી વ્યક્તિત્વ અને પૂજ્ય મોરારીબાપુની કથાના શ્રોતા તથા કથાના સૂત્રોને જીવનમાં ઉતારનાર નરેન્દ્રભાઈ બંસીધરભાઈ દવેનું દુઃખદ અવસાન થયા બાદ કે. પી. વીલા- સાણંદ રોડ પર એમનું બેસણું હતું.

એમના દીકરી રીટાબહેન નિરંજનભાઈ ત્રિવેદીએ તેમના ભાઈ રાકેશ તથા પરિવારજનો સાથે વિચારણા કરીને એક નિર્ણય કર્યો કે બેસણામાં આવે તેમને સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવતા ડસ્ટબીન આપવા. એમના પિતાએ કહ્યું હતું, ‘મારા મૃત્યુ બાદ કોઈ લૌકિક ક્રિયા કરતા નહિ’ એમણે જીવનપર્યંત એમના મન અને શરીરને તથા ઘરને સ્વચ્છ રાખ્યા હતા એટલે સ્વચ્છતા અભિયાન માટે આ નિર્ણય રીટાબહેને કર્યો. ડસ્ટબીન પર લખાવ્યું હતું ‘આવો કરીએ સ્વચ્છતાનું નિર્માણ – અસ્વચ્છતાનું નિર્વાણ.’

આમ મૃત્યુની ઘટનાને એક સામાજિક અભિયાન સાથે જોડીને આ પરિવારે ઉત્તમ સામાજિક સંદેશ સમાજમાં પ્રસરાવ્યો હતો.

પરિવારનું મૂળ વતન ભીનમાલ, રાજસ્થાન. રીટાબહેનના દાદા બંસીધરભાઈ માત્ર દસ વર્ષની વયે દોરી-લોટો લઈને અમદાવાદ આવ્યા... અહીં કોઈ ઓળખે નહીં એટલે અસારવામાં હરિભાઈની વાવ પાસે મુકામ કર્યો. બ્રાહ્મણના દીકરાને શિવાલયમાં પુજારીના સહાયકનું કામ મળ્યું ને આમ ઠરીઠામ થયાં. ખાડિયામાં ગરીબી એવી કે એમના પત્ની પાસે બંગડી ખરીદવાના પૈસા પણ નહિ, તો નાડાછડી બાંધીને સુહાગના પ્રતિકનું ગૌરવ સાચવતા હતા.

પરિવારમાં ઘરમાં જે મળ્યું તેનો આનંદ હતો. એવામાં એમને મળ્યા હરિભાઈ ગોસળીયા. એમના પૈસા ને બંસીધરભાઈનો પરિશ્રમ... મીલ મશીનરીના સ્પેરપાર્ટ્સનો વ્યવસાય શરૂ કર્યો. દેવોના દેવ મહાદેવની ભક્તિ અને અવિરત મહેનત.. જીવનમાં સફળતા મળતી ગઈ. પરિવારમાં પાંચ દીકરા અને એક દીકરી હતા. એમાંના એક તે નરેન્દ્રભાઈ દવે.

કુદરતે અચાનક દુઃખ આપ્યું ને હરિભાઈનું અવસાન થયું. બંસીધરભાઈએ હરિભાઈના ૬ બાળકોને પિતાતુલ્ય વાત્સલ્ય અને હૂંફ આપ્યાં. તેમનો ઉછેર કર્યો. આજે એમના સંતાનો અમેરિકામાં છે અને બંસીધરભાઈના સંતાનોના પરિવાર સાથે લાગણીનો એવો જ સંબંધ એમણે સાચવ્યો છે. બંસીધરદાદાએ જે મંદિરમાં મૃત્યુ સુધી સેવા કરી એ મંદિરમાં આજે પણ એમના પરિવારના સંતાનો દર્શને નિયમિત જાય છે. આમ આ પરિવારે હંમેશાં પેઢીઓના સંબંધોને જાળવ્યાનું ગૌરવ છે.

રેડક્રોસમાં સમાજસેવામાં સક્રિય રહેનાર બંસીધરભાઈ સમાજસુધારાના પણ આગ્રહી હતા. ઘરમાં પૂત્રવધુઓ આવી તો લાજ કઢાવવાને બદલે સાથે ઓઢવાનું કહીને ઉમેર્યું કે વાણી-વર્તનમાં વિવેક ને મર્યાદા રાખો એ પૂરતું છે. એમણે બાળકોને કર્મનું, કૌશલ્યનું ને કોઠાસુઝનું શિક્ષણ આપ્યું.

એમના સંસ્કારવારસાને નરેન્દ્રભાઈ તથા તેમના પત્ની સરલાબહેન અને અન્ય પુત્રોએ સંવર્ધિત કર્યો. સ્મરણો યાદ કરતા રીટાબહેન કહે છે, ‘હું રંગમંચની વિવિધ પ્રવૃત્તિમાં ને મહિલા ક્રિકેટમાં ભાગ લેતી ત્યારે પપ્પાનો મને પ્રેમાળ સાથ મળ્યો છે.’

પૂજ્ય મોરારીબાપુ માટે નરેન્દ્રભાઈને અપાર આદરભાવ. પૂજ્ય બાપુનો ઉતારો એમના ઘરે હોય. અમદાવાદમાં ગુજરાતી વિદ્યાપીઠમાં રેલ રાહત ફંડની કથા હતી. રીટાબહેનના મમ્મીએ કથામાં દાનના મહિમા વિશે સાંભળ્યું તો એ સમયે અઢી તોલા સોનાનો દોરો દાન માટેની ઝોળીમાં નાખી દીધો. રીટાબહેન કહે છે ‘અમે દાદાના ને પિતાજીના કર્મ-ધર્મ-પ્રેમના વિચારોને જીવનમાં આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ.’

•••

સામાન્ય રીતે મૃત્યુની ઘટના પરિવારમાં બને એ પછી લૌકિક અને સામાજિક વ્યવહારો ઉપરાંત સ્વજનોને ધાર્મિક પુસ્તકો કે ઓડિયો આલ્બમ કે તુલસીક્યારો અપાતા હોય છે. પરંતુ અહીં સદગુણ સાથે જોડીને આ પ્રસંગને એક નોખી-અનોખી ગરિમા આપી હતી.

મૃત્યુ તથા પછી એની સાહજિકતાને સ્વીકારીને સદગતની સ્મૃતિમાં એમને ગમતી વાત, એમના સદગુણોને ઘર પરિવારમાં સમાજજીવનમાં પ્રસારિત કરવાનો પ્રયત્ન થાય એ આવકાર્ય અને પ્રશંસનીય છે. જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે આસપાસ વિચારોમાંથી જીવનની હકારાત્મકતાના દીવડા ઝળહળે છે ને અજવાળા રેલાય છે.

ઃલાઇટ હાઉસ ઃ

સ્વચ્છ ભારત અભિયાન માટે દર વરસે માત્ર ૧૦૦ કલાક આપવા હું પ્રત્યેક ભારતીયને અપીલ કરું છું. - વડા પ્રધાન નરેન્દ્ર મોદી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter