‘સાવ સાચ્ચું કહું, જ્યારે ચંદ્રેશ અંકલે મંદિરના દર્શનની અને અજાણ્યા સ્થળ ચીકમંગલુરના પ્રવાસની વાત કરી ત્યારે મને એ ખબર નહોતી કે મને કેટલી મજા પડશે, પરંતુ મને એમના અને અદિતી દીદીના આયોજનમાં વિશ્વાસ હતો કે તેઓ જે કાંઈ ગોઠવે એ ઉત્તમ જ હોય અને મારો વિશ્વાસ સાચ્ચો જ પડ્યો... અમે જે આનંદ કર્યો એ અદભૂત હતો.’
સ્તુતિ એની બહેનપણી ચાહત અને રૂદ્રીને એના પ્રવાસેથી પરત આવીને ઉત્સાહ સાથે કહી રહી હતી. ધોરણ બારની પરીક્ષા ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કર્યા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એને એડમિશન પણ મળી ગયું હતું અને કોલેજ શરૂ થયા એ પહેલાના સમયમાં મમ્મી-પપ્પા સાથે ૮-૧૦ દિવસ ફરવા જવાનો પ્લાન હતો. એના ફઈ બેંગ્લોર આવવા લાંબા સમયથી આગ્રહ કરતા હતા. આથી ત્યાં જવાનું નક્કી કર્યું. બુકીંગ કરાવ્યા ને એક વાર ફોન આવ્યો હર્ષા ફીઆનો કે ‘તારે જ્યાં જવું હોય ત્યાં લઈ જઈએ’. સ્વાભાવિક રીતે દક્ષિણ ભારતના, બેંગલોર આસપાસના થોડા સ્થળોનો ઉલ્લેખ થયો. આખરે સ્તુતિએ કહ્યું કે ‘તમે જ્યાં લઈ જશો ત્યાં મને મજા પડશે, મૂળ વાત સાથે રહેવાની છે.’
આમ પ્રવાસ શરૂ થયો અને અડધી રાતે તે બેંગલોર એરપોર્ટ પર પ્લેનમાંથી ઊતરી. ચંદ્રેશ ફુઆને એના ડેડીએ કહ્યું હતું કે અમે ટેક્સી કરીને આવી જઈશું, વિનાકારણ ધક્કો ના ખાતા. તો તેઓએ કહ્યું કે, ‘અમે જેમને પ્રેમ કરીએ છીએ એવા સ્વજનો અમારા ઘરે આવી રહ્યા છે એનાથી બીજું મોટું કારણ કયું હોય?’
બેંગલોર બે દિવસ રહીને તેઓ નીકળ્યા શ્રવણ બેલગોડા જવા. કર્ણાટકના હાસ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થ બેંગલોરથી ૧૫૦ કિલોમીટર છે. કન્નડ ભાષામાં વેલ એટલે શ્વેત અને ગોલ એટલે સરોવર. અહીં શહેરની મધ્યમાં સરોવર છે એટલે આવું નામ પડ્યું એમ મનાય છે. વિંધ્યગીરી અને ચંદ્રગીરીની વચ્ચે વસેલું છે આ સ્થળ. બાહુબલી સ્વામીની દિવ્ય મૂર્તિના દર્શન કરીને, સુંદર લોકેશન જેવા પહાડ પર તસવીરો લઈને સ્તુતિ અને એની કઝીન પ્રાચી તથા અદિતી એ જ વિચારતા હતા કે આટલા બધા વર્ષો પહેલાં પર્વત પર આવી મૂર્તિનું નિર્માણ અને પ્રતિષ્ઠા કેવી રીતે થયા હશે?
એક જ પથ્થરમાંથી બનેલી ભગવાન બાહુબલિની આ મૂર્તિ બનાવતા મૂર્તિકારને ૧૨ વર્ષ લાગ્યા હતા એમ કહેવાય છે. અહીં એક શિલાલેખમાં સંપૂર્ણ ઈતિહાસ લખાયો છે. ગંગવંશીય રાયમલ્લના મંત્રી ચામુંડા રાયે આ મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું.
ત્યાંથી સહુ પહોંચ્યા બેલુરના વિશ્વ પ્રસિદ્ધ મંદિરે. બેલુર ૧૧મી સદીના મધ્ય ભાગથી ૧૪મી સદીના મધ્ય ભાગના સુધી હોયસલ વંશનો ગઢ હતું. આ શાસકો કલા અને શિલ્પ સ્થાપત્યના રક્ષકો હતા. તેઓએ બેલુર અને જોડિયા નગર તરીકે પ્રસિદ્ધ હૈલેબિડમાં ભવ્ય મંદિરોનાં નિર્માણ કરાવ્યા હતા. બેલુરના ચેન્નકેશવ મંદિરનું સ્થાપત્ય, એની બારીકાઈ અને થયેલી જાળવણીથી સહુના મન પ્રસન્ન થયા. રામાયણ-મહાભારતની કથાઓ-પુરાણના પ્રસંગો અને મહાભારતની કથાઓ-પુરાણના પ્રસંગો અને રાજા વિષ્ણુવર્ધનની રાજસભાના દૃશ્યો અહીં સ્થાપત્યોમાં અંકિત છે.
એ પ્રમાણે જ ભગવાન શિવને સમર્પિત હૈલેબિડના હોયસલેશ્વર મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહી. અધિકૃત ગાઈડ વિગતો આપતો જતો હતો અને જે તે શિલ્પની વિગતો-તસવીરો કેમેરામાં-ફોનમાં ઉમેરાતી જતી હતી. મંદિરનું નિર્માણ ઈસવી સન ૧૧૨૧માં થયું હતું.
સ્તુતિ સતત એનો રાજીપો વ્યક્ત કરતી હતી અને તેઓ પહોંચ્યા લેન્ડ ઓફ કોફી તરીકે ઓળખાતા ચીકમંગલુરના જંગલ પ્રદેશમાં. પહાડોની વચ્ચે આહલાદક હિલ સ્ટેશન... ૩૪૦૦ ફીટ ઊંચાઈ પર આવેલું આ હીલ સ્ટેશન પર્યટન-ઝરણાં-ધોધ-કોફી-સાહસિક રમતો-તીર્થસ્થાનો માટે પ્રખ્યાત છે. હેબે ફોલ્સ અને જરી ફોલ્સ જોવા જતી વેળા થોડા સમય માટેની ઉબડખાબડ રસ્તા પર જીપની મુસાફરી, વાદળાં અને વરસાદના સાન્નિધ્યે પહાડોના ઢોળાવો ચઢતી કે ઉતરતી જીપમાં મ્યુઝિકનો આનંદ ને અવર્ણનીય કુદરતી નજારો. કોફીની સોડમ સાથે પ્રિયજનોનો સંગાથ, ટ્રેકિંગ, આહાહા... ચીકમંગલુરના જંગલોએ મનને પણ જાણે લીલુંછમ આનંદથી આચ્છાદિત કરી દીધું.
મૂળ કોમર્સની વિદ્યાર્થિની પણ માસ કોમ્યુનિકેશન-મીડિયાને-ઈતિહાસને હોબી તરીકે વિક્સાવનાર સ્તુતિ માટે આ પ્રવાસ એટલો યાદગાર હતો કે બોલી ઊઠી, ‘દર વર્ષે એક અઠવાડિયું હવે પહાડો - ઝરણાં ને ધોધ માટે આવવું પડશે...’
પ્રવાસ કરવો નવી વાત નથી, લોકો દેશવિદેશ ફરતા થયા છે, પરંતુ જ્યારે ભીડભાડવાળા સ્થળોના બદલે થોડા અલગ સ્થળો, અભ્યાસ કરીને, રસ-રૂચિને અનુરૂપ પસંદ કરવામાં આવે ત્યારે એ પ્રવાસનો આનંદ અદભૂત હોય છે. આવા સ્થળોએ માણેલી મજાઓ, કેમેરામાં કેદ ન કર્યા હોય તેવા પ્રાકૃતિક દૃશ્યો આંખમાં સમાયેલા રહે છે. સ્વજનો કે પ્રિયજનો સાથે કરેલા આવા પ્રવાસો વાસ્તવમાં આનંદના અજવાળાં પાથરે છે.