‘કાકા, મને સમજાતું નથી કે તમે આટલી સમૃદ્ધિ હોવા છતાં કેમ રોજ આમ રીક્ષામાં જ બેસો છો?’ રીક્ષાચાલક કનુ નામના યુવાને ૬૦-૬૫ વર્ષના કાકાને કહ્યું. ‘અરે બેટા, હુંયે રીક્ષાવાળો જ છું, તારી જેમ રીક્ષા જ ચલાવતો હતો... લાંબી વાત છે. ચાલ, પહેલા ઘરે લઈ જા.’ રમણિકભાઈએ જવાબ આપ્યો. બંને હસ્યા. રીક્ષા સ્ટાર્ટ થઈ. પશ્ચિમ અમદાવાદના માર્ગો પરથી પસાર થતા થતા એક બંગલા પાસે ઊભી રહી. રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યા. એ જતો હતો તો એને રોક્યો. કાકાએ ચોકીદારને કહ્યું, ‘આ કનુને અંદર લઈને આવ’ રીક્ષાવાળો ચોંકી ગયો.
‘અરે મને શેના માટે?’
‘તારે જાણવું છે ને હું કેમ રીક્ષામાં બેસું છું? ચાલ, આજે ચા-નાસ્તો કરાવું ને તને મારી કથા પણ સંભળાવું.’ રમણિકભાઈએ કહ્યું.
કનુ આજાત્ય બંગલાની આભા જોઈને અચંબિત ન થયો કારણ કે એ લગભગ મહિનામાં ૧૫ વાર રમણિકભાઈને મુકવા માટે આ બંગલે રીક્ષામાં આવતો હતો. ક્યારેક કોઈ સામાન જેવી વસ્તુ હોય તો બંગલાના દ્વાર સુધી મુકવા જતો હતો. એથીયે વિશેષ એણે આસપાસમાંથી આ રમણિકભાઈ વિશે, એમની સમૃદ્ધિ ને વ્યાપાર વિશે જાણ્યું હતું. એ વિશાળ ડ્રોઈંગરૂમ મધ્યે બેઠો. બે બાળકો અને એક દીકરી સાથે રમણિકભાઈ અને એમના પત્નીનો વિશાળ ફોટો હતો. થોડી વારમાં રમણિકભાઈ આવ્યા. સોફામાં બેઠા. કનુ માટે ચા-નાસ્તો મંગાવ્યા ને વાત માંડી એ કાંઈક આવી હતી.
ત્રણેક દાયકા પહેલાંની વાત. કોમર્સ ગ્રેજ્યુએટ થયા બાદ બે-ત્રણ નોકરી કરી પરંતુ ક્યાંય ઠરીઠામ ન થનાર, સ્વમાની યુવાન નામે રમણિકને પોતાનો સ્વતંત્ર ધંધો કરવાની હોંશ થઈ. બાપ-દાદાએ માત્ર સરકારી નોકરીઓ કરેલી એટલે ધંધા-વ્યાપારના કક્કાનો ક પણ આવડે નહીં. હિંમત કરીને એણે પરિવારના ભરણપોષણ માટે એક રીક્ષા ખરીદી. વહેલી સવારે પોતાના ઘરેથી ભોજનનો ડબ્બો લઈ મંદિરે દર્શન કરીને નીકળે. મોડી રાત કે સાંજ સુધી રીક્ષા ફેરવીને રોજગારી રળે. એની પ્રામાણિકતા, મીઠી ભાષા, અન્યને ઉપયોગી થવાનો સ્વભાવ વગેરેને કારણે એની લોકપ્રિયતા સોસાયટીમાં થતી ગઈ. કેટલાય ગ્રાહકો એમના કાયમી ગ્રાહકો થઈ ગયા. ઘરના વડીલોને દર્શન કરવા લઈ જવાના, પૈસા કે દસ્તાવેજ કોઈને આપવા જવા જેવા કામો પણ એ કરતો ગયો ને વિશ્વાસ હાંસલ કરતો ગયો. એવા જ એક ગ્રાહકને ત્યાં અમેરિકાથી મહેમાન આવેલા. એ પતિ-પત્ની NRIને રમણિકે પાંચ-સાત દિવસ શહેરમાં જરૂર પડે ત્યારે ફેરવ્યા હતા. એક વાર એ NRI એમનું પર્સને દસ્તાવેજો રીક્ષામાં ભૂલી ગયા. રમણિકને અડધા કલાકે ધ્યાન પડ્યું. એ હાંફળો ફાંફળો મૂળ માલિકને આપી આવ્યો.
ચાર દિવસ બાદ એ NRIએ રમણિકને પરિવાર સાથે બંગલે બોલાવ્યો-જમાડ્યો ને કહ્યુંઃ આ બે છોકરાને ભવિષ્યમાં અમેરિકા મોકલ. એ બંનેને હું સ્પોન્સર કરીશ. બધી જવાબદારી મારી. દીકરાની જેમ સાચવીશ. એકાએક આવેલી ઓફર પર વિચાર કર્યો પતિ-પત્નીએ. પહેલા એક ને પછી બીજાને મોકલીશું તેમ કહ્યું. બધી જ જરૂરી વિધિઓ થઈને સમય જતાં પાંચેક વર્ષમાં બંને દીકરા વિદેશમાં સેટલ થયા. ત્યાં રહીને ખૂબ ભણ્યા. અહીં રમણિકભાઈને પણ પૈસા મોકલતા થયા. ટ્રાવેલ્સ ને ટ્રાન્સપોર્ટ એમ ધંધા વિકસતા થયા. ધીમે ધીમે જાત પ્રામાણિકતા અને સાહસથી રમણિકભાઈએ પોતાનું નાનકડું સામ્રાજ્ય ઊભું કર્યું. દીકરી પરણાવી. પોતે પણ બે-ત્રણ મહિના અહીં ને બાકી વિદેશમાં રહે. અમદાવાદ આવ્યા ત્યારે શોફર ડ્રીવન કાર હોવા છતાં અનેક વાર રીક્ષામાં પ્રવાસ કરે ને અંતે કનુ જેવા યુવાનને કહે, ‘હું યે રીક્ષાવાળો જ છું.’
•••
સામાન્ય માણસના સ્વભાવમાં સમાયેલી પ્રામાણિકતા એના માટે શ્રેષ્ઠ સદગુણ બની રહે છે અને પ્રામાણિકતાના કારણે એના વ્યક્તિત્વમાં અન્ય લોકો વિશ્વાસ મુકે છે. આ વિશ્વાસ આખરે જાણ્યે-અજાણ્યે એના અને એના પરિવારના વ્યક્તિગત કે સામૂહિક જીવનમાં સુખ-સુવિધા આપનાર બની રહે છે. એના જીવન ઘડતરમાં પાયાનો સ્તંભ બની રહે છે. પ્રામાણિક્તાના દીવડા જ્યારે જ્યારે ઝળહળે છે ત્યારે ત્યારે આપણી આસપાસ દિવ્ય ઊજાસ રેલાય છે.