તુમ્હે ઔર ક્યા દું
મેં દિલ કે સિવાય
તુમકો હમારી ઉંમર લગ જાય
આ ગીતના શબ્દો કેટલાય સંગીતપ્રેમીઓએ એમના પુનઃ સ્વાસ્થ્યની પ્રાર્થનારૂપે આત્મસાત્ કર્યા હશે, પણ એમ ક્યાં કોઈ રોકાય છે? લતાજી પણ ના રોકાયા. વસંતપંચમીના દિવસે મા સરસ્વતીનું પૂજન થયું અને છઠ્ઠના દિવસે જ જાણે મા સરસ્વતીના સાક્ષાત સ્વરૂપ લતા મંગેશકરના દૈહિક સ્વરૂપનું પંચમહાભૂતમાં વિસર્જન થયું.
મને કોઈ પુછે કે ‘તમે મા સરસ્વતીના સાક્ષાત દર્શન કર્યા છે?’ તો હું વિના સંકોચે હા પાડુ ને યાદ કરું એ અવસરને. આજથી બે દાયકા કરતાં વધુ પહેલાના એ દિવસે આણંદ જિલ્લાના પ્રસિદ્ધ સ્ટુડિયો ‘સૂર મંદિર’ના ઉદ્ઘાટન માટે લતા મંગેશકર આવ્યા હતા. અમે રાજ્યના પૂર્વ સાંસ્કૃતિક મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી સાથે એ સમારોહમાં ગયા હતા અને મા સરસ્વતીના એ સાક્ષાત સ્વરૂપના દર્શન કર્યા હતા.
ભારતરત્ન એવોર્ડથી વિભૂષિત લતા મંગેશ્કર, સૂર સામ્રાજ્ઞી - સૂર સાધિકા લતા મંગેશ્કર. સ્વર, લય અને શબ્દોનો અદ્ભૂત ત્રિવેણીસંગમ. નાદ સૌંદર્ય જાણે એમની સ્વર લહેરોમાંથી પ્રગટતું હતું. એમનો સ્વર શ્રોતાઓના હૃદયમાં દિવ્યભાવ પ્રેરિત કરતો હતો. ભારતીય કાવ્ય સંગીતને-સિનેમા સંગીતને વૈશ્વિક ઊંચાઈ પ્રદાન કરવામાં લતા મંગેશકરનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું.
લતાજીએ એક મુલાકાતમાં એમના બાળપણનો પ્રસંગ કહ્યો હતો. તદ્અનુસાર એમના પિતા શાસ્ત્રીય ગાયક અને સંગીતકાર હતા એટલે ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. લતાજી સાંભળતા, રસોડામાં કામ કરતી માતાને ૪-૫ વર્ષની દીકરી ગીતો ગાઈને સંભળાવતી. એક દિવસ દિનાનાથજી કોઈને ગીત શીખવતા હતા, બાળકી લતા ગેલેરીમાં સાંભળતી હતી. દિનાનાથજી થોડી વાર માટે બહાર ગયા, પેલા શિષ્ય જ્યાં ખોટું ગાઈ રહ્યા હતા તે સાચું બતાવવા ત્યાં જઈને દીકરી લતાએ ગાયું. એ જ સમયે પિતાજી ત્યાં આવ્યા, એમણે આ દ્રશ્ય જોયું ને સાંભળ્યું, એમણે લતાના માતાને કહ્યું ‘ઘર મેં હી ગવૈયા બેઠા હૈ ઔર મેં ક્યું બહાર સીખા રહા હું’ બીજા દિવસે પિતાએ દીકરી લતાને વહેલી સવારે જગાડી, તાનપૂરો આપ્યો ને સંગીતની તાલીમ શરૂ થઈ.
એમની સાથે લાઈવ કોન્સર્ટમાં એન્કર તરીકે કામ કરનાર અને લતાદીદીની જીવનકથા લખનાર શ્રી હરીશ ભીમાણી કહે છે કે ‘દુનિયાના અનેક દેશોમાં લતાજીએ શો કર્યા, એવા દેશો જ્યાં ફરી કદાચ જવાનું પણ ન થાય, પરંતુ એવા શહેરોના શોમાં પણ લતાજી હંમેશા રિહર્સલ તો કરે જ, એક નહીં ત્રણ રિહર્સલ કરે. એમણે હજારો ગીતો ગાયા છે, બધા યાદ ન રહે એ સ્વાભાવિક છે, પરંતુ દરેક ગીતની બારીકીઓને લતાજી, ઓરિજિનલ જેમ જ પ્રસ્તુત કરતા.’
લતાજી એક જીવંત દંતકથા બની ગયા અને એમના ગીતોનો અણમોલ ખજાનો આપીને ગયા. મરચાં અને દહીં એમને પ્રિય હતા, જે ગીત ગાતા એ પોતાના અક્ષરમાં પહેલા લખતાં. સેન્સ ઓફ હ્યુમર અદભૂત હતી, ખૂબ સારા નેરેટર હતા, જે વિનોદી કિસ્સા સંભળાવે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિત વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો લતાદીદીને આદર આપતા. ક્રિકેટ અને ક્રિકેટરો સાથે તેઓને પારિવારિક ઘરોબો હતો, એમને જે કામ ગમ્યું એ જ કામ લતાજીએ કર્યું છે. સ્ટુડિયોમાં પ્રવેશ કરે તો ચંપલ બહાર મૂકીને જ જતા, નવોદિત સંગીતકારોને પણ પ્રોત્સાહન આપતાં. આવી આવી તો અગણિત વાતો વાતાવરણમાં ગુંજ્યા કરશે અને લતાજી આપણા સ્મરણોમાં જીવંત રહેશે.
એમણે ગાયેલા અનેક ગુજરાતી ગીતો એ તો આપણા માટે સર્વકાલીન ઉપહાર છે જેને સાંભળીને અનેક પેઢીઓ ગુજરાતી ભાષાનું ગૌરવ ગાન કરતી રહેશે.
સુર ક્યારેય શાંત નથી થતો, લતાજીનો સ્વર સદીઓ સુધી ગુંજતો રહેશે.
તુમ મુજે યું ભુલા ન પાઓગે અને રહે ના રહે હમ મહેંકા કરેંગે બન કે કલી, બનકે સખા બાગે વફા મેં, અને મેરી આવાઝ હી પહેચાન હૈ જેવા હજારો ગીતો થકી લતાજીના સ્વરના અજવાળાં આપણને દિવ્યતાનો અહેસાસ કરાવતા રહેશે.