સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરઃ સાત દસકા કરતાં પણ લાંબી સૂરિલી સફર

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 22nd September 2020 08:03 EDT
 
 

એમનું બાળપણનું નામ હેમા હતું, કુંદનલાલ સાયગલ માટે એમને અપાર આદર હતો, હિન્દી સિનેમામાં પાર્શ્વગાયિકા, સંગીત નિર્દેશક (આનંદ ધન નામે) અને ફિલ્મ નિર્માતા તરીકે સાત દાયકથી વધુ સમય એમણે કાર્ય કર્યું છે...
સમગ્ર વિશ્વમાં એમના સ્વરના ચાહકો છે, રાષ્ટ્ર કી આવાઝ અને સ્વર સામાજ્ઞી જેવા અનેક વિશેષણોથી તેઓ ઓળખાય છે. ભારતરત્ન સહિતના અનેક એવોર્ડ્ઝ તેમને મળ્યા છે. તારીખ ૧૮ સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે ને તેઓ ૯૦ વર્ષના થશે. વાચકોને હવે સમજાઈ જ ગયું હશે કે વાત સ્વરકિન્નરી, સ્વરસમાજ્ઞી લતા મંગેશકરની થઈ રહી છે. સાત દાયકાથી વધુ સમયનો એમનો કાર્યકાળ રહ્યો. ગાતા રહ્યા અને વિશ્વભરના એમના શ્રોતાઓને રાજી કરતા રહ્યા. માનવીય સંબંધોના તમામ પાત્રો માટે, મનની હૃદયની તમામ લાગણીઓના સંવેદનો સાથેના ગીતો એમણે ગાયા... સાંભળનાર જે ભાવથી સાંભળે, એને એવું જ લાગે કે, આ ગીતમાં તો મારા જ હૃદયની વાત શબ્દો દ્વારા વ્યક્ત થઈ રહી છે.
જન્મ થયો ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં. પિતા દિનાનાથ મંગેશકર રંગમંચના કલાકાર અને માતા સેવન્તી મંગેશકર આદર્શ ગૃહિણી. પરિવારના અન્ય સભ્યોમાં બહેનો - મીના, આશા તથા ઉષા અને ભાઈ હૃદયનાથ... બધાએ ફિલ્મોમાં સંગીતક્ષેત્રે કારકિર્દીનું સ્વરૂપ આપ્યું અને પોતાની રીતે શ્રેષ્ઠ પ્રદાન કર્યું. માત્ર પાંચ વર્ષની ઉંમરે ઘરમાં ગાતા હતા. ત્યારે પિતાજીને ખ્યાલ આવ્યો કે એનામાં ગાયક થવાના ગુણો પડેલા છે. પિતાજીના મૃત્યુ પછી ઘર ચલાવવાની જવાબદારી લતાજી પર આવી.
મુંબઈ આવ્યા એ પહેલા ‘પાહિલી મંગલા ગૌર’ સહિતની કેટલીક ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું. ૧૯૪૨માં સદાશીવ નેવરેકરે મરાઠી ગીત ગવડાવ્યું પણ ફાઈનલ એડિટીંગ સમયે એ ગીત ફિલ્મમાંથી હટાવી દેવાયું...
એમનામાં રહેલી ગાયિકાની ક્ષમતાને સૌપ્રથમ પારખી સંગીતકાર ગુલામ હૈદરે... દરમિયાન લતાજીએ ઉસ્તાદ અમનઅલીખાં સાહેબ પાસે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. ૧૯૪૭માં સંગીતકાર ખેમચંદ પ્રકાશના સંગીતમાં બનેલી ‘મહલ’ ફિલ્મના ગીત ‘આયેગા આયેગા આનેવાલા’થી સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત થઈ ને એ પછી નૌશાદની અંદાજ તથા શંકર-જયકિશનની ‘બરસાત’ ફિલ્મના ગીતોથી શ્રોતાઓ એવા ભીંજાયા કે સાત દાયકા સુધી લતાજીની સ્વર વર્ષામાં ભીંજાતા જ રહ્યા.
કિશોર કુમારે એક ઇન્ટરવ્યૂમાં લતાજી સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે લતાજી અને તે બંને ટ્રેનના એક ડબ્બામાં મુંબઈમાં પ્રવાસ કરી રહ્યા હતા. એક જ સ્ટેશને બંને ઊતર્યા... લતાજીએ ઘોડાગાડી કરીને જે દિશામાં પ્રવાસ શરૂ કર્યો એવું જ કિશોર કુમારે પણ કર્યું. લતાજી બોમ્બે ટોકિઝ ઉતર્યા ને સ્ટુડિયોમાં ગયા તો એ પણ અનુસર્યા... લતાજીને લાગ્યું કે આ માણસ મારો પીછો કરે છે પછી ખબર પડી કે એ કિશોર કુમાર છે અને બન્ને એક જ ફિલ્મ ‘ઝીદી’ના ગીત રેકોર્ડિંગ માટે ત્યાં સાથે અનાયાસ ગયા હતા.
એક મુલાકાતમાં સ્વરકારોના ઉલ્લેખની વાત નીકળે છે તો લતાજી કહે છે કે ‘જયદેવ મોસ્ટ ચેલેન્જીંગ હતા. તેમણે નેપાલના રાજા બીરેન્દ્રજીએ લખેલું ગીત નેપાળી ફિલ્મ ‘માટી ઘર’માં ગવડાવ્યું છે, ઇટ વોઝ વન ઓફ ધ ટફેસ્ટ સોંગ્ઝ ઓફ માય કેરિયર...’
શંકર-જયકિશન દ્વારા સંગીતબદ્ધ ‘મયુર પંખ’, ‘પટરાણી’ જેવી ફિલ્મોના તમામ ગીતોમાં લતાજીનો સ્વર હતો તે બતાવે છે કે શંકર-જયકિશન પણ તેમને અનહદ આદર આપતા હતા.
ગીતકાર આનંદ બક્ષીએ લતાજી માટે લખ્યું છે કે ‘યે ગુલશન મેં બાદ-એ-સબા કે પર્વત, યે કાલી ઘટા ગા રહી હૈ, યે ઝરનોંને પૈદા કિયા હૈ તરન્નુમ કી નદીયાં કોઈ ગીત સા ગા રહી હૈ, મુઝે જાને ક્યા ક્યા ગુમાં હો રહા હૈ, નહીં ઔર કોઈ લતા ગા રહી હૈ’
એમના ગીતોના કાર્યક્રમો થાય ત્યારે કોઈ ગીત એવું ન મળે જે ના લઈએ તો ચાલે! એના માધુર્યની મીઠાશ બધા જ ગીતોમાં મળે. એક ઇન્ટરવ્યૂમાં લતાજીએ કહ્યું છે કે પ્રત્યેક ગીત ગવાયા બાદ મને થતું કે હજી વધુ સારું ગાઈ શકાય... વાહ વાહ, ક્યા ગાના ગાયા હૈ? એવી અનુભૂતિ મને ક્યારેય નથી થઈ. કદાચ એથી જ લતાજીના સ્વરમાં આપણને અણમોલ ગીતોનો અખૂટ ભંડાર મળ્યો છે.
લતાજી વિશેની કેટકેટલી વાતો, કથાઓ, ઇન્ટરવ્યુ, કાર્યક્રમોના ઓડિયો-વીડિયો, પુસ્તકો આજે સ્મરણોમાં સહુને આવતા હશે... એમને રૂબરૂ મળવાનો કહો કે દર્શનનો લ્હાવો એક વાર મને પણ મળ્યો છે. એનું સ્મરણ થાય. એમના દીર્ઘ અને સ્વસ્થ આયુષ્યની મંગલકામના સાથે એમના ગીતો સાંભળીએ ને આસપાસ લતામય સૂરોના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter