‘આવો, તમને મારા પારિવારિક મિત્રનો પરિચય કરાવું, એ બીજાઓના સુખ-સમૃદ્ધિ માટે બહુ માનતાઓ રાખે છે.’ હાર્દિક જોષીએ કહ્યું અને સાંભળનારને આખી વાતમાં રસ પડ્યો.
નામ એનું ચેતન સોની. માતા કોકિલાબહેન અને પિતા બંસીલાલના પરિવારમાં એક દીકરો અને એક દીકરીનો પરિવાર અમદાવાદની પોળમાં રહે. બાળપણનો સમય વીત્યો પોળની સંસ્કૃતિમાં. અમદાવાદ ભલે આજે મહાનગર બન્યું હોય, પરંતુ એની પોળોની સંસ્કૃતિ-સભ્યતા અને વાતાવરણ હજુ એવા જ સચવાયા છે. આવી જ એક જાણીતી પોળ એટલે નાનશા જીવણની પોળમાં, અને પછીથી માંડવીની પોળ અને શેઠની પોળમાં એનું બાળપણ અને કિશોરાવસ્થા પસાર થયા. મિત્રો સાથે ધમાલ-મસ્તી-દેવદર્શન-ઉત્સવોની ઊજવણી અને બસ મજા મજા કરતાં કરતાં યુવાન થયેલો ચેતન અભ્યાસમાં આગળ વધીને ડિપ્લોમા ઈન સોફ્ટવેર મેનેજમેન્ટનું ભણ્યો. પહેલેથી પરિવારમાં ધાર્મિક વાતાવરણ હતું એટલે એના મનમાં, હૃદયમાં એના પરિવારની કૂળદેવી બહુચરાજી માતા પ્રત્યે એની આસ્થા હતી. કોઈને કોઈ પ્રસંગે મહેસાણા જિલ્લામાં આવેલા આ ધાર્મિકસ્થાને એ દર્શને જતો હતો.
ઉંમર થઈ એટલે નૂપુર નામની એક સુંદર યુવતી સાથે એના લગ્ન થયા અને સમય જતાં જીવનબાગમાં હેત નામે દીકરારૂપી પુષ્પ ખીલ્યું.
એક વાર એવું થયું કે એના પારિવારિક સ્વજન કે મિત્ર સામે સમસ્યા સર્જાઈ. ઉકેલ મળતો નહોતો. ચેતન પણ એના દુઃખમાં ભાગીદાર હતો. એણે માનતા માની કે રસ્તો નીકળશે તો બહુચરાજી માતાના દર્શને પૂનમે આવીશ. અને ચમત્કાર થયો. કામ સફળ થયું. બસ ત્યારથી એની શ્રદ્ધા વધી ગઈ. ચેતન મિત્રોને લઈને દર પૂનમે બહુચરાજી માતાના દર્શને અમદાવાદથી જવા માંડ્યો.
પાંચ-સાત ગાડીમાં ૧૫-૨૦ મિત્રો નીકળે. ગાડીઓના પેટ્રોલ-ડીઝલ, ચા-નાસ્તા કે ભોજનનો તમામ ખર્ચ ચેતન ઊઠાવે ને સહુને દર્શન કરાવે. આજે વાતને દસ વર્ષ થઇ ગયા છે. એ કહે છે ‘માતાજીએ
પ્રેરણા આપી છે, અને હું આ કાર્યમાં નિમિત્ત બની રહ્યો છું.’
એક દિવસ એને વિચાર આવ્યો કે મારી જિંદગીમાં હું બહુ ફર્યો નથી (અલબત્ત, આજે એની પાસે બે-ત્રણ દેશોના વીઝા છે) તો ચાલને મિત્રોને - સિનિયર સિટીઝનને દુનિયામાં અને આસપાસમાં આવેલા સ્થળોના પ્રવાસે અને દર્શને લઈ જાઉં!
૨૦૦૭માં સૌથી પહેલાં ૩૦ જેટલા મિત્રોને લઈ ડાકોરમાં શ્રી રણછોડરાયના દર્શને લઈ ગયો. સમય જતાં સિલસિલો આગળ વધતો ગયો. મિત્રો જોડાતા ગયા. અંબાજી, શ્રીનાથજી અને સોમનાથના દર્શન વડીલોને અને મિત્રોને કરાવ્યા. વ્યવસ્થામાં એના મિત્રો હાર્દિક જોષી, જીગર, હાર્દિક સોની, મનીષ તથા અન્ય મિત્રો જોડાતા રહ્યા. ક્યારે વ્યવસાયિક જવાબદારીઓમાં અટવાઈને ચેતન ન જઈ શકે તો યાત્રાનું આયોજન મિત્રો જ સંભાળી લે. કોઈ પાસેથી એક પણ રૂપિયો નહીં લેવાનો. મોટા ભાગના સિનિયર સિટીઝન્સ એમાં સામેલ હોય.
એક વાર તો ૯૦ સભ્યોના ગ્રૂપ સાથે એ હરિદ્વાર પણ જઈ આવ્યો. એની પત્ની નુપૂરનો આ સમગ્ર આયોજનમાં એને ઉત્તમ સાથ મળે છે. દીકરો હેત અત્યારે પાયલોટનો કોર્ષ કરવા યુએસએ ગયો છે. બીજાના આનંદ માટે માનતા રાખીને પોતે આનંદ કરતા આવા વ્યક્તિત્વને શુભકામના.
આ જમાનો કે જેમાં માણસ માત્ર સ્વાર્થના જ કામો કરે છે ત્યારે સ્વજનો કે પ્રિયજનોના કામ પૂરાં થાય એ માટે પોતાની શ્રદ્ધા જેમાં હોય એવા દેવી-દેવતાની માનતા રાખીને એના દર્શન કરનારા
લોકો સાચે જ માનવતાના પૂજારી છે. પોતાના પૈસે બીજા લોકોને નિયમિત દેવ-દર્શને કે પ્રવાસન સ્થળોએ લઈ જઈને વડીલોના આશીર્વાદ મેળવનારા યુવાનો સમાજમાં પ્રેમસંદેશ ફેલાવનારા ભારતીય સંસ્કૃતિના સંવાહકો છે. આવા યુવાનો જોવા મળે ત્યારે એમના કર્મો થકી અજવાળાં ફેલાય છે.
ઃ લાઈટ હાઉસ ઃ
પર હિત સરસ,
ધરમ નહીં ભાઈ