હસ્તકલામાં સમાયા છે આપણા ઉત્સવો -અવસરો - ધાર્મિક વિધિવિધાનો

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 09th March 2021 05:07 EST
 

‘કેટલી મહેનતથી બનાવી હશે આ વસ્તુઓ!!!...’
‘ગામડાની બહેનો દ્વારા તૈયાર થયલા હસ્તકલાના નમુનાઓ મહાનગરોના ઘરોની શોભા વધારી રહ્યા છે એનો આનંદ છે...’
‘હસ્તકલા આપણા રોજિંદા જીવનના ઉત્સવો-અવસરો-ધાર્મિક વિધિવિધાનો સાથે જોડાયેલી છે.’
‘એક સ્ત્રી હસ્તકલાના માધ્યમ દ્વારા આત્મનિર્ભર બને છે, તો સરવાળે એક ઘર, એક ગામને એમ એક રાષ્ટ્ર આત્મનિર્ભર બને છે...’
આવા આવા સરસ અને ભાવપૂર્ણ વાક્યો સાંભળ્યા એક મેળામાં. આ મેળો યોજાયો હતો અમદાવાદના રિવરફ્રન્ટ પર. ‘સરસ મેળો ૨૦૨૧’ શીર્ષક હેઠળ મહિલાઓ આત્મનિર્ભર બને અને સમાજમાં સ્વરોજગારી સાથે આગળ વધે, આત્મનિર્ભર ભારતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરે એવા શુભ આશયથી યોજાયો હતો આ સરસ મેળો. ગ્રામ વિકાસ મંત્રાલય - ભારત સરકાર, ગ્રામ વિકાસ વિભાગ - ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ મેળામાં દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ વિકાસ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિક કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવા અને તેમનું સશક્તિકરણ કરવાના શુભ આશયથી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરાયું હતું.
સમગ્ર દેશના અને ગુજરાતના મળી અંદાજે ૧૫૦ જેટલા ગ્રામીણ મહિલા જૂથો દ્વારા બનાવવામાં આવેલી કલાત્મક ચીજવસ્તુઓ નિહાળીને અહીં આવનારા મુલાકાતીઓ ખુબ રાજી થતા હતા અને એ વસ્તુઓ પૈકીની પોતાને જરૂરી અને મનગમતી વસ્તુઓ ખરીદતા પણ હતા.
હરિયાણાની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, આસામ-મેઘાલયની બામ્બુ આર્ટ, તેલંગણની પોચમપલ્લી હેન્ડલુમ, આંધ્ર પ્રદેશની કલમકારી આર્ટ પેઈન્ટીંગ, ઉત્તર પ્રદેશની હેન્ડલુમ બેડશીટ્સ, કેરળની કિચન એગ્રીકલ્ચર પ્રોડક્ટ, મહારાષ્ટ્રના કોલ્હાપુરી ચંપલ, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી મહિલાઓ દ્વારા બનાવાયેલા માટીકામ, વાંસકામ, ધાતુકામ, વસ્ત્રકામ, વિવિધ આભૂષણો, રોજ-બ-રોજના ઉપયોગના ખાદ્ય પદાર્થો વગેરે વગેરે જેવી વ્યાપક પસંદગી મુલાકતીઓ માટે ઉપલબ્ધ હતી આ મેળામાં.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન મેળવનારા પ્રતિભાવંત મહિલાઓનું સન્માન કરાયું હતું.
રોજ સાંજે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાસ્ત્રીય નૃત્યુ-લોકનૃત્ય-ભવાઈના વેશ અને હાસ્યરસના વૈવિધ્યને જુદા જુદા કલાકારોએ પ્રસ્તુત કર્યું હતું, જેને પણ દર્શકોએ વધાવ્યા હતા.
હસ્તકલાનો અર્થ છે જે કલાત્મક કાર્ય છે, ઉપયોગી પણ છે અને સજાવટમાં પણ કામ આવે છે. હાથ અને હાથવગા સરળ ઓજારોથી એનું સર્જન થાય છે. આવી કલાઓનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ આપણે ત્યાં સદીઓથી સચવાયું છે. હસ્તકલામાં લાકડાનું કામ, માટીનું કામ, દોરાનું કામ, વણાટ, વસ્તુકલા, ગુંથણ, લોખંડ તથા અન્ય ધાતુઓનું કામ, આભૂષણો, ચામડાની વસ્તુઓવગેરે વગેરેનો સમાવશ થાય છે.
જે તે પ્રદેશની - સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને લોકજીવનની અસર ત્યાંના કારીગરોની હસ્તકલા પર હંમેશા પડતી હોય છે અને એથી જ એ હસ્તકલાના નમુના જે તે સ્થળ વિશેષની ઓળખ બની રહે છે. આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાંથી આવી હસ્તકલાની વિવિધ કારીગરીની વસ્તુઓ લાવીએ છીએ, આપણું ઘર સજાવીએ છીએ આવું થાય ત્યારે ગ્રામીણ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓએમાંથી પણ જાણે હસ્તકલાના-હૈયાની કોઠા સુઝના-કલાના સ્વરૂપના અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter