‘હાફેશ્વર ગામ વિશે અમે ડોક્યુમેન્ટરી બનાવવા ગયા હતા, અને થયું કે પ્રકૃતિએ ચારેબાજુ અણમોલ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. અહીં તો બે-ત્રણ દિવસ રહીને બધો થાક ઊતારવો જોઈએ, અને ખરેખર મોજ પડી ગઈ.’ આ શબ્દો કહ્યા ફિલ્મમેકર હસમુખભાઈએ. તેઓ વાત કરી રહ્યા હતા હાફેશ્વર ગામ અને આસપાસની પ્રાકૃતિક સુંદરતાની. અવસર હતો ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા વિજેતા ગામ હાફેશ્વરને બેસ્ટ ટુરિઝમ વિલેજ હેરિટેજ કેટેગરીનો પુરસ્કાર અર્પણ કરવાનો સમારોહ. ગાંધીનગરમાં એ દિવસે હાફેશ્વરના થોડા નગરજનો અને એ વિસ્તારના જનપ્રતિનિધિઓ આવ્યા હતા. પુરસ્કાર સ્વીકાર સમયે ગ્રામજનોના ચહેરા પર હાસ્ય હતું, ગૌરવની અનુભૂતિનો રણકાર એમની વાતમાં હતો.
હાફેશ્વર, જ્યાં પહોંચતા હાંફી જવાય એવું સ્થળ એટલે હાફેશ્વર. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે, છોટાઉદેપુર જિલ્લાનું ક્વાંટ તાલુકાનું નાનકડું ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે. ગુજરાત-મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોની બોર્ડર અહીં ભેગી થાય છે. અહીં પાણી-પર્વત-પ્રકૃતિનું સૌંદર્ય છે. આદિવાસી સંસ્કૃતિની અણમોલ વિરાસત છે, પૌરાણિક એવું હાફેશ્વર મંદિર છે અને હોળી પછી યોજાતો ક્વાંટનો મેળો છે. રોજેરોજ પરિશ્રમ કરીને જિંદગીને ઉત્સવની જેમ માણતા રંગીલા-મોજીલા આદિવાસી લોકોની મસ્તી-નૃત્ય-ગીત-સંગીત અહીંના વાાતવરણમાં ગુંજે છે. જ્યાં પણ નજર પડે છે અહીં ચારેબાજુ આંખોને ગમે, ચિત્તને આનંદ આપે એવી પ્રાકૃતિક સંપદા જોવા મળે છે. સાતપૂડા અને વિંધ્યાચલની પર્વતમાળાથી ઘેરાયેલું છે હાફેશ્વર. આવનારા દિવસોમાં અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા પાર્કિંગ-કેફેટેરિયા-ગાર્ડન-વોકવે-ચેન્જિંગ રૂમની સુવિધા ઊભી થનાર છે.
લોકમાન્યતા અનુસાર મહાભારત કાળમાં અજ્ઞાતવાસ સમયે પાંડવો અહીં રહ્યા હતા. અશ્વત્થામાએ પણ અહીં નિવાસ કર્યો હોવાની લોકવાયકા છે. હાફેશ્વર મંદિર પ્રાચીન છે અને વર્ષનો મોટાભાગનો સમય પાણીમાં ડૂબેલું રહે છે, એ સમયે મંદિરની ધજા જ દેખાય છે. મંદિર નદી કરતાં ઊંચાઈએ હોવા છતાં મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ નીચેથી જ પાણીની સરવાણી ફૂટે છે જેથી કુદરતી રીતે જ શિવલિંગ પર અભિષેક થયા કરે છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવતી મા રેવા-એટલે કે નર્મદાનું પ્રવેશદ્વાર ગણાય છે હાફેશ્વર.
પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના હસ્તે ગામના સરપંચ વસંતીબહેન ભીલને પુરસ્કાર અપાયો ત્યારે ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, જિ.પં. ઉપપ્રમુખ શ્રી રંજીતભાઈ ભીલ, તા.પં. ઉપપ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા તથા અન્ય આગેવાનો TCGL ના કમિશ્નર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ. છાકછુઆક, છોટાઉદેપુર કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ શુભકામના પાઠવી હતી.
વડોદરા-સુરત-અમદાવાદથી આવનારા પ્રવાસીઓની સંખ્યા હવે અહીં વધી છે. હોમ-સ્ટેનો કોન્સેપ્ટ ધીમે ધીમે વિકસશે એટલે પ્રવાસીને સ્થાનિક સંસ્કૃતિ-ભોજન-પ્રકૃતિ સાથે વધુ ઘનિષ્ઠતાથી રહેવા મળશે. ટુરિઝમનો વિકાસ થશે, રોજગારી વધશે. હાફેશ્વરમાં અને આસપાસમાં કુદરતે છુટ્ટા હાથે પ્રાકૃતિક સૌંદર્ય વિખેર્યું છે એટલે પ્રવાસીઓને અહીં પ્રસન્નતાની અનુભૂતિ થાય છે.
પ્રાદેશિક સંસ્કૃતિમાં પરંપરાગત જીવનપ્રણાલી - રીતભાત- ઉત્સવો ધબકે છે. ગુજરાતમાં પ્રત્યેક વિસ્તારને પોતાનું નોખું-અનોખું સૌંદર્ય છે. એ પ્રવાસન સ્થળઓએ જઈએ ત્યારે શાંતિ-આનંદ-પ્રસન્નતા અનુભવાય છે અને જીવન એક ઉત્સવ હોવાની અનુભૂતિ થાય છે.