રિન્કુ સિંઘ... ક્રિકેટપ્રેમીઓ માટે પણ આ નામ તારીખ 9 એપ્રિલ રવિવારની રાત્રી સુધી અજાણ્યું હતું, અને રાતોરાત આ યુવાન હીરો થઈ ગયો. અમદાવાદમાં આઈપીએલની મેચ રમાઈ જે વાસ્તવમાં રોલરકોસ્ટર જેવી બની રહી. એ મેચમાં કુલ મળીને 411 રન નોંધાયા જે પૈકી 264 રન તો બાઉન્ડ્રી વટાવીને જ આવ્યા. ગુજરાત ટાઈટન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી એ મેચ મેદાનમાં કે ટીવી પર નિહાળનાર સાચ્ચે જ દિલધડક મેચના સાક્ષી બન્યા. આ મેચમાં બધાએ શ્રેષ્ઠ પ્રદાન કર્યું પણ હીરો સાબિત થયો રિન્કુ સિંઘ.
ગુજરાત ટાઈટન્સ એના કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં રમ્યું, પાવર પ્લેમાં એક વિકેટે 54 રન કર્યાં. વિજય શંકર અને ડેવિડ મીલરે 15 બોલમાં 51 રન ભેગા કર્યાં. સાઈ સુદર્શનના 53 રન થયા. વિજયશંકરે શાર્દુલ ઠાકુરની અંતિમ ઓવરમાં 3 છગ્ગા માર્યા અને એ પણ સતત. આમ દેખીતી રીતે આશાસ્પદ અને વિજય તરફ લઈ જનાર કુલ સ્કોર 20 ઓવરમાં ચાર વિકેટે 204 થયો.
કોલકતા નાઈટ રાઈડર્સનો દાવ આવ્યો ત્યારે વેંકટેશ ઐયરે જોરદાર બેટિંગ કરી 83 રન બનાવ્યા. કેપ્ટન નીતિશે પણ 45 રન બનાવ્યા. ચાર વિકેટે 155 રન અને પંદર ઓવર થઈ હતી એટલે કોલકતા કદાચ જીતે એવું લાગતું હતું ત્યાં જ ગુજરાતના રાશિદ ખાને હેટ્રિક કરી લીધી અને ગુજરાત માટે જાણે ફરી જીતવાની ઉજળી શક્યતા દેખાઇ. ગુજરાત માટે વિજય જાણે હાથવગો જ હતો. કોલકોતાને છેલ્લી ઓવરમાં 29 રન જરૂરી હતા. પ્રથમ બોલે ઉમેશ યાદવે એક રન લીધો. પાંચ બોલમાં અઠ્ઠાવીસ રન જરૂરી હતા. બેટિંગમાં અનકેપ્ડ પ્લેયર રિન્કુ સિંઘ હતો અને જાણે ચમત્કાર સર્જાયો. રિન્કુએ યશ દયાલના પાંચે પાંચ બોલ પર છગ્ગા મારીને પોતાની ટીમને વિજય અપાવ્યો ત્યારે મેદાન પર, ટીવી પર મેચ કોમેન્ટ્રી આપી રહેલા કોમેન્ટેટરો પર અને ટીવી પર મેચ જોઈ રહેલા દર્શકો પર જાણે કોઈ ચમત્કાર સર્જાયો હોય એવું અનુભવાયું હતું. એ પછી રિન્કુ સિંઘે કહ્યું કે ‘મેં બહુ વિચાર કર્યો જ નહિ, મારે બસ મારી ટીમને જીતાડવી હતી. જે પ્રકારના બોલ આવ્યા એ પ્રકારના શોટ માટે હું બેટ ફેરવતો ગયો. કેપ્ટન નીતીશ રાણાએ મને કહ્યું હતું કે આખિર તક ખેલના, ઉમેશ યાદવે કહ્યું હતું કે સોચના મત, લગે રહો...’
આ આખી ઘટનામાં અહીં જે અભિવ્યક્ત થાય છે એ રિન્કુ સિંઘનો આત્મવિશ્વાસ છે. બહુ વિચાર કરવાથી ફાયદો થતો હશે પણ ઘણી વાર નુકસાન પણ જાય છે. હિંમત – સાહસ અને કોઈ તત્વમાં શ્રદ્ધા રાખીને કામ કરનારને યોગ્ય અને સાચી દિશાનો માર્ગ મળી જ આવે છે. રિન્કુ સિંઘે એ જ કર્યું અને હીરો થઈ ગયો. ક્રિકેટ તો રમતો જ હતો. આઈપીએલ પણ કાંઈ પહેલીવાર નહોતો રમતો, પણ જે દબાણજનક પરિસ્થિતિ ઊભી થઈ એમાં એણે ગભરાયા વિના પૂર્ણ આત્મવિશ્વાસથી બેટિંગ કર્યું એના પરિણામે એની ટીમ માટે હારની બાજી જીતમાં પલટાઈ ગઈ.
મારા - તમારા જીવનમાં આવી નાની - મોટી ઘટના રોજ બનતી હોય છે જેમાં દબાણ હેઠળ આવી જઈએ તો હારી જઈએ પરંતુ આત્મવિશ્વાસથી રમીએ તો જીત મળે પણ ખરી. એટલે જ આ ઘટના આપણને પ્રેરિત કરે છે કે આત્મવિશ્વાસના અજવાળાંથી ઝળહળ રહીએ.