હીંચકો આપણને સમજાવે છેઃ મૂળ સાથે મહોબ્બત રાખો...

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 15th June 2020 06:03 EDT
 

હીંચકો... ત્રણ અક્ષરના આ શબ્દની ઓળખ અને એની અનુભૂતિ સર્વસામાન્ય પણ છે અને વ્યાપક પણ છે. હિંચકો એટલે કઠેડાવાળો મોટો હિંડોળો - ઝુલો. આ ઝુલાને આપણે અનેકરૂપે અનેક અર્થો સાથે જોયો હશે પરંતુ આ ઝુલો ‘ઝુલતી વ્યાસપીઠ’ બની જાય અને ઘરઘરમાં બેઠેલા વિશ્વભરના શ્રોતાઓ ઝુલતી વ્યાસપીઠ પરથી રજૂ થતાં સંવાદનું શ્રવણ કરે એ ઘટના જ વિશ્વમાં પહેલીવાર બની છે અને એમાં જોડાનાર સહુ માટે ધન્યતાનો અનુભવ કરાવનારી બની છે. ઝુલતી વ્યાસપીઠ પર, તલગાજરડામાં બેસીને સંવાદ કર્યો, સમગ્ર વિશ્વમાં પ્રેમ - પ્રાર્થના અને પ્રસન્નતાનો પ્રસાર કરી રહેલા પૂજ્ય મોરારિબાપુએ.

હીંચકો એટલે ઘોડિયાથી ઘડપણ સુધીનો માનવીનો સંગાથ. વ્યાસ શબ્દના ઘણા અર્થો મળે છે. એની સાથે પીઠ શબ્દ જોડાય છે ત્યારે બને છે વ્યાસપીઠ શબ્દ, જેનો આપણી પરંપરામાં અર્થ છે, વક્તા કે કથાકારને બેસવાનું સ્થાન.
કોરોના વાઇરસની મહામારીથી બચવા અને તેની સામે લડવા ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ સૂત્ર સાથે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચ ૨૦૨૦ની સાંજે ભારતમાં ૨૫ માર્ચથી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું. આ જ દિવસથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થયો. પૂજ્ય મોરારિબાપુએ તલગાજરડામાં હિંચકે - ઝુલા પર બેસીને આ દિવસથી જ સંવાદનો આરંભ કર્યો, ‘હરિકથા સત્સંગ’ રૂપે. આરંભે જ પૂજ્ય બાપુએ કહ્યું, ‘સભી કો મેરા જય સીયારામ’ આદરણીય વડા પ્રધાનના લોકડાઉન સંદર્ભના સંદેશનો ઉલ્લેખ કરીને તેઓએ કહ્યું ‘સભી કો વિનય કર રહા હું, સ્વ સે લેકર સર્વ કે હિત કે લીયે, ડરકર નહીં, ગંભીરતા સે ગ્રહણ કરે, લોકડાઉન હમ સબ કે લીયે એક અનુષ્ઠાન હૈ, જૂડ જાયે, પૂરી પ્રામાણિકતા સે સહયોગ કરે.’ અને આમ લોકડાઉનના આ સમયને રાષ્ટ્રીય અનુષ્ઠાન રૂપે સ્વીકારીને આરંભ થયો હરિકથા સત્સંગ લાભનો.
મારું એ પરમ સૌભાગ્ય રહ્યું છે કે છેક ૧૯૭૭-૭૮થી પૂજ્ય બાપુની કથાનો હું શ્રોતા રહ્યો છું. હનુમાનજી મહારાજ અને તલગાજરડાની ભૂમિ મારા માટે શ્રદ્ધેય રહ્યા છે, અને પૂજ્ય બાપુના સાનિધ્યમાં સૂર-શબ્દની યાત્રા પણ થતી રહી છે.
‘હરિકથા સત્સંગ’માં પણ કેટલાક દિવસોને બાદ કરતાં મોટા ભાગે શ્રવણલાભ મળ્યો. અંગત અનુભૂતિની વાત કરું તો સ્વયં અનુશાસનમાં રહેવામાં, નકારાત્મક વિચારોથી દૂર રહેવામાં, પરમતત્વ માત્ર આપણું જ નહીં સર્વનું કલ્યાણ કરશે જ એ શ્રદ્ધાને દ્રઢીભૂત કરવામાં ‘હરિકથા સત્સંગે’ શબ્દાતીત અનુભૂતિ આપી છે. બાપુ જેમને વૈશ્વિક વ્યાસ વાટિકાના ફલાવર્સ કહે છે એમાંના મોટાભાગનાને કદાચ આ ભાવ-અનુભૂતિ થઈ હશે.
લોકડાઉન લંબાતું ગયું અને શ્રોતાઓની જીજ્ઞાસા તથા પૂજ્ય બાપુની સ્મૃતિ આધારિત સંવાદ પણ આગળ વધતો ચાલ્યો. બાપુની ઝુલતી વ્યાસપીઠની પાછળ હરિયાળા વૃક્ષો, ક્યારેક પંખીઓનો કલરવ અને ક્યારેક પસાર થતા વાહનોનો અવાજ અને કરૂણામય-પ્રેમમય સ્વરે, ધીમેધીમે વહેતી પૂજ્ય બાપુની વાણી.
સંવાદ દરમિયાન પૂજ્ય બાપુએ એમના સદગુરૂ, પૂજ્ય ત્રિભુવન દાદાને સતત યાદ કર્યા ને કહ્યું કે, ‘ગુરૂકૃપાથી જે સમજ્યો તે સંવાદ કરું છું.’ બાળપણના સ્મરણો યાદ કરીને સહજ રીતે સ્નેહજયથી સભર થતી હતી એમની આંખો.
એક સમયે પ્રાથમિક શાળાના શિક્ષક રહી ચૂકેલા પૂજ્ય બાપુ, એમની ૭૫ વર્ષની વયે પણ પોતાની અંદર વિદ્યાર્થીને જીવંત રાખે છે એ વાતની અનુભૂતિ ત્યારે થાય જ્યારે કેટલાક સંવાદોમાં તેઓએ કહ્યું કે ‘જે તે સમયે સ્મૃતિમાં આવતું ગયું તે હું નોંધતો રહ્યો છું’ અને એ નોંધ પર નજર ફેરવીને બાપુ સંવાદમાં આગળ વધતા જાય.
આટલા દિવસોમાં વિષયોનું વૈવિધ્ય એટલું કે એક એક દિવસના સંવાદ પર એક એક લેખ લખી શકાય. સંવાદમાં પૂજ્ય બાપુએ કહ્યું કે ‘સમજાને કી ચેષ્ટા નહીં હૈ, સમજાને નહીં આયા હું, મેરા પ્રવચન મેરા સ્વાધ્યાય હૈ.’ સંવાદમાં જ પૂજ્ય બાપુએ ‘મેરી ઝુલતી વ્યાસપીઠ’ એવો શબ્દ ક્યારેક કહ્યો અને આ લેખ લખવા અક્ષરો મંડાયા.
હીંચકા પર બેસનારનો એ અનુભવ છે કે જેટલો આગળ જાય, એટલો જ પાછળ પણ જાય અને દરમિયાન મધ્યમાં આવે જ, ત્યારે બેસનારના પગ ધરતીને સ્પર્શે... આ અનુભૂતિ સાથે જ સ્પર્શે એવા શબ્દો પૂજ્ય બાપુએ કહ્યા હતા સંવાદમાં ‘મૂળ સાથે મહોબ્બત રાખો...’
લોકડાઉનના બીજા ચરણ સમયે હરિકથા સત્સંગ સાંભળતા આંખો સજળ થઈ અને કંઈક લખવા સહજ ભાવ જાગ્યો તે આજે છેક લોકડાઉનના અંતિમ દિવસોમાં આ શબ્દો લખાયા છે, ઝુલતી વ્યાસપીઠના અજવાળાં હૃદયમાં ઝીલાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter